બ્રિટને સ્ટુડન્ટ વિઝામાં ભારતને કેમ બાકાત રાખ્યું?

સૌને નવાઈ લાગી રહી છે, કે બ્રિટને સ્ટુડન્ટ વિઝા માટેના નવા નિયમો જાહેર કર્યા તેમાં ભારતીય વિદ્યાર્થીઓને કેમ બાકાત રાખ્યા. ભારત માટે આ આંચકાજનક સવાલ છે, કેમ કે ભારત અને બ્રિટન વચ્ચે સારા સંબંધો રહ્યા છે. મોટા પ્રમાણમાં ભારતીયો બ્રિટન જઇને વસ્યાં છે. ભારતથી આફ્રિકા અને આફ્રિકાથી બ્રિટન ગયેલા લોકોની સંખ્યા પણ મોટી છે. અમેરિકા અને કેનેડાની જેમ સૌથી વધુ ઇમિગ્રેશન ભારતમાંથી થાય છે.બ્રિટનની ઇકોનોમીમાં પણ ભારતીયો ફાળો મહત્ત્વનો રહ્યો છે. બ્રિટન હવે યુરોપિયન યુનિયનમાંથી નીકળી જવાનું છે. તે પછી વેપાર માટેની અનુકૂળતા ખતમ થઈ જવાની છે. તેની ભરપાઇ કરવા માટે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કરવાની પણ બ્રિટનની ઇચ્છા છે, પણ ભારતીય સ્ટુડન્ટ્સને બ્રિટને કેમ ધ્યાને ન લીધાં તે મુદ્દે સૌ ચકરાવે ચડ્યાં છે.
જોકે ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝાની મુશ્કેલી વધી છે એવી કોઈ વાત નથી. બ્રિટનના સ્ટુડન્ટ વિઝા લેવા માટે જે વિધિ કરવાની હતી તે વિધિ કરતા રહેવાની છે. તેના નિયમોમાં કોઈ ફેરફાર થયાં નથી કે વધુ કડક પણ બનાવાયાં નથી. ભારતીય સ્ટુડન્ટ્સને ઓછા વિઝા મળશે એવી વાત પણ નથી. એ જુદી વાત છે કે ભારતીય સ્ટુડન્સ્ટ્સની સંખ્યા ઘટી રહી છે, પણ તે મુદ્દાની આગળ ચર્ચા કરી છે.
અહીં મુદ્દો એ છે કે બ્રિટને સ્ટુડન્ટ્સ વિઝાના નિયમોમાં કેટલાક દેશો માટે ફેરફાર કર્યા. અમુક દેશોના વિદ્યાર્થીઓ હવે બહુ ઓછા ડોક્યુમેન્ટેશન સાથે બ્રિટનની યુનિવર્સિટીઝમાં પ્રવેશ મેળવી શકશે. આ યાદીમાં જે દેશોના નામ છે તેમાં ભારત હશે તે સહજ મનાતું હતું. પણ સહજ લાગે તેવા લોજિકથી વિરુદ્ધ ભારતનું નામ આ યાદીમાં નથી. અમેરિકા, કેનેડા અને ન્યૂ ઝિલેન્ડના સ્ટુડન્ટ્સને યુકે ભણવું હોય તો આમ પણ સહેલું હતું. આ દેશો યાદીમાં પહેલેથી જ હતાં. તે ઠીક છે, પણ Tier 4 વિઝા કેટેગરીમાં નવા દેશો ઉમેરાયા અને સૌ ચોંક્યાં. ચીન, બહેરીન અને સર્બિયા જેવા દેશોના નામ સામેલ કરાયા છે. તેનો અર્થ એ થયો કે આ ત્રણેય દેશના વિદ્યાર્થીઓ માટે નિયમો થોડા હળવા થયાં છે. ભારતના વિદ્યાર્થીઓ માટે ન થયાં.કોઈને આ વાત સમજાતી નથી, કેમ કે ભારતના વધુ વિદ્યાર્થીઓ યુકે ભણવા આવે તેમાં ફાયદો યુકેને છે. યુકેમાં ભણવા જવામાં હવે પહેલાં કરતાં ઓછા ભારતીય વિદ્યાર્થીઓને રસ છે. આ આંકડાંકીય હકીકત છે. છ વર્ષ પહેલાં કરતાં ઘણી ઓછી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ યુકે જાય છે. તેના બદલે ભારતીયો સૌથી વધુ અમેરિકા, તે પછી ઓસ્ટ્રેલિયા, ન્યૂ ઝિલેન્ડ વગેરે દેશો પસંદ કરતાં થયાં છે.
