બ્રિટનમાં ડોનાલ્ડ ટ્રમ્પ, મેયર સાદિક ખાનને ગણાવ્યાં દુષ્ટ…

0
1402

લંડનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલાનિયા સાથે બ્રિટન પહોંચ્યા હતાં અને આ દરમિયાન તેમણે લંડનના પાકિસ્તાન મૂળના મેયર સાદિક ખાનને દુષ્ટ કહ્યાં હતાં. ટ્રમ્પ અને તેમનો પરિવાર મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મહેમાન બનીને ત્રણ દિવસની રાજકીય યાત્રા પર આવ્યાં છે. ટ્રમ્પ આ દરમિયાન બ્રિટનના શાહી પરિવારના સભ્યો સાથે મુલાકાત કરશે અને નિવર્તમાન વડાપ્રધાન થેરેસા મે સાથે જળવાયુ પરિવર્તન તેમ જ ચીની પ્રૌદ્યોગિકી કંપની હુઆવેઈને લઈને વાતચીત કરી શકે છે.

રાષ્ટ્રપતિનું એર ફોર્સ વન વિમાન એરપોર્ટ પર પહોંચવાની થોડી ક્ષણો પહેલાં જ ટ્રમ્પે પોતાના અંદાજમાં ટ્વીટ કર્યું અને લંડનના મેયર ખાન પર નિશાન સાધ્યું. બંને વચ્ચે પહેલા પણ વિવાદો સામે આવ્યાં છે. ટ્રમ્પે પાકિસ્તાની મૂળના સાજિદખાનને દુષ્ટ કહી દીધાં. ટ્રમ્પે લખ્યું કે લંડનના મેયર તરીકે ખૂબ ખરાબ કામ કરનારા સાદિક ખાન બ્રિટન યાત્રા પર આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિને લઈને ખૂબ મૂર્ખતાપૂર્ણ રીતે દુષ્ટતા કરી રહ્યાં છે. તેઓ સંવેદનશીલ પ્રકારના અસફળ વ્યક્તિ છે જેમણે લંડનમાં ક્રાઈમ પર ધ્યાન આપવું જોઈએ, મારા પર નહી. ટ્રમ્પે 48 વર્ષીય ખાનની તુલના ન્યૂયોર્કના મેયર બ્લાસિઓ સાથે કરી અને કહ્યું કે તેમણે પણ આવું ખરાબ કામ કર્યું છે.

ખાને તાજેતરમાં જ ટ્રમ્પને ફાંસીવાદી અને વિભાજનકારી કહ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે ટ્રમ્પનું બ્રિટનમાં ભવ્ય સ્વાગત ન થવું જોઈએ. ટ્રમ્પની યાત્રા દરમિયાન લંડન, મૈનચેસ્ટર, બેલફાસ્ટ અને બર્મિંઘમ સહિત આખા બ્રિટનમાં વિરોધ પ્રદર્શનની યોજનાઓ છે. આ વખતે પણ લંડનના આકાશમાં ટ્રમ્પને બાળકની જેમ દર્શાવતા એક બલૂનને ઉડતું જોઈ શકાય તેવી શક્યતાઓ છે કે જેવી રીતે 2018માં તેમની ગત બ્રિટન યાત્રા દરમિયાન જોવા મળ્યું હતું. મહારાણી એલિઝાબેથ દ્વિતીય સોમવારના રોજ બકિંઘન પેલેસમાં ટ્રમ્પ અને અમેરિકાની પ્રથમ મહિલા મેલાનિયાના સન્માનમાં ડીનર આપશે.

ટ્રમ્પની યાત્રાના એજન્ડામાં લંડનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાથે મુલાકાત, ઈગ્લિશ ચેનલના બંને અને ડી-ડે સ્મૃતિ સમારોહ અને રાષ્ટ્રપતિના રુપમાં આયર્લેન્ડની તેમની પ્રથમ યાત્રા શામેલ છે. ટ્રમ્પની યાત્રાના કેટલાક દિવસો બાદ બ્રિટિશ વડાપ્રધાન થેરેસા મે પદ છોડી શકે છે. બ્રિટનના ઘણાં નેતાઓ ટ્રમ્પના સન્માનમાં આપવામાં આવનારા ડીનરનો બહિષ્કાર કરી રહ્યાં છે. ટ્રમ્પ મધ્ય લંડનના રીજેન્ટ્સ પાર્ક સ્થિત અમેરિકી રાજદૂતના આવાસ વિનફીલ્ડ હાઉસમાં રોકાણ કરશે.

આ પહેલાં માત્ર જ્યોર્જ ડબલ્યૂ બુશ અને બરાક ઓબામાએ બ્રિટનની યાત્રા કરી હતી. રાજકીય યાત્રા સામાન્ય રીતે મહારાણીના નિમંત્રણ પર થાય છે અને અધિકારિક યાત્રાઓથી આથી અલગ હોય છે.