કર્ણાટકઃ CM પદે બુધવારે શપથ લેશે એચડી કુમારસ્વામી; તમામ વિપક્ષ ઉપસ્થિત રહેશે

બેંગલુરુ – આજે ભાજપની યેદિયુરપ્પા સરકાર પડી ભાંગ્યા બાદ કર્ણાટક વિધાનસભામાં 3 દિવસમાં જ ફરી એક નવી સરકાર શપથ લેવા જઇ રહી છે. સાંજે સાડાસાતે જેડીએસના નેતા કુમારસ્વામીએ ગવર્નર વજુભાઇ વાળાની મુલાકાત લીધી હતી અને સરકાર રચવાનો દાવો પેશ કર્યો હતો.  ગવર્નર વાળાએ કુમારસ્વામીને મુખ્યપ્રધાન તરીકે શપશ તેવા માટે આમંત્રણ આપ્યું છે અને કુમારસ્વામી બુધવારે શપથ લેશે. પહેલાં સોમવારે શપથ લેશે એવું નક્કી થયું હતું, પરંતુ કુમારસ્વામીએ કહ્યું કે, સોમવારે ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ હોવાથી એ દિવસે શપથ લેવા યોગ્ય ન કહેવાય.

કોંગ્રેસ સાથે ચૂંટણી પરિણામો બાદ તાત્કાલિક ગઠબંધન કરી લેનાર 37 સભ્યોનું બળ ધરાવતી જેડીએસ કોંગ્રેસના 78 સભ્યોના સહકારથી બુધવારે શપથ ગ્રહણ કરશે, આ શપથ સમારોહમાં પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, જેડીએસના સહયોગી બસપાના માયાવતી, આંધ્રના સીએમં ચંદ્રાબાબુ નાયડૂ, તેલંગણા સીએમ કેસી રાવ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.શપથવિધિમાં ઉપસ્થિત રહેવા એચડી કુમારસ્વામીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ ખાસ આમંત્રણ આપ્યું છે.