‘રઈસ’ના ‘મુસાભાઈ’ નરેન્દ્ર ઝા (55)નું હૃદયરોગના હુમલાને કારણે અવસાન

0
1834

મુંબઈ – રાહુલ ધોળકીયા દિગ્દર્શિત અને શાહરૂખ ખાન દ્વારા અભિનીત-નિર્મિત ‘રઈસ’ ફિલ્મમાં મુંબઈના અન્ડરવર્લ્ડ ડોન ‘મુસાભાઈ’નું પાત્ર ભજવનાર ચરિત્ર અભિનેતા નરેન્દ્ર ઝાનું હૃદયરોગના પ્રચંડ હુમલાને કારણે આજે અહીંથી નજીકના પાલઘર જિલ્લાના વાડા ખાતે અવસાન થયું છે. તેઓ 55 વર્ષના હતા.

નરેન્દ્ર ઝાએ ‘રઈસ’ ઉપરાંત ‘કાબિલ’, ‘હૈદર’, ‘મોહેંજોદરો’ જેવી ફિલ્મોમાં એમની નાનકડી ભૂમિકામાં પણ ધ્યાનાકર્ષક અભિનય વડે દર્શકોને ઈમ્પ્રેસ કર્યા હતા.

ઝાનું વાડા નગરસ્થિત એમના ફાર્મહાઉસમાં હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું.

નરેન્દ્ર ઝા મૂળ બિહારના મધુબની જિલ્લાના હતા.

‘રઈસ’ અને ‘કાબિલ’, બંને ફિલ્મમાં ઝાએ વિરોધાભાસી ભૂમિકા કરી હતી. ‘રઈસ’માં એ મુસાભાઈના રોલમાં હતા તો ‘કાબિલ’માં પોલીસ ઈન્સ્પેક્ટર બન્યા હતા.

ઝાએ 1992માં એમની અભિનય કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. એમણે ‘હમારી અધૂરી કહાની’, ‘શોરગુલ’, ‘માય ફાધર ઈકબાલ’, ‘ફોર્સ 2’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

અહેવાલો અનુસાર, ઝાના ડ્રાઈવર લક્ષ્મણસિંહે મીડિયાને જણાવ્યું કે નરેન્દ્ર ઝાને કોઈ બીમારી નહોતી. ગઈ કાલે (મંગળવારે) રાતે એ તદ્દન સ્વસ્થ હતા. એ બરાબર જમ્યા હતા અને અમારી સાથે વાતચીત કરી હતી… બધું રાબેતા મુજબનું હતું. વહેલી સવારે લગભગ 4 વાગ્યે એમણે છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. અમે તરત જ એમને નજીકની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ત્યાં સુધીમાં એમનો દેહાંત થઈ ચૂક્યો હતો.

નરેન્દ્ર ઝાએ અભિનેત્રી મંદિરા બેદી સાથે ‘શાંતિ’ ટીવી સિરિયલમાં કામ કરીને એમની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ અનેક ટીવી જાહેરખબરોમાં મોડેલ તરીકે પણ ચમક્યા હતા.

એમણે ‘બેગુસરાઈ’, ‘છૂના હૈ આસમાન’, ‘એક ઘર બનાઉંગા’ જેવી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.

નરેન્દ્ર ઝાને સલમાન ખાન અભિનીત ‘રેસ 3’ ફિલ્મ માટે પણ કરારબદ્ધ કરવામાં આવ્યા હતા.

ઝાએ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ ફિલ્મ સર્ટિફિકેશનના ભૂતપૂર્વ સીઈઓ પંકજા ઠાકુર સાથે લગ્ન કર્યા હતા.