પહેલી વન-ડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને આસાનીથી હરાવ્યું; વિરાટને છેલ્લી બે મેચમાં વિશ્રામ

નેપીયર – ભારતીય ક્રિકેટ ટીમે ઉત્તમ ઓલરાઉન્ડ દેખાવ વડે આજે અહીં મેક્લીન પાર્ક ખાતેની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 8-વિકેટથી પરાજય આપ્યો હતો અને 5-મેચોની સીરિઝમાં 1-0થી સરસાઈ મેળવી છે. આજની મેચમાં આશ્ચર્યજનક રીતે તેજ પ્રકાશનું વિઘ્ન આવ્યું હતું એટલે ભારતે ડકવર્થ/લૂઈસ મેથડ અનુસાર જીત મેળવી હતી.

બીજી મેચ 26 જાન્યુઆરીએ મોન્ગાનુઈમાં રમાશે.

ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ લીધી હતી અને 38 ઓવરમાં ટીમ 157 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એકમાત્ર કેપ્ટન કેન વિલિયમ્સને ભારતના બોલરોનો પ્રતિકાર કર્યો હતો અને 64 રન કર્યા હતા. બાકી કોઈ બેટ્સમેનનો દેખાવ ઉલ્લેખનીય નથી.

તેના જવાબમાં, ભારતે 34.5 ઓવરમાં બે વિકેટના ભોગે 156 રન કરીને મેચ જીતી લીધી હતી.

તેજ પ્રકાશના વિઘ્નને કારણે મેચ ઓફિસરોએ મેચને એક ઓવર સુધી ઘટાડી દીધી હતી અને ભારતને 49 ઓવરમાં 156 રન કરવાનો નવો ટાર્ગેટ મળ્યો હતો.

રોહિત શર્મા (11) અને શિખર ધવન (75 નોટઆઉટ)ની જોડીએ પહેલી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. 10મી ઓવરમાં રોહિત આઉટ થયા બાદ ધવન અને કેપ્ટન કોહલી (45) ટીમના સ્કોરને 132 રન સુધી ખેંચી ગયા હતા. કોહલી તે સ્કોર પર આઉટ થયો હતો અને ધવન તથા અંબાતી રાયડુ (13 નોટઆઉટ)એ વધુ નુકસાન થવા ન દઈને ટીમને જીત અપાવી હતી.

રોહિતની વિકેટ પડ્યા બાદ તરત જ સૂર્યપ્રકાશ ખૂબ તેજ થઈ ગયાની અને સૂર્યનાં કિરણો આંખોમાં તકલીફ કરતા હોવાની ધવને ફરિયાદ કરી હતી એટલે અમ્પાયરોએ મેચને અટકાવી દીધી હતી. એને કારણે મેચની આશરે 30 મિનિટ બગડી હતી.

ધવને આજની મેચના સ્કોર સાથે વન-ડે કારકિર્દીમાં પોતાના 5000 રન પૂરા કર્યા હતા. આ સિદ્ધિ હાંસલ કરવામાં તે બીજા નંબરનો ફાસ્ટેસ્ટ ભારતીય બેટ્સમેન બન્યો છે. ધવન તેના અણનમ 75 રન માટે 103 બોલ રમ્યો હતો અને 6 ચોગ્ગા ફટકાર્યા હતા.

અગાઉ, ન્યૂઝીલેન્ડના દાવને સામાન્ય સ્કોરમાં સમેટાવી લેવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી ચાઈનામેન બોલર કુલદીપ યાદવે. એણે 10 ઓવરમાં 39 રન આપીને 4 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 6 ઓવરમાં 19 રન આપીને 3 વિકેટ લીધી હતી. એણે બંને ઓપનર (માર્ટિન ગપ્ટીલ અને કોલીન મનરો)ને સસ્તામાં ક્લીન બોલ્ડ કરી દીધા હતા અને એ ફટકામાંથી કિવી ટીમ બહાર આવી શકી નહોતી. લેગસ્પિનર યુુઝવેન્દ્ર ચહલે 43 રનમાં બે અને કેદાર જાધવે એક વિકેટ લીધી હતી.

કોહલીને આખરી બે વન-ડે, T20I શ્રેણી માટે વિશ્રામ અપાયો

દરમિયાન, આગામી સમયમાં ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે રમાનાર મર્યાદિત ઓવરોની શ્રેણીને ધ્યાનમાં રાખીને કેપ્ટન વિરાટ કોહલીને ન્યૂઝીલેન્ડ સામેની વર્તમાન વન-ડે શ્રેણીમાં આખરી બે મેચ તેમજ ત્યારબાદની ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે.

કોહલીની જગ્યાએ ઓપનર રોહિત શર્મા ન્યૂઝીલેન્ડ સામે ટીમનું સુકાન સંભાળશે, એમ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના કાર્યવાહક સચિવ અમિતાભ ચૌધરીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

કોહલીની જગ્યાએ ભારતીય ટીમને કોઈ બીજો ખેલાડી આપવામાં નહીં આવે.