મુંબઈ મહાપાલિકાએ શત્રુઘ્ન સિંહાના ઘરમાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું

મુંબઈ – બૃહદમુંબઈ મહાનગરપાલિકાએ ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય અને પીઢ બોલીવૂડ અભિનેતા શત્રુઘ્ન સિંહાના અત્રે જુહૂ વિસ્તારમાં આવેલા આઠ માળવાળા રહેણાંક બંગલો ‘રામાયણ’ની અંદર કથિતપણે ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડીને એમને ટાર્ગેટ બનાવ્યા છે.

એક પાલિકા અધિકારીએ કહ્યું કે ડિમોલિશન કામ ગઈ કાલે સોમવારે કરવામાં આવ્યું હતું અને તે અપૂર્ણ છે. શત્રુઘ્ન સિંહાને જણાવવામાં આવ્યું છે કે તેઓ એમના ગેરકાયદેસર પૂજા રૂમને અન્યત્ર શિફ્ટ કરે, નહીં તો એને પણ તોડી પાડવામાં આવશે.

સિંહા સામે મહાપાલિકાના કાયદા અંતર્ગત અનધિકૃત બાંધકામ કરવા બદલ ફરિયાદ નોંધવામાં આવી છે. તોડકામ કાર્યવાહી માટે થયેલો ખર્ચ પણ મહાપાલિકા સિંહા પાસેથી વસુલ કરશે.

સિંહા પરિવાર આ બંગલોમાં 2012ની સાલથી રહે છે અને એમાં તેમણે રીડેવલપમેન્ટ કર્યું છે.

પાલિકા અધિકારીઓને માલૂમ પડ્યું હતું કે સિંહાના નિવાસસ્થાનમાં ટેરેસ પર એક ગેરકાયદેસર શૌચાલય બાંધવામાં આવ્યું છે, તેમજ રેફ્યૂજ એરિયામાં બીજા બે શૌચાલય તેમજ એક નાનકડી પેન્ટ્રી, સ્ટિલ્ટ એરિયામાં એક ઓફિસ અને એક પૂજા રૂમ પણ બાંધવામાં આવા છે. સિંહાએ એવી દલીલ કરી હતી કે એમણે બંગલામાં મામુલી ફેરફારો કરાવ્યા હતા, પણ પાલિકા અધિકારીઓએ તોડકામ શરૂ કર્યું હતું ત્યારે એમણે વિરોધ કર્યો નહોતો.

બંગલામાં ગેરકાયદેસર બાંધકામો કરવા બદલ મહાપાલિકાએ મહારાષ્ટ્ર રીજન એન્ડ ટાઉન પ્લાનિંગ એક્ટ (એમઆરટીપી) હેઠળ ગઈ 6 ડિસેમ્બરે સિંહાને નોટિસ મોકલી હતી, પણ સિંહાએ એની અવગણના કરી હતી. ત્યારબાદ મહાપાલિકાએ ગયા શનિવારે સિંહાને ફાઈનલ નોટિસ મોકલી હતી.

શત્રુઘ્ન સિંહાની જેમ મુંબઈ મહાપાલિકા આ પહેલાં શાહરૂખ ખાન અને કપિલ શર્મા જેવી અન્ય બોલીવૂડ હસ્તીઓ સામે પણ ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ પગલાં લઈ ચૂકી છે. તો અમિતાભ બચ્ચન અને રાજકુમાર હિરાની જેવા અન્ય મહારથીઓને નિયમોના કથિત ભંગ બદલ નોટિસ મોકલવામાં આવી હતી.

દરમિયાન, શત્રુઘ્ન સિંહા ગુસ્સે ભરાયા છે અને ટ્વિટર પર એમણે રોષ ઠાલવતા લખ્યું છે કે, મારા નિવાસસ્થાને લેવામાં આવેલા પગલા પાછળ રાજકારણ છે. લોકો મને પૂછી રહ્યા છે કે વાસ્તવિક્તા આધારિત પ્રામાણિક રીતે રાજકારણ રમવા બદલ તેમજ સાતારાના કિસાનોના મામલે યશવંત સિંહાને ટેકો આપવા બદલ શું મારે આ કિંમત ચૂકવવી પડી છે?