વાસ્તુ: દેખાડા માટે શાસ્ત્રોનું અપમાન કરવું કેટલું યોગ્ય?

ટ્રેનમાં એક સૈનિકે ચાદર માગી, અને સ્ટાફે એની હત્યા કરી નાખી એવો સમાચાર વાંચ્યા પછી સામાન્ય વ્યક્તિ એને માત્ર સમાચાર ગણી ભૂલી જાય, ત્યારે સમજાય છે કે સૈનિક પ્રત્યે લોકોનું સન્માન હવે માત્ર બોલાચાલી સુધી સીમિત રહી ગયું છે.
જેમ દેશપ્રેમ હવે ફક્ત સોશિયલ મીડિયા “સ્ટેટસ” પૂરતો રહી ગયો છે, તેમ જ સૈનિકો પ્રત્યેની લાગણી પણ ક્યાંક ધરબાઈ ગઈ છે.

જો સામાન્ય માણસને વર્ષમાં એક વાર પણ સરહદ પર સેવા આપવાનો મોકો મળે, તો જ એને સૈનિકના જીવનનો સાચો અર્થ અને મુશ્કેલીઓની સમજ આવશે.

ઇતિહાસ સાક્ષી છે, માત્ર દસ હજાર અંગ્રેજોએ દોઢસો વર્ષ સુધી કરોડો ભારતીયો પર રાજ કર્યું. પૈસા માટે પોતાના જ લોકો પર ગોળી ચલાવનારા પણ પોતાના જ હતા. આજ પણ વાત વાતમાં હત્યા અને હિંસા સામાન્ય સમાચાર બની ગયા છે. એ સમાજની માનસિકતા દર્શાવે છે.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય, તો નીચે આપેલ ઇમેઈલ પર ચોક્કસ લખો.

સવાલ: નાના નાના બાળકો ખૂન કરી રહ્યા છે. સૈનિકો મુસાફરી કરતા હોય અને એમના પર પણ ઓફિશિયલ સ્ટાફ ઘાતક હુમલો કરે — એ વાત આંખ ખોલી દે એવી છે. સમાજનું પતન થઈ રહ્યું છે, અને તો પણ સમાજ શાંત છે.
ચરોતરમાં એક જગ્યાએ માત્ર એક હજાર રૂપિયામાં ખૂન થયું! જીવની કોઈ કિંમત નથી. આ બધું અચાનક થઈ રહ્યું છે એનું કારણ શું? લોકો કાયદો હાથમાં લેવા લાગ્યા છે. આવા લોકોનું ટોળું બને તો દેશનું શું થશે?

જવાબ: તમારી વેદના સાચી છે. આજે માતા–પિતા પાસે સમય નથી. બાળકો રીલ્સ જોઈને જીવન શીખી રહ્યા છે. મોબાઈલનું વળગણ ઉગ્રતા અને અશાંતિ આપે છે. લોકો પોતાનો કક્કો સાચો કરવા મથી રહ્યા છે.

આ સમસ્યાનો ઉપાય સમાજ જ લાવી શકે. સ્વનિયંત્રણ અને સંસ્કાર એ જ મુખ્ય દવા છે. આટલા મોટા દેશ, વિવિધ વિચારો અને બેરોજગારી વચ્ચે ફક્ત સરકાર પર મદાર રાખી શકાય નહીં. સરકારનાં અગત્યનાં કામ છે, પરંતુ બાળકોનું ઘડતર દરેક માતા–પિતાએ પોતે કરવું પડે. ત્યારે જ સંસ્કાર, સહાનુભૂતિ અને માનવતા જીવંત રહી શકશે.

સવાલ: અમે “વાસ્તુ” જેવા વિષય પર ચર્ચા રાખી છે. મારે સકારાત્મક રીતે વાત કરવી છે.કોઈ સૂચન આપો.

જવાબ: જેમ “જીવન છે કે નથી” એ વિષય પર ચર્ચા કરી શકાય, તેમ “વાસ્તુ છે કે નથી” એ વિષય પણ ઊંડો છે. જે છે એને સમજવા માટે સમય આપવો જોઈએ. ટાઈમ પાસ માટે ચર્ચા કરવાનો અર્થ નથી. જો ફાજલ સમય હોય તો પુસ્તકો વાંચો, સેવા કરો, સફાઈ કરો, વૃક્ષો વાવો. દેખાડા માટે શાસ્ત્રો કે માન્યતાઓનું અપમાન કરવું યોગ્ય નથી.

સૂચન: વાસ્તુશાસ્ત્ર એ દરિયો છે એને કોઈ એક પુસ્તકથી સમજી શકાય તેમ નથી.

(આપના સવાલો મોકલી આપો Email : vastunirmaan@gmail.com )