ભાજપ, કોંગ્રેસ, શિવસેના, NCPના ચોકઠાં ગોઠવાઇ રહ્યાં છે

હારાષ્ટ્રમાં ભાજપ સરકારને ત્રણ વર્ષ થઈ ગયાં છે અને બે જ વર્ષ બાકી છે, ત્યારે મહત્ત્વના ચાર રાજકીય પક્ષો વચ્ચે ચોકઠાં ગોઠવાઇ રહ્યાં છે. ચોકઠાં એકબીજામાં બંધબેસતા આવે તો આકાર બને અને રાજકીય પક્ષોના પોતપોતાના સપનાં સાકાર થાય. ભાજપનું એક સપનું છે સાથી પક્ષ શિવસેનાને નબળો પાડી દેવાનો. જરૂર પડે તો તેની જગ્યાએ એનસીપીનો સાથ લેવાનો, પણ સેનાની જોહૂકમી ઓછી કરવી. એનસીપીના પોતાના સપનાં છે અને એનસીપીમાં ધીમેધીમે જૂથબંધી ઊભી થઈ રહી છે તેથી દરેક જૂથની આગવી મહત્ત્વાકાંક્ષાઓ હોય. તેથી ચાર ચોકઠાં આઠ કે અધિક ખૂણા ઊભા થયાં છે.ગુજરાતમાં એનસીપીની હાજરી દસેક વર્ષથી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતનું રાજકારણ અને રાષ્ટ્રીય રાજકારણ તેના ત્રિભેટે સંબંધો આકાર લેતાં હોય છે. 2012માં એનસીપી-કોંગ્રેસ વચ્ચે કાચીપાકી સમજૂતી થઈ હતી, પણ 2017માં રાજ્યસભાની ચૂંટણી વખતે એનસીપીએ કોંગ્રેસને દગો દીધો અને ભાજપના ઉમેદવારને મત આપ્યો. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે લાગ જોઈને એનસીપીને લટકાવી દીધી એટલે માત્ર એક જ બેઠક તેને મળી છે.
એનસીપી વહેલાંમોડે કોંગ્રેસને છોડીને ભાજપનો સાથ લઈ લેશે તેવી શક્યતા છે, પણ તે માટેનો પ્રસંગ ક્યારે આવશે તે નક્કી નથી. મહારાષ્ટ્રમાં શિવસેનાની ટીકાનો મારો ખાસ્સો વધી ગયો અને મહાપાલિકાની ચૂંટણીઓ વખતે શિવસેના સાથે ગઠબંધન ન થયું. તે વખતે લાગતું હતું કે જો શિવસેના ભાજપ સરકારમાંથી ખસી જાય તો એનસીપીનું આગમન થઈ શકે.

રાજકીય તડજોડ નવી વાત નથી, પણ આવાં ચોકઠાં બેસાડવાં સહેલાં પણ નથી. જરાક અમસ્થો ખાંચો અને ખૂણો રહી ગયો હોય તે નડ્યાં કરે. એનસીપીનું આંતરિક રાજકારણ આવો ખાંચોખૂણો છે. સહજ સાથી ગણાય તે કોંગ્રેસ સાથે રહેવું કે સામા છેડેના ભાજપ સાથે જઈને બેસવું તેનો આખરી નિર્ણય એનસીપીમાં થઈ શક્યો નથી. રાષ્ટ્રીય ભાજપ, ગુજરાત ભાજપ અને મહારાષ્ટ્ર ભાજપ પણ આ બાબતમાં જરા જુદીજુદી રીતે વિચારતું હોય તેમ પણ લાગે.ગુજરાતની ચૂંટણી પતી ગઈ. ગુજરાતમાં ભાજપને એનસીપીની જરૂર નહોતી. એનસીપીના એક નેતા કુતિયાણામાં પોતાના જોરે જીત્યાં છે તે આમ પણ ભાજપને સાથ આપવાના છે, જરૂર પડે ત્યારે. તેથી મહારાષ્ટ્રમાં સ્વતંત્ર રીતે એનસીપી સાથેના તાણાવાણા ચાલી રહ્યાં હતાં અને ગુજરાતની ચૂંટણી દરમિયાન જ મુખ્યપ્રધાન ફડણવીસે એનસીપી પર ભીંસ વધારવાનું નક્કી કર્યું હતું.

