ભારતીય હેકર્સે કરાચી પોલીસની સાઈટ હેક કરી લખ્યું ‘વંદે માતરમ’

કરાચી- ભારતીય મૂળના એક હેકર્સ સમૂહે ગતરોજ પાકિસ્તાનના કરાચી પોલીસની વેબસાઈટ હેક કરી હતી. વેબસાઈટ હેક કર્યા બાદ ભારતીય હેકર્સે પાકિસ્તાનની સાઈટ ઉપર ‘વંદે માતરમ’ લખ્યું હતું. મહત્વની વાત તો એ છે કે, સાઈટ જેટલો સમય હેક રહી એટલો સમય તેના ઉપર વંદે માતરમ ગીત વાગતુ રહ્યું હતું.

કરાચી પોલીસને જ્યારે તેમની વેબસાઈટ હેક થયાની જાણ થઈ ત્યારે દોડધામ મચી ગઈ હતી. ઘણા પ્રયાસ કર્યા બાદ કરાચી પોલીસની સાઈટને ફરી ચાલુ કરવામાં સફળતા મળી હતી. આપને જણાવી દઈએ કે, ગત વર્ષ પાકિસ્તાની હેકર્સે ભારતની કેટલીક વેબસાઈટ હેક કરી હતી. જેના પર પાકિસ્તાની ગીત વગાડવામાં આવ્યા હતા.

ભારતીય હેકર્સ દ્વારા કરાચી પોલીસની વેબસાઈટ હેક કરવાની ઘટનાને ઈંટનો જવાબ પત્થરથી અપાયો હોવાનું જાણકારો માની રહ્યાં છે. કરાચી પોલીસની સાઈટ હેક કરનારાઓએ પોતાને ‘મલ્લુ સાઈબર સોલ્જર્સ’ તરીકે ઓળખાવ્યા છે. તેમણે સાઈટ હેક કર્યા બાદ વંદે માતરમ લખ્યું હતું અને સાથે જ લખ્યું કે, હેક્ડ બાય D3VIL S3C।

હેકર્સ આટલેથી જ અટક્યા નહીં. આગળ તેમણે લખ્યું કે, ‘અમે ભારતને પ્રેમ કરીએ છીએ’. સાઈટ જેટલો સમય હેક રહી તેટલો સમય તેના ઉપર વંદે માતરમ ગીત વાગતું રહ્યું. આ પહેલા જૂન મહિનામાં ભારતીય હેકર્સે પાકિસ્તાનની પીપીપી નામની એક સાઈટ હેક કરી હોવાનું પણ સામે આવ્યું હતું. આટલું જ નહીં ભારતીય હેકર્સ આ પહેલા લાહોર હાઈકોર્ટની વેહસાઈટને પણ બે વાર હેક કરી ચુક્યા છે.