શાંઘાઇ સંગઠનમાં ભારત સામેલ થયું તેનું મહત્ત્વ શું છે?

ભારતના વડાપ્રધાન વધુ એક વાર ચીનના પ્રવાસે જઈ આવ્યા. આ વખતની મુલાકાત વધુ વ્યૂહાત્મક હતી. ચીનની આગેવાનીમાં તૈયાર થયેલું શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન માત્ર દક્ષિણ એશિયા પૂરતું મહત્ત્વનું સંગઠન નથી રહ્યું. એવું પણ કહી શકાય કે ભારત તેમાં સામેલ થયું તે સાથે તે સમગ્ર એશિયાનું અને કેટલેક અંશે સમગ્ર દુનિયાનું અગત્યનું સંગઠન સાબિત થશે. જોકે સાથેસાથે પાકિસ્તાનને પણ તેમાં સભ્ય બનાવાયું છે, પણ ભારતે પાકિસ્તાનના સંદર્ભમાં સ્થિતિને જોવાની જરૂર નથી. ચીન અને પાકિસ્તાનના સંબંધો લાંબા સમયથી છે અને તેના સૂચિતાર્થો ભારત જાણે છે.પાકિસ્તાનના સંદર્ભને બાજુએ રાખીને દ્વિપક્ષી રીતે પણ વિચારીએ તો ભારત અને ચીન વચ્ચે 100 અબજ ડોલરનો મસમોટો બિઝનેસ થઈ શકે છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે જ કહ્યું કે ભારત અને ચીને આ આંકડા સુધી પહોંચવાની મહત્ત્વાકાંક્ષા રાખવાની છે. ગયા મહિને જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શી જિનપિંગ સાથે અનૌપચારિક લાંબી મુલાકાત કરી આવ્યા હતા. ભૂતકાળમાં ગુજરાતમાં તેમનું ઉમળકાથી સ્વાગત કર્યું હતું. હવે ફરી એકવાર ભારત આવવાનું આમંત્રણ તેઓ આપીને આવ્યા છે અને 2019ની શરૂઆતમાં તેઓ ભારત આવશે.

રશિયા પણ આ સંગઠનમાં જોડાયું હતું તેથી તેની નોંધ જગતે લેવી પડે તેમ હતી. રશિયા જાણે છે કે એકલા હાથે તે મહાસત્તા જેવો મોભો ફરી મેળવી શકે તેમ નથી. હવે એશિયાનો ત્રીજો સૌથી મોટો અને અગત્યનો દેશ ભારત પણ આ સંગઠનમાં હોય ત્યારે જગતનો કોઈ ખૂણો તેની અવગણના કરી શકે નહિ. બ્રિક્સ સંગઠનમાં પણ આ ત્રણેય દેશો સાથે છે, પણ ભૌગોલિક રીતે વધુ નજીક હોવાથી તેમના વચ્ચે આ જોડાણ વધારે અગત્યનું છે.

વેપાર સિવાય આંતરરાષ્ટ્રીય ધોરણે ત્રાસવાદનો મુદ્દો અગત્યનો બન્યો છે, ત્યારે આ ત્રણેય દેશોને પણ તેની અસર થાય છે. સૌથી વધારે ભારતને ભોગવવું પડે છે, પણ ચીનના પશ્ચિમ પ્રાંતમાં અને ચેચન્યામાંથી રશિયાને ત્રાસવાદનો ખતરો છે તો ખરો જ. પરંતુ પાકિસ્તાન પણ તેમાં જોડાયું એટલે ભારત માટે વિશ્વના બીજા પ્લેટફોર્મ પર જે રીતે ત્રાસવાદનો મુદ્દો ઉપસાવવામાં મુશ્કેલી પડે છે તે અહીં પણ પડશે. બધા જ દેશોને ત્રાસવાદનો સામનો કરવાની વાતો કરવી છે, પણ કોઈ ત્રાસવાદ જ્યાં પેદા થાય છે અને પોષણ મળે છે તે પાકિસ્તાનને ખોખરું કરવામાં રસ નથી.મજાની વાત એ છે કે પશ્ચિમની સત્તાઓને આ ત્રણેય દેશો સામે પ્યાંદા તરીકે પાકિસ્તાન ઉપયોગી છે. ચીન અને ભારત સાથે પાકિસ્તાનની સરહદો અડે છે, જ્યારે અફઘાનિસ્તાન અને તેની ઉપરના ઇસ્લામી દેશોથી રશિયાની સરહદ પણ બહુ નજીક છે. અફઘાનિસ્તાનમાં રશિયાના દળો ઘૂસી ગયા હતા ત્યારે પાકિસ્તાનને બેઝ બનાવીને કેવી રીતે પશ્ચિમે સામનો કર્યો તે ઇતિહાસ બહુ જૂનો નથી.

