‘ઈમરાન રાજ’માં પ્રથમ વખત પાક. સાથે કરાશે સિંધુ જળ વિવાદ અંગે બેઠક

0
1236

ઈસ્લામાબાદ- સિંધુ જળ વિવાદ અંગે રચાયેલી આયોગની 115મી બેઠકને આ મહિને 29 અને 30 તારીખે લાહોરમાં રાખવામાં આવી છે. આ બેઠકમાં કમિશનર પી.કે. સક્સેના ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જ્યારે પાકિસ્તાન તરફથી સૈયદ મોહમ્મદ મેહર અલી શાહ તેમનો પક્ષ રજૂ કરશે.સિંધુ આયોગની સ્થાપના ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 1960માં કરવામાં આવેલી સિંધુ જળ સંધિ હેઠળ કરવામાં આવી હતી. આ કરાર મુજબ બન્ને દેશોના કમિશનર એક વર્ષમાં ઓછામાં ઓછા એક વખત મુલાકાત કરે છે. આ બેઠકની યજમાની ભારત અને પાકિસ્તાનમાં વારાફરતી કરવામાં આવે છે. આ પહેલાની બેઠક ગત 29-30 માર્ચ, 2018ના રોજ નવી દિલ્હી ખાતે રાખવામાં આવી હતી.

સિંધુ જળ કરાર મુજબ પૂર્વની ત્રણ નદીઓ રાવી, બ્યાસ અને સતલજ સહિત પશ્ચિમની નદીઓ સિંધુ, ચિનાબ અને જેલમના પાણીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે પશ્ચિમની નદીઓને લઈને ભારત પાસે કેટલાક અધિકાર સુરક્ષિત છે. જેથી ભારત આ નદીઓના પાણીથી જળવિદ્યુત ઉત્પન્ન કરી શકે છે.

પાકિસ્તાનનો આરોપ છે કે, ચિનાબ ક્ષેત્રમાં ભારત દ્વારા બનાવવામાં આવેલો હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટ કરારનું ઉલ્લંઘન છે. જ્યારે ભારત માને છે કે, આ પ્રકારના પ્રોજેક્ટ તૈયાર કરવાનો ભારતને સંપૂર્ણ અધિકાર છે. અને તેમાં કરારનું કોઈ પણ પ્રકારે ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી.