શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીઃ નિફટીએ પહેલીવાર 10,300ની સપાટી કૂદાવી

અમદાવાદ– શેરબજારમાં રેકોર્ડ બ્રેક તેજીની આગેકૂચ રહી હતી. સેન્સેક્સ અને નિફટી દરરોજ નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. દીવાળી પછી વિક્રમ સંવત 2074ના નવા વર્ષમાં સતત બીજી ટ્રેડિંગ સેશનમાં ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 33,196.17 અને નિફટીએ 10,355.65 લાઈફ ટાઈમ હાઈના નવા લેવલ બનાવ્યા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા, અને મોદી સરકારના પીએસયુ બેંકો અને ઈન્ફ્રાસ્ટ્રકચરના બુસ્ટર પેકેજને પગલે સ્ટોક માર્કેટમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું છે. પરિણામે આજે ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં મેટલ, ફાર્મા અને ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં નવી લેવાલી આવી હતી. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 104.63(0.32 ટકા) વધી 33,147.13 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 48.45(0.47 ટકા) વધી 10,300ની સપાટી કૂદાવી 10,343.80 બંધ થયો હતો.

એશિયાઈ સ્ટોક માર્કેટની નરમાઈ પાછળ આજે સવારે ભારતીય શેરોના ભાવ અને ઈન્ડેક્સ સામાન્ય નરમ ખુલ્યા હતા. બેંકોનું રિકેપિટલાઈઝેશન પ્લાનને કારણે પીએસયુ બેંકોના શેરમાં તેજી જોવા મળી હતી, પણ આજે પીએસયુ બેંકના શેરમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, અને પરિણામે આજે બેંક શેર નરમ બંધ રહ્યા હતા.

BSE સેન્સેક્સ વધુ 104.63 ઉછળ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આગલા બંધ 33,042.50ની સામે આજે સવારે 33,025.17ના નીચા મથાળે ખુલીને શરૂમાં ઘટીને 32,835.06 થઈ અને ત્યાંથી ઉછળી 33,196.17 ઑલ ટાઈમ હાઈ થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 33,147.13 બંધ રહ્યો હતો, જે 104.63નો ઉછાળો દર્શાવે છે.

NSE નિફટી 48.45 ઊંચકાયો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ગઈકાલના બંધ 10,295.35ની સામે આજે સવારે 10,291.80 થઈ શરૂમાં સામાન્ય ઘટી 10,271.85 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 10,355.65 ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી. અને ટ્રેડિંગ સેશનને અંતે 10,343.80 બંધ થયો હતો, જે 48.45નો ઉછાળો દર્શાવે છે.

  • આજે બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ટેકનોલોજી સેકટરના શેરો પ્રોફિટ બુકિંગ વચ્ચે નરમ રહ્યા હતા.
  • કેપિટલ ગુડઝ, મેટલ, ઓઈલ એન્ડ ગેસ, પીએસયુ સેકટરમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.
  • રોકડાના શેરોમાં સામાન્ય લેવાલી ચાલુ રહી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 85 પોઈન્ટ પ્લસ બંધ હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 97.46 ઊંચકાયો હતો.
  • આજે સૌથી વધુ ઊંચકાયેલા શેરોમાં બીપીસીએલ(5.23 ટકા), એચપીસીએલ(4.04 ટકા), સિપ્લા(3.18 ટકા), મારૂતિ સુઝુકી(2.51 ટકા અને એક્સિસ બેંક(2.39 ટકા).
  • સૌથી વધુ ગગડેલા શેરોમાં એચસીએલ ટેક(4.19 ટકા), આઈડિયા સેલ્યુલર (2.37 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક (2.11 ટકા), પાવર ગ્રીડ કોર્પ(1.90 ટકા) અને અંબુજા સીમેન્ટ(1.88 ટકા).
  • વિજયા બેંકનો બીજા કવાર્ટરમાં નફો 20 ટકા વધી રૂ.185.50 કરોડ આવ્યો હતો.
  • માસ્ટેકનો નફો 19.9 ટકા વધી રૂ.17.5 કરોડ નોંધાયો
  • શોપર્સ સ્ટોપે બીજા કવાર્ટરમાં રૂ.21.8 કરોડની ખોટ નોંધાવી છે.
  • જુબિલેન્ટ ફૂડનો નફો 2 ગણો વધી રૂ.48.5 કરોડ આવ્યો
  • લ્યુપિન અને સન ફાર્મા માટે આનંદના સમાચાર છે. બન્ને કંપનીની એક એક દવાને યુએસ એફડીએ આજે મંજૂરી મળી ગઈ છે. લ્યુપિનની બ્લડપ્રેશરની દવા ક્લોડાઈન હાઈડ્રોક્લોરિક ટેબલેટને મંજૂરી મળી, સન ફાર્માની જેનરિક દવા કોરેંગ સીઆરને યુએસ એફડીએની મંજૂરી મળી છે.
  • પોલારિસમાં આજે 20 ટકાની અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી. પોલારિસને ડીલિસ્ટ કરવાની દરખાસ્ત રજૂ થઈ છે. આગામી સપ્તાહે 31 ઓકટોબરના રોજ બોર્ડની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાશે. હાલમાં પ્રમોટર્સ પાસે કંપનીના અંદાજે 74.4 ટકા હિસ્સો છે.