ડિસેમ્બરના મધ્યમાં ફડણવીસે આદેશ આપ્યાં છે કે એનસીપી સામે સિંચાઇ યોજનામાં થયેલા ભ્રષ્ટાચારમાં કેસ દાખલ કરવો. જાણકારો કહે છે કે નિશાન અજિત પવાર પર છે. અજિત પવાર છેલ્લાં કેટલાક સમયથી ભાજપ સામે આકરી વાણી ઉચ્ચારી રહ્યાં છે. તેમણે આડકતરી રીતે ભાજપ માટે એનસીપીમાં સોફ્ટ કોર્નર ઊભો થયો છે કે થઇ રહ્યો છે તેની નારાજગી વ્યક્ત કરી છે. જેમ કે પક્ષના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ સુનીલ તટકરે અને સિનિયર નેતા દિલીપ વાલ્સે-પાટીલે તેમની આત્મકથાઓના વિમોચન વખતે મુખ્યપ્રધાન ફડણવીસને આમંત્રણ આપ્યું હતું. પક્ષના બે સિનિયર નેતાઓ ભાજપના સીએમને પોતાના સમારંભમાં પ્રમુખસ્થાને બેસાડે તે અજિત પવારને ગમ્યું નહોતું. તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પક્ષના નેતાઓએ પોતાના કાર્યક્રમોમાં ભાજપના પ્રધાનોને કે નેતાઓને આમંત્રણ આપવું નહીં.

આ આદેશ ઉપરાંત છેલ્લાં થોડા મહિનામાં ભાજપ સરકારનો વિરોધ કરવામાં અજિત પવાર અગ્રેસર થયાં છે. મુખ્ય વિપક્ષી નેતા કોંગ્રેસના રાધાકૃષ્ણ વિખે-પાટીલ છે, પણ અજિત પવાર જે રીતે રાજ્યભરમાં પ્રવાસ કરી રહ્યાં છે અને વિવિધ મુદ્દે ફડણવીસની સરકાર પર પ્રહારો કરી રહ્યાં છે તે જોતાં લાગે છે કે મુખ્ય વિપક્ષી નેતા અજિત પવાર જ છે. છેલ્લે નાગપુરમાં મોટી રેલી કરીને તેમણે સરકાર પર પ્રહારો કર્યા તેના થોડા કલાકમાં જ મુખ્યપ્રધાને આદેશ આપ્યો કે અગાઉની કોંગ્રેસ સરકાર વખતના સિંચાઇ યોજનાના ભ્રષ્ટાચારમાં કેસ દાખલ કરો.

થોડા જ કલાકોમાં એન્ટી કરપ્શન બ્યૂરોએ નાગપુરમાં ચાર કેસો દાખલ કરી દીધા. ભંડારાની ગોસેખુર્દ યોજનામાં કેસ ફાઇલ થયો તેમાં ઓછા જાણીતા નેતાનું અને ત્રણ અધિકારીઓનું નામ નોંધાયું છે, પણ લક્ષ્ય અજિત પવાર અને એનસીપી મહારાષ્ટ્રના પ્રમુખ સુનીલ તટકરે છે. કોલ્હાપુર સિંચાઇ યોજનામાં તટકરેનું નામ આરોપી તરીકે નોંધી પણ દેવાયું છે. 2009 પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે અજિત પવાર સિંચાઇ પ્રધાન હતાં. સિંચાઇ યોજનાઓ મોટા પાયે શરૂ કરાઈ હતી, પણ તેમાં નિર્ધારિત બજેટ કરતાં બાદમાં ખર્ચ વધારી દઇને કૌભાંડ થયાના આક્ષેપો છે.
સિંચાઇ કૌભાંડની તપાસ માટે સમિતિ પણ બેસાડવામાં આવી હતી. કોંકણ વિસ્તારની 12 સિંચાઇ યોજનામાં થયેલી ગેરરીતિની તપાસ સમિતિને સોંપાઇ હતી. આ યોજનાઓમાં નિયમો વિરુદ્ધ ખર્ચમાં જંગી વધારો આપી દેવાયો હતો તેવું તારણ સમિતિએ કાઢ્યું હતું. સમિતિના અહેવાલનો ઉપયોગ કરીને ફડણવીસ સરકાર હવે બે વર્ષ બાકી છે ત્યારે એનસીપીને ભીંસમાં લેવાની કોશિશ કરશે.

