બાન્દ્રામાં સ્ટેશન નજીકની ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ; ટ્રેન સેવા ખોરવાઈ

મુંબઈ – અત્રે બાન્દ્રા ઉપનગરના પૂર્વ ભાગમાં સ્ટેશનને અડીને આવેલા બેહરામપાડા વિસ્તારની ગરીબ નગર ઝૂંપડપટ્ટીમાં આજે સાંજે લગભગ 4 વાગ્યાના સુમારે ભીષણ આગ લાગી હતી. આગે એવું પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું હતું કે બાન્દ્રામાં હાર્બર લાઈન પરની ટ્રેન સેવાને રોકી દેવાની રેલવે તંત્રને ફરજ પડી હતી.

અહેવાલો અનુસાર, સ્ટેશન નજીકની ઝૂંપડપટ્ટીમાં અતિક્રમણો કે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા મુંબઈ મહાનગરપાલિકા અને પોલીસની ટૂકડીઓ પહોંચી ગઈ હતી. ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઈ એ વખતે એક રહેઠાણમાં ગેસ સિલિન્ડરનો વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી.

જોતજોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સ્ટેશનની ટિકિટબારીને પણ ભરડો લીધો હતો.

ટિકિટબારીને અડીને આવેલા અનેક ઝૂંપડાઓ તોડવાનું કામ શરૂ કરાયા બાદ તરત જ આગની દુર્ઘટના સર્જાઈ હતી.

આગની જાણ થતાં જ અગ્નિશામક દળના જવાનો ૧૬ ફાયર એન્જિન્સ, ૧૨ વોટર ટેન્કર્સ અને ૩ એમ્બ્યુલન્સ સાથે ત્યાં પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડે આગને લેવલ-4 તરીકે ઘોષિત કરી હતી.

સાંજે પાંચ વાગ્યે પણ આગ બુઝાવવાની કામગીરી ચાલુ હતી. અંતે સાંજે ૬.૧૫ વાગ્યે આગને કાબૂમાં લેવામાં ફાયર જવાનોને સફળતા મળી હતી અને હાર્બર લાઈન પરની ટ્રેન સેવા ફરી શરૂ કરી શકાઈ હતી.

સાવચેતીના પગલા તરીકે રેલવે તંત્રે હાર્બર લાઈન પર અંધેરી-વડાલા વચ્ચેની ટ્રેન સેવાને રોકી દીધી હતી.

આગ બુઝાવવા જતા અગ્નિશામક દળના અરવિંદ ઘાટગે નામના એક જવાન ઈજાગ્રસ્ત થયા હતા અને એમને સારવાર માટે બાન્દ્રા વેસ્ટની ભાભા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બાન્દ્રા સ્ટેશનને અડીને આવેલા સ્કાયવોક સુધી આગની જ્વાળા પહોંચી હતી એટલે ત્યાં પણ લોકોની અવરજવર કામચલાઉ બંધ કરી દેવામાં આવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]