વિવાદ થયા બાદ મુંબઈ મહાપાલિકાનાં મહિલા અધિકારી નિધિ ચૌધરીએ કહ્યું, ‘હું તો ગાંધીવાદી છું’

0
1214

મુંબઈ – સમગ્ર દેશ જેમને રાષ્ટ્રપિતા કહે છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર જેમની 150મી જન્મજયંતિને ભારે ઉત્સાહપૂર્વક ઉજવે છે તે મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસેને એક ટ્વીટમાં ‘થેંક્યૂ ગોડસે’ કહીને વિવાદ જગાવનાર મુંબઈ મહાનગરપાલિકાનાં મહિલા આઈએએસ અધિકારી નિધિ ચૌધરીએ હવે ફેરવી તોળ્યું છે.

નિધિ 2012ની બેચનાં ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ) અધિકારી છે. એ હાલ મુંબઈ મહાનગરપાલિકા (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન – બીએમસી)માં કાર્યરત છે. ગાંધીજીની હત્યાને અને હત્યારા ગોડસેને બિરદાવીને નિધિએ સનસનાટી મચાવી દીધી હતી. ભારે ઉહાપોહ થયા બાદ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાએ નિધિને બરતરફ કરવાની માગણી ઉઠાવ્યા બાદ નિધિએ એમનું તે ટ્વીટ ડિલીટ કરી નાખ્યું છે, પણ ત્યાં સુધીમાં તો એ ટ્વીટનાં અનેક સ્ક્રીનશોટ્સ લેવાઈ ચૂક્યાં હતા અને સોશિયલ મિડિયામાં ફેલાઈ ચૂક્યા છે.

નિધિએ એમનાં વિવાદાસ્પદ ટ્વીટમાં આમ લખ્યું હતું: ‘આપણે ભવ્ય રીતે 150મી જન્મજયંતિ ઉજવી રહ્યાં છીએ, આ જ મોકો છે કે આપણે ચલણી નોટો પરથી એમનો ચહેરો હટાવી દઈએ, દુનિયાભરમાં એમની મૂર્તિઓને હટાવી દઈએ, એમનાં નામવાળી સંસ્થાઓ અને માર્ગોનાં નામ બદલી નાખીએ, તે આપણા સૌની વતી એમને અસલી શ્રદ્ધાંજલિ હશે. 30 જાન્યુઆરી, 1948 માટે થેંક્યૂ ગોડસે.’

નિધિએ આ ટ્વીટ હવે ડિલીટ કરી દીધું છે.

નિધિ ચૌધરીને સસ્પેન્ડ કરવાની NCPના નેતા જિતેન્દ્ર આવ્હાડની માગણી

નવા ટ્વીટમાં એમણે લખ્યું છેઃ ’17મે વાળું ટ્વીટ મેંમ ડિલીટ કરી નાખ્યું છે, કારણ કે કેટલાક લોકોએ એને ખોટી રીતે સમજી લીધું હતું. જો એ લોકો 2011ની સાલથી મારી ટાઈમલાઈનને ફોલો કરતા હોત તો એમને સમજાત કે હું ગાંધીજીનો અનાદર કરવાનું વિચારી પણ ન શકું. હું એમની સમક્ષ પૂરી શ્રદ્ધાથી મારું માથું નમાવું છું અને મારાં આખરી શ્વાસ સુધી એમ કરીશ.’

ત્યારબાદ નિધિએ સતત બીજા પણ ટ્વીટ કર્યાં, જેથી એમની ગાંધીભક્તિને લોકો બરાબર રીતે સમજી શકે.

નિધિ ચૌધરી હાલ મુંબઈ મહાનગરપાલિકામાં અધિકારી છે. એ 2017ના સપ્ટેંબરથી મુંબઈ પાલિકા સાથે સંકળાયેલાં છે. એ ફેરિયાઓનાં અધિકારોનું રક્ષણ કરવા, મ્યુનિસિપલ માર્કેટ, લાઈસન્સ આપવા, જાહેરખબર, પશુઆરોગ્ય વિભાગ, કતલખાના, શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ લીગલ ડિપાર્ટમેન્ટ, પ્લાસ્ટિક પ્રતિબંધ, મીઠી નદી, તાનસા પાઈપલાઈન પ્રોજેક્ટ જેવી કામગીરીઓ સંભાળે છે.

આઈએએસ અધિકારી તરીકે નીધિ બહોળો અનુભવ ધરાવે છે. ભારતીય રિઝર્વ બેન્કમાં એ પાંચ વર્ષ સુધી મેનેજર પદે રહ્યાં હતાં. 2012માં એ ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ)માં જોડાયાં. રાયગડ જિલ્લાના પેણમાં એ સહાયક કલેક્ટર પદે હતાં, 2016-17માં પાલઘર જિલ્લાના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર હતાં. એ મુદત દરમિયાન એમણે જિલ્લામાં 1500 શાળાઓને ડિજિટલ નેટવર્ક સાથે જોડી હતી, 10 હજાર ઘરોનું બાંધકામ કરાવ્યું હતું. એક લાખ ઘરોમાં શૌચાલયો બંધાવ્યા હતા અને જિલ્લાને જાહેરમાં શૌચ-મુક્ત જાહેર કરવામાં આવ્યો હતો, એ પણ નીધિ ચૌધરીની સિદ્ધિઓમાંની એક ગણાય છે.