શ્રીદેવીને એમની ઈચ્છા મુજબ આજે ‘સફેદ વિદાય’ આપવામાં આવશે

0
2584

મુંબઈ – દુબઈની જુમૈરાહ એમિરેટ્સ ટાવર હોટેલમાં એક પારિવારિક લગ્ન સમારંભના પ્રસંગ દરમિયાન ગયા શનિવારે મોડી રાતે હૃદય બંધ પડી જવાને કારણે અવસાન પામેલા બોલીવૂડના ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવી કપૂરનું પાર્થિવ શરીર ચાર્ટર્ડ વિમાન દ્વારા આજે મુંબઈ લાવવામાં આવશે. દુબઈમાં પાર્થિવ શરીરના પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં અમુક ઔપચારિક્તાઓને કારણે સમય લાગ્યો છે તેથી એને મુંબઈ લાવવામાં વિલંબ થયો છે.

શ્રીદેવીનાં અંતિમ સંસ્કાર આજે વિલે પાર્લે સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે.

શ્રીદેવીના નિર્માતા પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી કપૂર શ્રીદેવીના પાર્થિવ શરીર સાથે ખાસ વિમાન દ્વારા મુંબઈ આવશે.

ખલીજ ટાઈમ્સના અહેવાલ અનુસાર, શનિવારે રાતે લગભગ 11-11.30 વાગ્યાની આસપાસ શ્રીદેવી હોટેલમાં એમની રૂમના બાથટબમાં બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતા. એમના પતિ બોની કપૂરે શ્રીદેવીને ભાનમાં લાવવાના પ્રયાસો કર્યા હતા. ત્યારબાદ એમને તરત રાશીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ડોક્ટરોએ શ્રીદેવીને મૃત લાવેલા જાહેર કર્યા હતા.

શ્રીદેવીના અંતિમ સંસ્કાર એમની ઈચ્છા અનુસાર કરવામાં આવશે. કહેવાય છે કે શ્રીદેવીએ પોતાને ‘સફેદ વિદાય’ આપવામાં આવે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી. એમની અંતિમ યાત્રા કાઢવામાં આવે ત્યારે તો એને સફેદ ફૂલોથી સજાવવી. કપૂર પરિવાર હવે શ્રીદેવીની ઈચ્છા પૂરી કરવામાં વ્યસ્ત થયો છે.

મૃત્યુ પૂર્વેના સમયમાં શ્રીદેવી રાણીની જેમ ભવ્ય રીતે સજ્જ થયા હતા અને સગાંસંબંધીઓ, મહેમાનોની સાથે નાચ્યા હતા. હવે અંતિમ સંસ્કાર વખતે એમને એમની ઈચ્છા અનુસાર, સફેદ વસ્ત્રોમાં સજ્જ કરાશે.

શ્રીદેવીને સફેદ રંગ બહુ પસંદ હતો. ‘ચાંદની’ સહિત ઘણી ફિલ્મોમાં એ સફેદ ડ્રેસમાં સજ્જ જોવા મળ્યા હતા.