આતંકી હાફિઝ સઈદનો રાજકારણમાં પ્રવેશ, લાહોરમાં ખોલી પાર્ટી ઓફિસ

લાહોર- મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકી હાફિઝ સઈદ હવે રાજકારણથી તેની નવી ઈનિંગ શરુ કરવા તૈયારી કરી રહ્યો છે. વર્ષ 2018માં પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને હાફિઝ સઈદ તેની રાજકીય પાર્ટી મિલ્લી મુસ્લિમ લીગની (MML) ચૂંટણી પંચમાં નોંધણી કરાવવાના પ્રયાસ કરી રહ્યો છે. સૂત્રોનું માનીએ તો હાફિઝે લાહોરમાં મિલ્લી મુસ્લિમ લીગ પાર્ટીની ઓફિસ પણ ખોલી છે.

પાકિસ્તાનના ઉર્દૂ અખબાર ડૉનના સમાચાર મુજબ લાહોરના મોહની રોડ ઉપર બનાવવામાં આવેલી આ ઓફિસનું રવિવારે હાફિઝ સઈદે સત્તાવાર રીતે ઉદઘાટન પણ કર્યું હતું. એટલું જ નહીં, આ દરમિયાન હાફિઝ સઈદે આ વિસ્તારના લોકોની સમસ્યાઓ પણ સાંભળી હતી.

આપને જણાવી દઈએ કે, મિલ્લી મુસ્લિમ લીગ પ્રતિબંધીત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) અને જમાત-ઉદ-દાવાનો જ એક ભાગ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે હાફિઝ સઈદને નજર કેદ કરવામાં આવ્યો હતો ત્યારે જમાત-ઉદ-દાવાએ મિલ્લી મુસ્લિમ લીગનું સંગઠન કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

લાહોરમાં નેશનલ એસેમ્બલીની NA-120 બેઠક ઉપર ગત સપ્ટેમ્બરમાં પેટા ચૂંટણીઓ યોજાઈ ગઈ. જેમાં જમાત-ઉદ-દાવાના ઉમેદવાર શેખ યાકૂબ ત્રીજા સ્થાન ઉપર રહ્યાં હતા. આ બેઠક ઉપર પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પત્ની કુલસુમ નવાઝની જીત થઈ હતી, જ્યારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ઉમેદવાર યાસ્મીન રાશિદ બીજા સ્થાને રહ્યા હતાં.

હાફિઝ સઈદે વર્ષ 2018ની ચૂંટણી લડવા માટે પાકિસ્તાન ચૂંટણી પંચમાં મિલ્લી મુસ્લિમ લીગનું રજીસ્ટ્રેશન કરાવવા માટે અરજી કરી હતી. પરંતુ ચૂંટણી પંચે મિલ્લી મુસ્લિમ લીગને રાજકીય પાર્ટી તરીકે માન્યતા આપવાનો ઈન્કાર કર્યો હતો. ત્યારબાદ હાફિઝ સઈદે ચૂંટણી પંચના ચુકાદાના વિરુદ્ધમાં ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.