છ જુલાઇથી નવા નિયમો અમલમાં આવી રહ્યા છે. સ્ટુડન્ટ્સની ઓછી સ્ક્રૂટિની થાય તેવા દેશોની યાદીમાં 11 દેશોનો ઉમેરો કરાયો અને તે સાથે હવે 25 દેશોની સંખ્યા થઈ છે. તેનો અર્થ એ બ્રિટનમાં ભણવા આવવા માગતા આ દેશોના વિદ્યાર્થીઓના એકેડેમિક ક્વોલિફિકેશન, આર્થિક સ્થિતિ અને ઇંગ્લીશની કુશળતાની ચકાસણીમાં ઢીલ મૂકવામાં આવી છે. એવી દલિલ કરી શકાય કે ભારતના વિદ્યાર્થીઓની ઇંગ્લીશની કુશળતા પ્રથમથી જ સારી હોય છે એટલે તેમને આવી રાહત આપવાની જરૂર નથી, પણ આવી દલીલ કોઈને ગળે ઉતરી નથી.  બીજી હકીકત હજી પણ બીજા દેશોની સરખામણીમાં ભારતીય વિદ્યાર્થીઓને જ વધુ વિઝા મળવાના છે. ભારતના વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીમાં એડમિશન માટે અરજી કરે તેમાંથી 90 ટકા અરજીઓ પાસ થઈ જાય છે. તેનો અર્થ એ કે ભારતના વિદ્યાર્થીઓને કોઈ અન્યાય થયો નથી, પણ બીજા દેશોના સ્ટુડન્ટ્સ, જેમના માટે વિઝા મેળવવા મુશ્કેલ હતા તેમને સહાયરૂપ થવા રાહત અપાઇ છે. પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધો, મોટા પ્રમાણમાં એનઆરઆઇની વસતિ, સૌથી કુશળ માનવ સંસાધનમાં ભારતીયો આગળ – આ બધા વચ્ચે ભારતનું નામ ન દેખાયું એટલે પરસેપ્શનનો મામલો ઊભો થયો છે. શું બ્રિટનને ભારતીયોની લાગણીને પરવા નથી?
કોબ્રા બ્રાન્ડના લોકપ્રિય બિયરના માલિક અને યુકે ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ચેરમેન લોર્ડ કરન બિલિમોરિયા ભારે નારાજ થયા છે અને તેમણે આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે એક તરફ બ્રિટન ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ કરવાની વાત કરે છે અને ભારતીય સ્ટુડન્ટ્સને રાહત આપવાની વાત આવી ત્યારે ભારતને ભૂલી ગયા તે બહુ વિચિત્ર છે. તે લોકો આવી રીતે ભારતને ટ્રીટ કરશે તો એગ્રિમેન્ટ કરવાનું સપનું ભૂલી જાય તેવી ચેતવણી પણ બિલિમોરિયાએ આપી.
યુકેના નેશનલ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એન્ડ એલ્મનાઇ યુનિયન દ્વારા પણ નિરાશા વ્યક્ત કરવામાં આવી હતી. તેમના કહેવા પ્રમાણે આ યાદીમાં ભારતને ન મૂકાયું તેના સૂચિતાર્થો એવા થાય છે કે ભારતીય સ્ટુડન્ટ્સ હાઇરિસ્ક કેટેગરીમાં આવે છે. આ ચલાવી લેવાય નહીં એવો સૂર ઊઠ્યો છે. ચીન ઠીક છે, પણ બહેરીન અને સર્બિયાના વિદ્યાર્થી કરતાં પણ ભારતીય વિદ્યાર્થીની વધારે ચકાસણી કરવાની વાત સહન થાય તેમ નથી.
યુકેની યુનિવર્સિટીમાં ભણવા આવતા વિદ્યાર્થીઓમાં ભારતીયો ત્રીજા નંબરે આવે છે. ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સના જણાવ્યા અનુસાર ચીન, અમેરિકા પછી ભારતના સૌથી વધુ વિદ્યાર્થીઓ બ્રિટનની યુનિવર્સિટીઓમાં એડમિશન લે છે. 2017માં ભારતમાંથી 15,171 વિદ્યાર્થીઓએ Tier 4 કેટેગરીમાં વીઝા મેળવ્યા હતા. આગલા વર્ષ કરતાં 30 ટકા વધુ ભારતીય વિદ્યાર્થીઓને વીઝા અપાયા હતા. આ વર્ષે પણ કદાચ ભારતીય વિદ્યાર્થીઓને 30 ટકા વધુ વીઝા મળશે. એ રીતે દેખીતું નુકસાન નથી, પણ એ વિચારવા જેવું છે કે છ વર્ષ પહેલાં ભારતમાંથી 30,000 સ્ટુડન્ટ્સ યુકેમાં ભણવા ગયા હતા. તેના કરતાં આ સંખ્યા અડધી થઈ ગઈ છે. યુકેની યુનિવર્સિટીઓ પણ ઇચ્છે છે કે ભારતમાંથી વધારે સ્ટુડન્ટ્સ આવે. કેમ કે દેશની ઉચ્ચ શિક્ષણની સ્થિતિ ડામાડોળ છે અને સરકારી ભંડોળ પૂરતું ના હોવાથી વિદેશી વિદ્યાર્થીઓની જરૂર છે. ભારતીય વિદ્યાર્થીઓને ફરી આકર્ષવા અને ફરી તેની સંખ્યા 30,000થી વધી જાય તેવા પ્રયાસો યુકે કેમ નથી કરતું તે ત્યાંના લોકોને પણ નથી સમજાતું.
