વર્ષ 2017: ચીનનું દક્ષિણ ચીન સાગર ઉપર વધ્યું પ્રભુત્વ

બિજીંગ- વર્ષ 2017માં ચીને દક્ષિણ ચીન સાગરમાં કબજો કરેલા ટાપુ પ્રદેશમાં પોતાનો વિસ્તાર વધાર્યો છે. જેમાં ચીને રડાર સુવિધા અને હેંગર સહિત અન્ય સુવિધાઓનું નિર્માણ કર્યું છે. આ ટાપુઓ 2 લાખ 90 હજાર વર્ગમીટર ક્ષેત્રમાં ફેલાયેલા છે.

આપને જણાવી દઈએ કે, કુદરતી ગેસ અને પેટ્રોલિયમ ભંડારથી સંપન્ન ટાપુઓના 90 ટકા ભૂ-ભાગ પર ચીન પોતાનો દાવો કરી રહ્યું છે. જેને લઈને અન્ય દેશો સાથે પણ તેનો વિવાદ ચાલી રહ્યો છે. હવે આ વિસ્તારમાં ચીન તેની સૈન્યશક્તિનો પણ વિસ્તાર કરી રહ્યું છે.

નેશનલ મરીન ડેટા એન્ડ ઈન્ફોર્મેશન સર્વિસ એન્ડ પીપલ્સ ડેઈલીના ઓવરસીઝ એડિશન દ્વારા સંયુક્ત રુપે ચલાવવામાં આવી રહેલી વેબસાઈટ નાનહાઈ ડોટ હાઈવાઈનેટ સીનના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ ચીને દક્ષિણ ચીન સાગરમાં વર્ષ 2017માં 2 લાખ 90 હજાર વર્ગમીટર ક્ષેત્રમાં નિર્માણકાર્ય કર્યું છે. જેમાં અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ, એડમિન બિલ્ડીંગ અને મોટા રડારનો સમાવેશ થાય છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ચીને દક્ષિણ ચીન સમુદ્રમાં વ્યાપક રીતે તેનો પગપેસારો કર્યો છે. જેથી ચીન પોતાની સૈન્ય તાકાતમાં વધારો કરી શકે અને આસપાસના વિસ્તારોમાં પોતાનું પ્રભુત્વ જાળવી શકે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ચીન સાગરમાં આશરે 5 હજાર કરોડ ડોલરનો સમુદ્રી વ્યાપાર કરવામાં આવે છે. જેના પર ચીન ઉપરાંત મલેશિયા, બ્રુનેઈ, વિયેતનામ, ફિલિપાઈન્સ અને તાઈવાન પણ પોકાનો દાવો કરી રહ્યાં છે.

જાણકારોનું માનીએ તો, નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે સર્જાયેલા સંકટનો ચીનને ફાયદો થયો છે. કારણકે, અમેરિકા નોર્થ કોરિયા સાથેનો તણાવ ઘટાડવામાં દક્ષિણ ચીન સાગર પર પોતાનું ધ્યાન નથી આપી શક્યું જેથી ચીનને દક્ષિણ ચીન સાગરમાં તેની સૈન્ય તાકાત વધારવાનો યોગ્ય સમય મળી ગયો છે.