એશિયન ગેમ્સઃ ફાઈનલમાં હારી જતાં સિંધુને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો

જકાર્તા – અહીં રમાતી 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની બેડમિન્ટન સિંગલ્સ હરીફાઈમાં આજે રમાઈ ગયેલી ફાઈનલમાં ચાઈનીઝ તાઈપેઈની તાઈ જૂ યિન્ગ સામે સતત બે ગેમ્સમાં હારી જતાં પી.વી. સિંધુનો પરાજય થયો છે અને એને સિલ્વર મેડલ મળ્યો છે.

તાઈ જૂ યિન્ગે સેમી ફાઈનલમાં ભારતની જ સાઈના નેહવાલને પણ સતત બે ગેમ્સમાં હરાવી હતી.

આજની ફાઈનલમાં યિન્ગે સિંધુને 13-21, 16-21થી પરાજય આપ્યો હતો.

વિશ્વની નંબર-1 ક્રમાંકિત યિન્ગ સામે સિંધુની લડતનો કોઈ જવાબ નહોતો, તે છતાં સિંધુએ જે પ્રતિકાર કર્યો એનાથી એ દર્શકો તથા પ્રશંસકોનું દિલ જીતી ગઈ છે.

એશિયન ગેમ્સમાં ભારતે આ પહેલી જ વાર બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીત્યો છે.

આ હરીફાઈનો કાંસ્ય ચંદ્રક સાઈના નેહવાલને મળ્યો છે.

બેડમિન્ટનની રમતને એશિયન ગેમ્સમાં સામેલ કરાઈ એના 56 વર્ષમાં ભારતને આ પહેલી વાર રજત ચંદ્રક મળ્યો છે. 1962ની ગેમ્સમાં બેડમિન્ટનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.