પાકિસ્તાનમાં કુલભૂષણ જાધવ સાથે માતા અને પત્નીએ કરી મુલાકાત

ઈસ્લામાબાદ- પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નેવીના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવ માટે આજનો દિવસ મહત્વનો સાબિત થયો છે. તેની માતા અને પત્ની આજે ઈસ્લામાબાદમાં વિદેશ મંત્રાલયમાં તેની સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન ઈસ્લામાબાદમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર પણ હાજર રહ્યા હતા. કુલભૂષણ જાધવની ધરપકડના 21 મહિના પછી તેની પત્ની અને માતા સાથે અડધો કલાક મુલાકાત થઈ હતી. કુલભૂષણ જાધવ ભારતીય નેવીના પૂર્વ અધિકારી છે. પાકિસ્તાને જાધવ અંગે દાવો છે કે, કુલભૂષણ જાધવને તેણે બલૂચિસ્તાનમાંથી પકડ્યો છે. પાકિસ્તાન આર્મી અદાલતે જાધવને અશાંતિ ફેલાવવાના અને જાસૂસીના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે. જો કે ICJ દ્વારા હાલમાં કુલભૂષણની ફાંસી પર રોક લગાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના રાજકીય દબાણ બાદ 20 ડિસેમ્બરનાં રોજ પાકિસ્તાને કુલભૂષણ જાધવને તેની માતા અને પત્નીને મળવાની મંજૂરી આપી હતી અને વીઝા ઈશ્યૂ કર્યાં હતાં. પાકિસ્તાને જાધવની માતા અને પત્નીને આ મુલાકાત અંગે મીડિયા સાથે વાત કરવાની પણ મંજૂરી આપી છે, જોકે તેઓ મીડિયા વાત કરશે કે નહીં તે અંગે કોઈ માહિતી નથી.

કુલભૂષણ જાધવ માટે ભારતે કોન્સ્યૂલર એક્સેસની પણ માગણી કરી હતી. જોકે, પાકિસ્તાને આ માગણી એમ કહીને નકારી છે કે, કુલભૂષણ જાધવ જાસૂસ છે અને આ પ્રકારના કેસમાં કોન્સ્યૂલર એક્સેસ આપી શકાય નહીં.