પરંતુ અત્યારે પાકિસ્તાનના સંદર્ભ કરતાંય રશિયા અને ચીન સાથેના સંગઠનમાં જોડાવું ભારત માટે અગત્યનું છે તેમ જાણકારો કહે છે. અમેરિકા ઉત્તર કોરિયાના બહાને પણ સીધી જ એશિયામાં દખલ કરે છે. અમેરિકા આર્થિક પ્રતિબંધોના શસ્ત્ર દ્વારા કોઈને પણ ઝૂકાવી દેવા માટે સક્ષમ બની ગયું છે. તેણે લડાઇ કરવાની પણ જરૂર રહી નથી. અમેરિકા અને યુરોપના આર્થિક યુદ્ધ સામે લડવું હોય તો ચીન, ભારત અને રશિયાએ પોતાની આર્થિક તાકાત એક કર્યા સિવાય છુટકો નથી.ઊર્જા વિના અર્થતંત્ર ચાલતું નથી અને અમેરિકાની કેટલીક ખાનગી કંપનીઓ સૂર્ય ઊર્જામાં બહુ ઝડપથી આગળ વધી રહી છે. જોકે ચીન પણ સોલર પેનલનું ઉત્પાદન કરીને બરાબર હરિફાઇ કરી રહી છે. પરંતુ ઉર્જાનું મેનેજમેન્ટ, તેના સોફ્ટવેર, બેટરી અને બેટરીનું મેનેજમેન્ટ તેમાં અમેરિકા ફરી એકવાર જગતમાં છવાઇ તેવી શક્યતા છે. તે સંજોગોમાં ફરી એકવાર તેનો હાથ ઉપર રહી શકે છે. ઉર્જાની જરૂરિયાત ચીન અને ભારતને સૌથી વધારે છે. રશિયાને ઓછી વસતિ અને અત્યંત વિશાળ પ્રદેશને કારણે તેની સમસ્યા નથી, પણ ભારત અને ચીને વિશાળ વસતિ માટે ઉર્જાનું મેનેજમેન્ટ કરવું જરૂરી છે.

ભૌગોલિક રીતે જોકે કેટલીક મુશ્કેલીને કારણે રશિયાનો લાભ ભારતને સહેલાઇથી મળતો નથી. રશિયા ઉપરાંત કઝાકિસ્તાન જેવા દેશમાંથી પાઇપલાઇનથી ગેસ લાવવાની વાત વચ્ચે પાકિસ્તાન આવતું હોવાથી શક્ય બની નથી. પરંતુ હવે ગેસ કે જળવિદ્યુત પર આધાર રાખવાના દિવસો જતા રહેવાના છે. ભારત અને ચીન વચ્ચે બ્રહ્મપુત્રા નદીના મામલે પણ ચર્ચા ચાલી રહી છે. તે અંગેના ડેટા આપવા માટે ચીન તૈયાર થયું છે તે સારી વાત છે, પણ વિશાળ વસતિ માટે આ ઉપાયો વ્યવહારમાં બહુ ઉપયોગી નથી થવાના.

સોલર પેનલના ઉત્પાદનમાં ચીન અગ્રણી થાય અને તેની ટેક્નોલોજી ભારત વિકસાવે અને ભારત તેનો મહત્ત્મ ઉપયોગ કરી શકે તે બહુ મોટી શક્યતા છે. આ શક્યતા એવી છે કે ચીન અને ભારત એક તબક્કે પોતાના રાજકીય અને સરહદી મામલાને બાજુએ રાખી શકે છે. કદાચ આ જ સંદર્ભમાં શી જિનપિંગ બંને દેશોના વેપારને 100 બિલિનય ડોલર સુધી પહોંચાડવાની વાત કરી છે.

ફાર્મા અને આઇટી, ચોખા અને અનાજની બાબતમાં પણ સહયોગની ચર્ચા આ બહાને થઈ છે. પડોશી દેશ હોવાના નાતે ચીન સાથે ભારતે સતત સંપર્કમાં રહેવાનું છે, બ્રિક્સ ઉપરાંત શાંઘાઇ સંગઠનના બહાને પણ બંને દેશો વચ્ચે વધારે વાતચીતની તક ઊભી થશે. બ્રિક્સ અને શાંઘાઇ બંનેમાં રશિયા પણ છે એટલે ત્રણેય દેશો આર્થિક અને દુનિયા સાથેના ડિપ્લોમેટિક સંબંધો વિશે સામુહિક રીતે વિચાર કરી શકે છે. તેના માટે શાંઘાઇ સંગઠન સૌથી અસરકારક પ્લેટફોર્મ સાબિત થઈ શકે છે.

હવે વન બેલ્ટ, વન રોડના પ્રોજેક્ટમાં પણ ભારતને જોડવાની કોશિશ ચીન કરી શકે છે. પ્રાચીન સિલ્ક રોડના મોડેલને ધ્યાનમાં રાખીને વિશ્વ વ્યાપરનો આ માર્ગ તૈયાર કરવાની મહત્ત્વાકાંક્ષા ભારતની છે. પરંતુ આ રોડ પાકિસ્તાનમાંથી પસાર થાય છે તે ભારત માટે ચિંતાનો વિષય છે. બીજું આર્થિક સહયોગની ચર્ચા વચ્ચે બંને દેશો વચ્ચે વેપાર વધે ત્યારે વધારે ફાયદો ચીનનો દેખાય છે. અત્યારે પણ ભારત અને ચીન વચ્ચેના વેપારમાં 51 કરોડ ડોલરની ખાધ ભારતને ભોગવવી પડે છે. વેપારી સમતુલા જાળવવા કરતાંય વેપાર વધે તે માટે ભારત કેટલું વિચારશે તે પણ જોવાનું રહ્યું.

