એક્ઝિટ પોલથી શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં 216 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. એક્ઝિટ પોલ અનુસાર હિમાચલપ્રદેશ અને ગુજરાતમાં ભાજપને બહુમતી મળશે, જે સમાચાર પછી શેરોના ભાવ અને ઈન્ડેક્સ ઊંચા મથાળે ગેપમાં ખુલ્યા હતા. નવી લેવાલી ચાલુ રહેતા શેરોના ભાવ વધુ વધ્યા હતા. જો કે કેટલાક શેરોમાં ઊંચા મથાળે વેચવાલી પણ આવી હતી. જેથી ઈન્ડેક્સ બે તરફી વધઘટમાં અથડાયો હતો. ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 216.27(0.65 ટકા) ઉછળી 33,462.97 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 81.15(0.79 ટકા) ઉછળી 10,333.25 બંધ થયો હતો.અત્યાર સુધી ગુજરાતની ચૂંટણીના પરિણામોની અનિશ્રિતતાને લઈને માર્કેટ બે તરફી વધઘટમાં અથડાયું હતું, પણ ગઈકાલે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી પુરી થઈ પછી એક્ઝિટ પોલ આવ્યો હતો, જેમાં તમામ સર્વે અનુસાર હિમાચલ અને ગુજરાત વિધાનસભામાં ભાજપને બહુમતી મળશે. જે સર્વે બાદ આજે શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું. જો કે આજે એશિયાઈ અને યુરોપના સ્ટોક માર્કેટ માઈનસ હતા, તેમ છતાં ભારતીય શેરબજારમાં તેજી હતી. જો કે તેજીવાળા ખેલાડીઓ ઊંચા મથાળે સેલર હોવાના રીપોર્ટ મળી રહ્યા છે.

  • આજે તમામ સેકટરના શેરો નવી લેવાલીથી પ્લસ રહ્યા હતા
  • હેવીવેઈટ શેરોમાં એચડીએફસી બેંક, એસબીઆઈ, એચડીએફસી, રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારૂતિ, એચયુએલ, ઈન્ફોસીસ અને ટીસીએસમાં નવી લેવાલીથી ઈન્ડેક્સ પ્લસ રહ્યો હતો.
  • એફઆઈઆઈએ છેલ્લી બે ટ્રેડિંગ સેશન દરમિયાન રૂપિયા 1048 કરોડનું ચોખ્ખુ નવું રોકાણ કર્યું છે.
  • એક્ઝિટ પોલ પછી રૂપિયામાં તેજી થઈ, ડૉલર સામે રૂપિયો 64.12 ત્રણ મહિનાની હાઈ પર પહોંચી ગયો
  • શેલ્બી લિમિટેડના આઈપીઓના નવા શેરનું લિસ્ટીંગ નિરુત્સાહી થયું હતું, 4.6 ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટીંગ થયું,
  • મીડકેપ શેરોમાં એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ, જીએમઆર ઈન્ફ્રા, જેએસડબલ્યુ એનર્જિ, અદાણી એન્ટરપ્રાઈઝ, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, ટોરેન્ટ ફાર્મા, આઈડીબીઆઈ, સેન્ટ્રલ બેંક, અંજતા ફાર્મા અને બેંક ઓફ ઈન્ડિયામાં નવી લેવાલીથી તેજી થઈ હતી.
  • બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 168.32 પ્લસ બંધ રહ્યો
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 247.20 ઊંચકાયો
  • ગુરુવારે એફઆઈઆઈએ રૂપિયા 232 કરોડની ખરીદી કરી અને સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 374 કરોડનું વેચાણ કર્યું હતું.
  • કેન્દ્રીય કેબિનેટે લેધર સેકટર માટે રૂપિયા 2600 કરોડનું પેકેજ મંજૂર કર્યું છે. જેતી આજે ફુટવિયર સેકટરના શેરોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો.
  • એક્ઝિટ પોલ પછી અદાણી ગ્રુપની તમામ કંપનીઓના શેરોમાં જોરદાર નવી લેવાલી આવી હતી, અને અદાણી ગ્રુપની કંપનીઓના શેરોના ભાવ ઝડપી ઊંચકાયા હતા.