અમદાવાદ પોલીસની મહિલા અપરાધ શાખાએ જ્યારે પ્રભાસનો જન્મદિવસ ઉજવ્યો…

અમદાવાદ – ‘બાહુબલી’ અને ‘બાહુબલી 2’ ફિલ્મોને કારણે દક્ષિણી અભિનેતા પ્રભાસ દેશભરમાં લોકપ્રિય સ્ટાર બની ગયો છે. સ્ત્રીવર્ગમાં એની પ્રશંસકોની સંખ્યા બહોળી છે.

એમાંથી અમદાવાદ પોલીસની મહિલા અપરાધ શાખાની પોલીસકર્મીઓ પણ બાકાત નથી.

હાલમાં જ, ૨૩ ઓક્ટોબરે પ્રભાસનો જન્મદિવસ ગયો.  એ દિવસે એના વતન હૈદરાબાદમાં તો એના નિકટના મિત્રો અને પરિવારજનોએ સાધારણ રીતે એનો જન્મદિવસ ઉજવ્યો હતો.

દેશમાં ઘણે ઠેકાણે એના પ્રશંસકોએ પોતપોતાની રીતે નવા સુપરસ્ટાર પ્રભાસનો જન્મદિવસ ઉજવ્યો હતો.

એમાં રસપ્રદ વાત એ છે કે અમદાવાદ શહેરના પોલીસ તંત્રની મહિલા અપરાધ શાખાની કર્મચારીઓએ સાથે મળીને પ્રભાસનો જન્મદિવસ ઉજવ્યો હતો.

વિભાગની તમામ મહિલા કર્મચારીઓ પોતપોતાનું કામ પતાવીને ભેગી થઈ હતી અને એમનાં મનપસંદ અભિનેતાની ગેરહાજરીમાં ખૂબ ઉત્સાહપૂર્વક એના જન્મદિવસ નિમિત્તે કેક કાપી હતી.

એમાંની એક મહિલા અધિકારીએ કહ્યું કે, ‘અમદાવાદ પોલીસની મહિલા અપરાધ શાખામાં અમે સૌએ સાથે મળીને પ્રભાસનો જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. અમારો પ્રેમ અને સ્નેહ એની સુધી પહોંચશે તો અમને બહુ ખુશી થશે. મને એ કહેવામાં જરાય ખંચકાટ નથી કે પ્રભાસ મારી જિંદગી છે. મેં મારાં જીવનમાં ઘણા સંઘર્ષ અને પડકારો જોયાં છે, પરંતુ જ્યારે પણ હું પ્રભાસને સ્ક્રીન પર જોઉં છું ત્યારે હું બધું જ ભૂલી જાઉં છું. હું એની મોટી પ્રશંસક છું. એને જોઈને મને બહુ શક્તિ અને ખુશી મળે છે. અહીં એ અમારા સૌને માટે એક પ્રેરણા બન્યો છે.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]