જોકે લક્ષ્ય એનસીપી કરતાં અજિત પવાર હોય તેમ જાણકારો માની રહ્યાં છે. એનસીપી સાથે ભાજપનું ગઠબંધન થશે કે કેમ અને આખરે શિવસેનાને પડતી મૂકવામાં આવશે કે કેમ તે સમય જ કહેશે, પણ અત્યારથી ચોકઠાં ગોઠવાવા લાગ્યાં છે. અજિત પવાર ભાજપ સરકારનો વધારે આકરો વિરોધ કરી રહ્યાં છે. શિવસેના દ્વારા પોતાની જ ભાગીદારીવાળી ભાજપ સરકારનો વિરોધ થાય ત્યારે એનસીપીના કેટલા નેતાઓ સરકાર તરફ સહાનુભૂતિ દાખવતા હોય તેમ લાગે છે.અજિત પવાર માને છે કે શિવસેનાને સપોર્ટ કરવો જોઈએ કે તે વધારેમાં વધારે ભાજપની ટીકા કરે. તેની પાછળનું કારણ એનસીપીનું આંતરિક રાજકારણ પણ છે. 2012માં એક તબક્કે નારાજ થઈને અજિત પવારે એનસીપીમાંથી રાજીનામું આપી દીધું હતું. તે વખતે એક નાનકડો પ્રસંગ બન્યો હતો. શરદ પવારે યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાનનું પ્રમુખપદ છોડીને તેની અધ્યક્ષા તરીકે પોતાની પુત્રી સુપ્રીયા સુલેની નિમણૂક કરી. ભવિષ્યના પોતાના વારસદાર તરીકે સુપ્રીયાની આ નિમણૂક છે એમ માની લેવાયું હતું. પુત્રીની નિમણૂકને કારણે ભત્રીજો નારાજ થયો હતો. બાદમાં અજિત પવારને મનાવી લેવાયા અને રાજીનામું પાછું ખેંચી લેવાયું. પણ આવી લડાઇ એ રીતે શાંત થતી નથી. શિવસેનામાં પણ પુત્ર અને ભત્રીજા વચ્ચે સંઘર્ષ હતો. થોડા વર્ષો રાજ ઠાકરેએ કાકાનો નિર્ણય માન્ય રાખ્યો હતો, પણ આખરે તેમણે પક્ષ છોડ્યો.

એક તરફ ફડણવીસ સરકારે અજિત પવાર પર ભીંસ વધારવાનું નક્કી કર્યું છે અને બીજી બાજુ શિવસેનાએ ફડણવીસ સરકારની ટીકાઓ યથાવત રાખી છે ત્યારે આગળની ગતિવિધિઓ પર સૌની નજર રહેશે. જો સેનાની જગ્યાએ એનસીપીને સાથે લેવાનું ભાજપ નક્કી કરે તો અજિત પવારનું રિએક્શન શું હશે તે જોવાનું રહેશે. એનસીપીના શરદ પવારનું કામ સહેલું થાય અને અજિત પવાર જતાં રહે તે માટે ભાજપ સરકાર જાણે મદદ કરી રહી હોય તેમ પણ કેટલાંકને લાગશે. ચોકઠાં કેવા ગોઠવાશે તે જોવાનું રહ્યું.