ખાધ વધે નહીં, તેનું ધ્યાન રાખીને ભારત ચીન સાથે વેપારમાં આગળ વધી શકે છે. સોલર પેનલ અને લિથિયમ આયન બેટરીની ભવિષ્યની ટેક્નોલોજીમાં ભારતે પાછળ રહેવું પરવડે તેમ નથી. ક્લાયમેટ ચેન્જનો મુદ્દો અગત્યનો બની રહ્યો છે, ત્યારે ક્લિન ટેક્નોલોજીમાં પાછળ રહેવું ભારત જેવા વિશાળ વસતિવાળા દેશને પરવડે નહિ. ભારતે બીજા મુદ્દે થોડા સમાધાનો કરીને પણ શાંઘાઇ સંગઠનમાં આગળ વધવા વિચારવું જોઈએ તેવી સલાહ પણ કેટલાક નિષ્ણાતો આપે છે.જોકે ચીન સાથે સરહદનો મામલો ભારતમાં આંતરિક રીતે સેન્સિટિવ છે. એક હદથી વધારે તેમાં ભારત સમાધાન કરી શકે તેમ નથી. તે જ રીતે ચીન માટે આંતરિક રીતે સરહદનો મુદ્દો મહત્ત્વનો છે. પરંતુ ચીનમાં લાંબો સમય કામ કરનારા બહારના પત્રકારો કહે છે કે ચીન થોડું વધુ લાંબું વિચારી રહ્યું છે. અમેરિકા અને પશ્ચિમ સામે ચીન આર્થિક રીતે મજબૂત થવા માગે છે. દક્ષિણ ચીનમાં વેપાર વત્તા લશ્કરી રીતે પણ તે સક્રીય છે. ભારત વિશ્વ ગુરુ બનવાની વાતો કરે છે, પણ ચીનના નેતાઓ આ બાબતમાં દાયકાથી ચૂપચાપ કામ કરવા લાગી ગયા હતા. ચીનને મજબૂત બનાવીને જગતના પ્લેટફોર્મ મહાસત્તા તરીકે ઊભા રહેવાની મહત્ત્વાકાંક્ષા છે.

આ મહત્ત્વાકાંક્ષામાં જો રશિયા અને ભારત જેવા બે મોટા દેશોની દુશ્મની હોય તો ચીનને ભારે પડે. ચીન કદાચ વધુ વ્યાપક હેતુ ખાતર ભારત સાથે નાના સમાધાનો કરવા તૈયાર પણ થઈ જાય તેમ કેટલાકને માને છે. દાખલા તરીકે પાકિસ્તાનને પણ ભારતની સાથે જ સભ્ય બનાવ્યું, પણ સાથોસાથ એવો મેસેજ આપવાની કોશિશ કરી છે કે આ બંને દેશોના આંતરિક ઝઘડાની અસર શાંઘાઇ સંગઠનમાં પડવા દેવાશે નહિ. કદાચ ચીને વ્યવહારમાં એવું દેખાડવા પણ માગે છે ભારત સાથે દ્વિપક્ષી અને પાકિસ્તાનના સંદર્ભમાં ત્રિપક્ષી સંબંધો વિશે અલગથી ચર્ચા કરતા રહીએ, પણ પશ્ચિમનો સામનો કરવાની વાત છે, ત્યાં સુધી શાંઘાઇ સંગઠનમાં એક થઇને કામ કરતા રહીએ.

આદર્શમાં આ વાત સારી લાગે છે, પણ વ્યવહારમાં તેનો અમલ કરવો મુશ્કેલ છે. ભારત અને ચીનની જેમ પાકિસ્તાન માટે પણ ભારત સાથેના સંબંધો આંતરિક રીતે સંભાળવા અત્યંત મુશ્કેલ છે. તે સંજોગોમાં બધું જ ધાર્યા પ્રમાણે પાર પડે તેમ લાગતું નથી, પરંતુ ભારત જેવો વિશાળ દેશ આ સંગઠનમાં સભ્ય ના હોય તો તેનું મહત્ત્વ ના રહે. ભારતના એટલા મહત્ત્વને ચીને સ્વીકાર્યું છે તે નોંધપાત્ર છે. નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએની સરકારે પણ ચીન સાથેના સંબંધો માત્ર સરહદ પૂરતું ફોકસ રાખવાના બદલે ટ્રેડ અને ગ્લોબલ ડિપ્લોમસીને પણ વાઇડ એન્ગલમાં લઇ લીધી છે અગત્યનું છે.