અમદાવાદમાં વર્લ્ડ હેરિટેજ સિટીની થીમ પર આજથી કાંકરીયા કાર્નિવલ, મળશે નિઃશુલ્ક પ્રવેશ

અમદાવાદ– ક્રિસમસના તહેવારોને લઇને કાંકરીયા કાર્નિવલના બહુરંગી આયોજનો સાથેનો કાંકરીયા કાર્નિવલ આજ સાંજથી શરુ થઇ રહ્યો છે. સીએમ રુપાણી દ્વારા તેનું ઉદઘાટન કરાશે. વિવિધ કાર્યક્રમોના મનોરંજનનો લાભ લોકો મોટી સંખ્યામાં લેતાં હોય છે ત્યારે મુલાકાતીઓને કાર્નિવલ દરમિયાન કાંકરીયા તળાવમાં ફરવા માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

અમદાવાદ શહેરને યુનેસ્કોએ આ વર્ષે વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપ્યો છે ત્યારે આ વખતના કાંકરીયા ફેસ્ટિવલને હેરિટેજ થીમ પર સજાવવામાં આવ્યું છે. તો અન્ય એક મહત્ત્વના નિર્ણયમાં કાંકરીયા કાર્નિવલમાં કાયમ આકર્ષણ બનતાં આતશબાજીના કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. આતશબાજીના કારણે કાંકરીયા ઝૂમાં રહેતાં 1500 જેટલાં પક્ષીઓની નીંદર બગડે છે તે કારણે આ નિર્ણય લેવાયો છે. આતશબાજીના સ્થાને લેસર શૉનું આકર્ષણ રાખવામાં આવ્યું છે.

કાંકરીયા કાર્નિવલ માટે મુખ્ય આકર્ષણ ગુજરાતનું સૌપ્રથમ નોક્ટરનલ ઝૂ બનશે. આજે સાંજે તેનું લોકાર્પણ કરવામાં આવશે. આતીકાલથી જાહેરજનતા તેની મુલાકાત લઇ શકશે.દિવસના સમયે પણ રાત્રિના ઘોર અંધકારમાં ફકતાં નિશાચર પ્રાણીઓને નિહાળવાનો રોમાંચ તેમાં મેળવી શકાશે. સવારે 9 કલાકથી સાંજના 6 સુધી નોક્ટરનલ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે. આ ઝૂમાં જવા માટે પુખ્ત નાગરિકો માટે 50 રુપિયા અને બાળકો માટે 20 રુપિયાની ટિકીટ છે. તેમ જ કાંકરીયા ઝૂમાં પ્રવેશ પણ મફત રાખવામાં આવ્યો છે.

આ ઉપરાંત કાંકરીયા કાર્નિવલમાં પપેટ શૉ, બાળનગરી. રોક બેન્ડ, લાઇવ કેરેક્ટર્સ,રક્તદાન કેમ્પ, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ અને હેરિટેજ થીમ આધારિત કાર્યક્રમો કરવામાં આવ્યાં છે.