અભિનેતા રાકેશ રોશનને ગળાનું કેન્સર છે; એમના સુસ્વાસ્થ્ય માટે પીએમ મોદીએ વ્યક્ત કરી શુભેચ્છા

મુંબઈ – જાણીતા બોલીવૂડ અભિનેતા અને નિર્માતા રાકેશ રોશનને સ્ક્વેમસ સેલ કાર્સિનોમા નામનું કેન્સર થયાનું નિદાન થયું છે.

આ જાણ થતાં બોલીવૂડમાં ઉદાસી છવાઈ છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા વ્યક્ત કરી છે કે રાકેશ રોશનની તબિયત જલદી સુધરી જાય.

ફિલ્મ જગતનાં અનેક લોકોએ પણ રોશનની તબિયત સારી થઈ જાય એવી શુભેચ્છા વ્યક્ત કરી છે.

રાકેશ રોશનના અભિનેતા પુત્ર ઋતિકે આ સમાચાર આજે સવારે સોશિયલ મિડિયા મારફત શેર કર્યા હતા.

રાકેશ રોશનની આજે પહેલી સર્જરી કરાય એ પહેલા ઋતિકે આ સમાચાર શેર કર્યા હતા.

ઋતિકે એના પિતા સાથે પોતાની એક તસવીર શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે કે, અમુક અઠવાડિયા પહેલાં એમને શરૂઆતના તબક્કાનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. આજે સવારે મેં ડેડને એમનો એક ફોટો આપવાનું કહ્યું હતું. મને ખબર હતી કે આજે સર્જરીના દિવસે પણ એ જિમમાં જવાનું નહીં છોડે. અમુક અઠવાડિયા પહેલાં એમને સ્ક્વેમસ સેલ કાર્સિનોમા નામનું કેન્સર હોવાનું નિદાન થયું હતું, પરંતુ આજે સર્જરીના દિવસે પણ એમનું મનોબળ મજબૂત હતું.

વડા પ્રધાન મોદીએ એમના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા સંદેશામાં લખ્યું છે કે, ડિયર ઋતિક, શ્રી રાકેશ રોશનજીનું સ્વાસ્થ્ય સારું થાય એ માટે પ્રાર્થના કરું છું. એ લડવૈયા છે અને મને ખાતરી છે કે એ પૂરી તાકાતથી આ પડકારનો સામનો કરશે.

ઋતિકની ભૂતપૂર્વ પત્ની સુઝેન ખાને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, એ કોઈ પણ સુપરહિરો કરતાંય વધારે મજબૂત છે. બધું સરળતાથી પાર પડી જશે.

રાકેશ રોશન માટે શુભેચ્છા વ્યક્ત કરનાર બોલીવૂડ હસ્તીઓ છેઃ અભિષેક બચ્ચન, ટાઈગર શ્રોફ, સંજય કપૂર, ડબ્બૂ રત્નાની અને વિશાલ દદલાની.

ઉલ્લેખનીય છે કે, ઋતિક રોશનની બહેન સુનયના રોશનને પણ એક સમયે કેન્સર થયું હતું, પણ એ એમાંથી બચવામાં સફળ રહ્યાં છે.

રાકેશ રોશન આપકે દીવાને, કામચોર જેવી ફિલ્મોમાં અભિનય માટે તેમજ કિશન કનૈયા, કરણ અર્જુન, કહો ના પ્યાર હૈ જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે.