ઇવીએમનો નાહકનો વિવાદઃ ટેક્નિકલ ઓછો, પ્રચારાત્મક વધારે

વીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન પર ચૂંટણીના પરિણામો પછી વિવાદ થતો હોય છે. છેલ્લે પાંચ રાજ્યોના પરિણામો જાહેર થયા તે પછી આ મુદ્દે ખાસ વિવાદ થયો નહોતો. કારણ એ હતું કે વિપક્ષ કોંગ્રેસને ત્રણ રાજ્યોમાં સત્તા મળી ગઈ હતી. મિઝોરમમાં અપેક્ષા પ્રમાણે હાર થઈ હતી અને તેલંગાણામાં પણ અપેક્ષા પ્રમાણે શાસક પક્ષ ટીઆરએસનો વિજય થયો હતો. ભાજપ પોતે કેન્દ્રમાં સત્તા પર છે અને ઠેર ઠેર રાજ્યોમાં તેનો વિજય થતો આવ્યો હતો. તેથી ભાજપે હારી ગયા પછી ઇવીએમ પર ઠીકરું ફોડવું યોગ્ય નહોતું.
પરંતુ નવાઈની વાત એ છે કે લોકસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે ફરી એકવાર ઇવીએમનો મુદ્દો વિપક્ષે, ખાસ કરીને કોંગ્રેસે બરાબર ચગાવ્યો છે. લંડનમાં એક પત્રકાર પરિષદ યોજાઈ અને તેમાં રહસ્યમય લાગતા એક માણસે ગપગોળા લાગે તેવી વાતો કરી. સૈયદ સુઝા એવું પોતાનું નામ આપીને, પોતાને હેકર ગણાવીને તેણે જાતભાતના દાવા કર્યા. તેણે કહ્યું કે પોતાના 12 સાથીઓની હત્યા થઈ ગઈ છે. તેણે એવું પણ કહ્યું કે ભાજપના નેતા ગોપીનાથ મુંડેની પણ હત્યા આ જ કારણસર થઈ હતી.

ગોપીનાથ ભાજપના મહારાષ્ટ્રના અગત્યના નેતા હતા. દિલ્હીમાં અકસ્માતમાં તેમનું મોત થયું હતું. તે વખતે જરાક નવાઈ લાગે તેવી રીતે મોત થયું હતું, પણ કોઈએ હત્યા કરી હોય તેવી વાત વધારે પડતી લાગે તેવી છે. ગોપીનાથ મુંડે જાણતા હતા કે 2014ની ચૂંટણી ભાજપે ઇવીએમ હેક કરીને જીતી છે, તેથી તેમની હત્યા કરી દેવાઈ તેવું કહીને હેકરે હોબાળો મચાવ્યો છે.

મોકો જોઈને કોંગ્રેસ ઇવીએમ કરતાંય આટલી હત્યાઓ થઈ હોવાના આક્ષેપો થયા છે ત્યારે સરકાર કેમ તપાસ નથી કરતી તેમ કહીને વાતને આડે પાડે ચડાવવાની કોશિશ કરી છે. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ લંડનમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેમણે એવી રીતે હાજરી પુરાવી હતી કે તેમની હાજરી દેખાઈ આવે. કપિલ સિબ્બલ ત્યાં શું કરી રહ્યા હતા તે પણ વિવાદ ચાલ્યો છે. લાગે છે કે કોંગ્રેસને તે વિવાદનો વાંધો નથી. કોંગ્રેસની ગણતરી ઇવીએમનો મુદ્દો બરાબર ચગાવવાનો છે.
છેલ્લે ગયા અઠવાડિયે કોલકાતામાં મમતા બેનરજીએ જંગી જાહેર સભા યોજી હતી. તેમાં 23 મોટા નેતાઓ હાજર રહ્યા હતા. દેશભરમાંથી કોંગ્રેસી વિરોધી નેતાઓ ત્યાં એકઠા થયા હતા. તેમાં ભાજપના યશવંત સિંહા, અરુણ શૌરી અને શત્રુઘ્ન સિંહાની ત્રીપુટી પણ હતી. શત્રુઘ્ને પોતાના ભાષણમાં રાહુલ ગાંધીના વખાણ કર્યા ત્યાં સુધી ઠીક હતું. પણ તેમણે રાફેલમાં ચોકિદારની ચોકિદારી સામે શંકા જાગે છે તેવું પણ બિન્ધાસ્ત કહ્યું. રાફેલનો મુદ્દો રાહુલ ગાંધીનો ફેવરિટ મુદ્દો છે અને તેમણે સતત તેને ચગાવ્યો છે. એક પછી એક વિપક્ષના નેતાઓ રાફેલના મુદ્દાને અપનાવી રહ્યા છે અને ભાજપને અકળાવી રહ્યા છે.
તેવી રીતે જ ભાજપને અકળાવા માટે અને ભાજપ માત્ર ખોટું કરનારી અને ગોલમાલ કરીને જીતનારી પાર્ટી જ છે તેવું લોકોના મનમાં ઠસાવવા માટે કોંગ્રેસ ઇવીએમના મુદ્દાને અત્યારથી જ બરાબર ચગાવી રહી છે. આ મુદ્દે પણ વિપક્ષ તેની સાથે થઈ રહ્યો છે. નવાઈની વાત એ છે કે દિલ્હીમાં જંગી સફળતા મેળવનાર આમ આદમી પક્ષે પણ ઇવીએમ સામે શંકા કરી છે. હકીકતમાં દિલ્હીમાં તેની જંગી સફળતા સામે શંકા જાય તેવું છે, પણ એક બીજા પર શંકા ઊભી કરવાની હોય ત્યારે લોજિકની જરૂર હોતી નથી.
લોજિકને કોરાણે રાખીને ઇવીએમ હેક થાય છે કે કેમ તેનો મુદ્દો ઊભો કરી દેવાયો છે. ભૂત થાય છે કે નથી થતું તે મુદ્દો એવો છે કે તેનો ઉકેલ કદી આવવાનો નથી. ભૂત થાય છે તેમ માનનારા સદાય માનવાના કે ભૂત થાય છે. ભૂત ના થાય તેમ માનનારા પોતાની વાતને વળગી રહેશે. તે જ રીતે ઇવીએમ હેક થઈ શકે છે તેવી કૉન્સ્પિરસી થિયરીમાં રાચવામાં કેટલાકને જબરી મજા આવે છે.

હેકરે કરેલો એક દાવો ચોખ્ખો ગપગોળો દેખાઇ આવે છે. પૂરતી તૈયારી વિના ગપગોળો ફેંકાયો છે. હેકરે કહ્યું કે રિલાયન્સ જીઓની લૉ ફ્રિન્કવન્સીનો ઉપયોગ 2014ની ચૂંટણીમાં થયો હતો. સાચી વાત એ છે કે 2014માં રિલાયન્સની સર્વિસ હજી શરૂ થઈ નહોતી. બીજું ભારતમાં જે ઇવીએમનો ઉપયોગ થાય છે તે ભારતની સરકારી કંપની ઇલેક્ટ્રોનિક્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (ઇસીએઆઇ) બનાવે છે. તેમાં કોઈ જાતનું રિસિવર નથી હોતું જે વાયરલેસ સાથે જોડાઇ શકે. આ મશીનમાં ઇનપુટ માટેની એવી કોઈ સુવિધા નથી કે દૂરથી તેમાં ગરબડ થઈ શકે.
ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે મશીનને નેટવર્કમાં પણ જોડી શકાતું નથી. જોકે કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર એવો દાવો કરી રહ્યા છે કે કન્ટ્રોલિંગ યુનિટ સેટ કરવાનું હોય ત્યારે ગરબડ કરવામાં આવે છે. ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ હોય ત્યારે નક્કી થઈ જતું હોય છે કે હવે કેટલાક ઉમેદવારો મેદાનમાં રહ્યા. અટક પ્રમાણે કક્કાવારી ગોઠવીને કયા ઉમેદવારનું નામ કેટલા નંબરના બટન સામે આવશે તે નક્કી થતું હોય છે.
આ ઉપરાંત કુલ કેટલા ઉમેદવારો રહ્યા તે પણ નક્કી થઈ જાય. બેલોટ યુનિટમાં વધુમાં વધુ 15 ઉમેદવારો આવી શકે. એક બટન નોટા માટે રખાય છે. તેથી જો 15થી ઓછા ઉમેદાવરો હોય તો બાકીની ખાલી પડેલા બટનને ડિએક્ટિવ કરવા તથા દરેક નંબર અને તેની સામેના ઉમેદવારનું ચૂંટણી ચિહ્ન વીવીપેટમાં દેખાય તે માટેનું ચિત્ર ઇન્સ્ટોલ કરવા માટે એક ફાઇલ અપલોડ કરવામાં આવે છે. ચૂંટણી અધિકારી કુલ કેટલા ઉમેદવાર છે અને કેટલા ચિહ્નો છે તેની યાદી ઇસીએઆઇને મોકલે છે. યાદી પ્રમાણે દરેક મતવિસ્તારની એક ફાલઇ તૈયાર થાય. તે ફાઇલ તે વિસ્તારમાં બૂથોમાં ઉપયોગમાં લેનારા ઇવીએમમાં અપલોડ કરવામાં આવે તેવો દાવો કરાય છે.
