શ્રીદેવીનું પાર્થિવ શરીર લાવવા અનિલ અંબાણીએ પોતાનું ખાનગી જેટ મોકલ્યું

મુંબઈ/દુબઈ – શનિવારે રાતે દુબઈની હોટેલમાં હૃદય બંધ પડી જવાને કારણે અવસાન પામેલા બોલીવૂડનાં ‘ચાંદની’ શ્રીદેવી કપૂરનાં અંતિમ સંસ્કાર આવતી કાલે સવારે લગભગ 11 વાગ્યે મુંબઈમાં કરવામાં આવશે. કારણ કે એમનું પાર્થિવ શરીર ખાનગી જેટ વિમાન દ્વારા આવતીકાલે સવારે મુંબઈ પહોંચશે. અગાઉ એવા સમાચાર હતા કે પાર્થિવ શરીર આજે મોડી સાંજે લગભગ 8 વાગ્યે મુંબઈ આવી પહોંચશે.

ખલીજ ટાઈમ્સના જણાવ્યા મુજબ, શ્રીદેવીના પાર્થિવ શરીરનું પોસ્ટમોર્ટમ થઈ ગયું છે. હવે લેબોરેટરીના અહેવાલની રાહ જોવાઈ રહી છે. તે આવી ગયા બાદ સત્તાવાળાઓ શ્રીદેવીનો દેહ પરિવારને સુપરત કરી દેશે.
દુબઈમાં હોસ્પિટલની બહાર કોઈનું મૃત્યુ થાય તો એની તપાસમાં 24 કલાક જેટલો સમય લાગી જતો હોય છે.
હાલ શ્રીદેવીનું પાર્થિવ શરીર અલ-કુસેસ વિસ્તારના પોલીસ હેડક્વાર્ટરના શબગૃહમાં રાખવામાં આવ્યું છે. વાણિજ્ય દૂતાવાસનો એક અધિકારી કપૂર પરિવારના સભ્યોની સાથે છે.

શ્રીદેવીનાં નિધનના સમાચાર બાદ મુંબઈના અંધેરી (વેસ્ટ) સ્થિત લોખંડવાલા કોમ્પલેક્સ વિસ્તાર સ્થિત  નિવાસસ્થાનની બહાર એમના પ્રશંસકોની મોટી ભીડ જમા થઈ છે. આ ઘરમાં શ્રીદેવી એમના પતિ બોની કપૂર તથા બે પુત્રી – જાન્વી અને ખુશીની સાથે રહેતા હતા.

એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સૂત્રોના જણાવ્યા મુજબ, શ્રીદેવીનાં પાર્થિવ શરીરને મુંબઈ લાવવા માટે એક ખાનગી ચાર્ટર્ડ વિમાન દુબઈ મોકલવામાં આવ્યું છે. આ વિમાન ઉદ્યોગપતિ અનિલ અંબાણીની માલિકીનું ખાનગી જેટ વિમાનન છે. વિમાનને બપોરે લગભગ 1 વાગ્યે રવાના કરવામાં આવ્યું હતું. 13-સીટવાળું જેટ (Embraer-135BJ) વિમાન રિલાયન્સ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલ લિમિટેડ કંપનીનું છે.

શ્રીદેવી અને એમનો પરિવાર દુબઈની જુમૈરાહ એમિરેટ્સ ટાવર હોટેલમાં ઉતર્યો હતો. રાતે લગભગ 11 અને 11.30 વાગ્યાની વચ્ચેના સમયે શ્રીદેવી હોટેલનાં બાથરૂમની અંદર એ બેહોશ થઈ ગયા હતા. એમને તરત જ રાશીદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં એમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બેહોશ થયા ત્યારે શ્રીદેવી રૂમમાં એકલા જ હતા.

શ્રીદેવીના દેર અને બોલીવૂડ અભિનેતા સંજય કપૂરે ખલીજ ટાઈમ્સને એક મુલાકાતમાં કહ્યું કે શ્રીદેવીને હૃદયની કોઈ બીમારી નહોતી.

સૂત્રોનું કહેવું છે કે શ્રીદેવીનું મૃત્યુ કાર્ડિયાક એરેસ્ટથી નહીં, પરંતુ કોઈક અન્ય કારણસર થયું છે.

કહેવાય છે કે શ્રીદેવીએ અનેક કોસ્મેટિક સર્જરી કરાવી હતી. તેઓ એવી 29 સર્જરી કરાવી ચૂક્યા હતા. એમાંની કોઈ એક સર્જરીમાં ગડબડ થઈ ગઈ હતી અને તેઓ ઘણી દવાઓ ખાતા હતા. સાઉથ કેલિફોર્નિયા સ્થિત એમના ડોક્ટરે એમને ઘણી ડાયેટ પિલ્સ લેવાની સલાહ આપી હતી અને શ્રીદેવું એનું સેવન કરતા હતા.

દુબઈમાં જો કોઈ વિદેશી નાગરિકનું મૃત્યુ થાય તો એનાં મરણની તપાસ કરાઈ પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. શવવિચ્છેદ પ્રક્રિયા પૂરી કર્યા બાદ મૃત્યુનું ખરું કારણ જાણી શકાય છે. દુબઈમાં જો કોઈ વિદેશી નાગરિકનું મૃત્યુ થાય તો સૌથી પહેલા એ નાગરિકના દેશની દૂતાવાસને એ વિશે જાણ કરવામાં આવે છે. ત્યારબાદ દૂતાવાસ તરફથી મૃતક વ્યક્તિનો પાસપોર્ટ રદ કરવામાં આવે છે. ત્યારબાદ નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઈસ્યૂ કરવામાં આવે છે. પોસ્ટમોર્ટમ બાદ તેના અહેવાલમાં મૃત્યુનું કારણ સ્પષ્ટપણે જણાવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા પૂરી થયા બાદ જ વ્યક્તિના પાર્થિવ શરીરને વિમાન દ્વારા એના દેશ ખાતે લઈ જવા દેવામાં આવે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]