દાવો કરનારા પોતાની કલ્પનાને આગળ વધારીને દાવો કરે છે કે હવે જ્યારે આ ક્યુ ફાઇલ મશીનમાં નાખવામાં આવે ત્યારે તેની સાથે જ એક બગ મશીનમાં દાખલ થઈ શકે છે. તે બગ ટાઇમ બાઉન્ડ હોય છે. એટલે કે સવારે ઉમેદવારોની હાજરીમાં ચેક કરવામાં આવે ત્યારે પકડાય નહિ, પણ બપોરના સમયે એક્ટિવ થાય. બપોરે એક એક્ટિવ થાય અને સાંજના અમુક વાગ્યા સુધીમાં મતોમાં ગરબડ કરીને પછી ઑટો ડિલિટ પણ થઈ જાય. આ કલ્પનાના એવા ગુબ્બારા છે કે તેને કોઈ ગંભીર આધાર મળ્યો નથી. જો આ વાત પાકી હોય તો કોઈ પણ રાજકીય પક્ષ કોર્ટમાં જઈને નમૂનાના કેટલાક મશીનોની ચકાસણી કરવાની માગણી કરી શકે છે.
હકીકતમાં કોઈ રાજકીય પક્ષ ઇવીએમના મુદ્દાને લોજિકલ કન્ક્લુઝન સુધી લઈ જવા માગતો નથી. દરેક પક્ષ માત્ર આક્ષેપો કરવા માગે છે. ભાજપના નેતા એલ. કે. અડવાણીએ પણ 2009માં હારી ગયા પછી ઇવીએમ સામે શંકા વ્યક્ત કરીને કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતા. જીવીએલ નરસિંહ રાવ નામના સેફોલૉજિસ્ટ અને ભાજપના નેતાએ ઇવીએમમાં ગોટાળા થઈ શકે છે તેવી નાનકડી પુસ્તિકા પણ પ્રગટ કરી હતી. હવે ભાજપ સત્તા પર છે એટલે ઇવીએમના વખાણ કરી રહ્યો છે તેથી શંકા દૃઢ થાય છે.
થોડી શંકા થવાનું કારણ એ છે કે ચૂંટણી પંચે શંકાથી પર થઈ જવાય તેવી કાર્યવાહી કરી નથી. છેલ્લે દરેક પક્ષના નેતાઓને મશીન ચકાસવા બોલાવ્યા ત્યારે મશીનને ખોલી નાખવાનો અને તેના દરેક પાર્ટ્સ જુદા કરીને ચકાસણ કરવાની તૈયારી બતાવી નહોતી. ચૂંટણી પંચે શંકાના નિવારણ માટે પૂરતા પ્રયાસો કરવા જોઈએ એટલું જ કહી શકાય.
બીજું સૂચન આવ્યું છે તે પણ વિચારવું જોઈએ. વીવીપેટ મશીનનો બધી જ જગ્યાએ ઉપયોગ કરવો અને બધી જ જગ્યાએ વીવીપેટમાંથી નીકળતી ચિઠ્ઠિઓની ગણતરી કરવી.
મશીનો રાખવાનો એક ફાયદો એ છે કે બૂથ કબજે કરીને તેમાં મતની ચિઠ્ઠિઓ ઠાંસી દેવામાં આવતી હતી તે ગરબડ હવે થઈ શકતી નથી. પક્ષો જૂની પદ્ધતિ તરફ પાછા ફરવાની વાત કરે છે, પણ તેમાં આ જૂની ગેરરીતિ અટકાવી શકાય તેમ નથી. તેની સામે મશીનના ઉપયોગથી મોટા પાયે ખોટા મતો નાખી શકાતા નથી. કેમ કે વીવીપેટ મશીનમાં ચિઠ્ઠિને પ્રિન્ટ થતા અને ડિસ્પ્લે થતા સાત સેકન્ડ લાગે છે. તેનો અર્થ એ થયો કે દરેક મત વચ્ચે સાત સેકન્ડ લાગે. વિપક્ષના પોલિંગ એજન્ટોને ડરાવીને ભગાડી દીધા બાદ, બૂથને કબજે કરી લીધા બાદ, ધડાધડ મતો નાખવા હોય તો નાખી શકાય નહિ. સાત સેકન્ડ વત્તા બે સેકન્ડ કન્ટ્રોલિંગ યુનિટમાંથી મશીનને એક્ટિવેટ કરવા માટેના એમ દરેક મત માટે નવ સેકન્ડ જોઈએ. તે રીતે ગોલમાલ કરીને ઢગલા મોઢે ખોટા મતો નાખી દેવા મુશ્કેલ બને.
સરવાળે વાત એટલી જ છે કે ઇવીએમનો મુદ્દો ભાજપ સામે શંકા ઊભો કરવાનો છે. ભાજપ સત્તા માટે કોઈ પણ હદે જઈ શકે છે તે દેખાડવા માટે આ મુદ્દો કામ લાગે તેવો છે. તેથી રાજકીય રીતે તેને ચગાવવામાં આવી રહ્યો છે. આક્ષેપો રાજકીય વધારે થઈ રહ્યા છે, ઇવીએમ મશીનની ટેક્નિકાલિટી કે અત્યાર સુધીમાં આવેલા પરિણામોના લોજિક કે પછી જ્યાં પણ શંકા જાય ત્યાં ફરિયાદ કરવાથી કેવી રીતે તપાસ થઈ શકે છે તેવા લોજિકલ મુદ્દાની ચર્ચા કોઈ કરતું નથી અને કરવાનું પણ નથી.