બ્રિટનના યુનિવર્સિટી માટેના મંત્રાલયના પ્રધાન સેમ ગીમાને પણ આ જ બાબતની ચિંતા છે. તેઓ કહે છે કે છેલ્લા છ વર્ષેમાં ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યા અડધી થઈ ગઈ છે તે ચિંતાનું કારણ છે. અહીંની યુનિવર્સિટીઓને ચિંતા છે કે ભારતીય વિદ્યાર્થીઓ યુએસ અને ઓસ્ટ્રેલિયા જ પસંદ કરી રહ્યા છે. ફ્રાન્સ અને જર્મની પણ જાય છે, પણ બ્રિટન આવવા તૈયાર નથી. આમ છતાં સરકાર કેમ ભારતને ભૂલી ગઈ તે બ્રિટનના શિક્ષણશાસ્ત્રીઓને પણ સમજાતું નથી.
11 દેશોનો ઉમેરો થાય અને ભારતનો ઉમેરો ન થાય તે લોજિક ગળે ઉતરતું નથી. જોકે બ્રિટનના ગૃહ વિભાગે એવો બચાવ કર્યો કે ભારતીય વિદ્યાર્થીઓને પહેલાંની જેમ જ વિઝા મળતા રહેશે. યુએસ અને ચીન પછી સૌથી વધુ વિઝા ભારતીય સ્ટુડન્ટ્સને અપાય છે તે તરફ ધ્યાન દોરવામાં આવ્યું, પણ મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે 11 દેશો સાથે યાદી લાંબી થતી હોય ત્યારે ભારત તેમાં ન હોય ત્યારે ભારતે વિરોધ કરવો રહ્યો. 2013માં 83 ટકા, 2014માં 86 ટકા અને તે પછી હવે ભારતીય વિદ્યાર્થીઓની 90 ટકા અરજીઓ પાસ કરી દેવાય છે તે બાબત પર ગૃહ વિભાગ ભાર મૂકી રહ્યો છે, પણ ટીકા બંધ થતી નથી.કેટલાક જાણકાર સૂત્રો એવું કહે છે કે બ્રિટને જાણી જોઈને ભારતને યાદીમાં લીધું નથી. કેમ કે બીજા કેટલાક મુદ્દે ભારત સાથે વાટાઘાટો ચાલે છે તે ભારત મચક આપતું નથી. જેમ કે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પાછા લેવાના મુદ્દે ભારત સહકાર નથી આપતું તેમ બ્રિટનની થેરેસા મેની સરકારને લાગે છે. આ માટેનો મુસદ્દો આ વર્ષની શરૂઆતમાં તૈયાર કરાયો હતો, પણ ભારત તેના પર સહી કરવા રાજી નથી. બ્રિટને ફ્રાન્સ સાથે આવો એક કરાર કર્યો છે, જેમાં ફ્રાન્સના નાગરિકો ગેરકાયદે રીતે બ્રિટનમાં હોય તો તેને પરત લેવાના. પણ ભારતીય અધિકારીઓ કહે છે કે ફ્રાન્સ જેવો કરાર કરવામાં ભારતને મુશ્કેલી થાય તેવું છે. ભારત એવી દલીલ કરે છે કે બ્રિટને પહેલાં પોતાના વિઝાના નિયમો મુક્ત કરવા જોઈએ. હળવા નિયમો પ્રમાણે પણ જેમને વિઝા કે વસવાટ ન મળે તે પછી ભારત પોતાના નાગરિકો વિશે વિચારી શકે. ફ્રાન્સ સહિતના યુરોપિયન નાગરિકો માટે વિઝા અને ઇમિગ્રેશનના હળવા નિયમો છે જ, પણ ભારત જેવા દેશોના નાગરિકોને તેનો લાભ મળતો નથી એમ કેટલાક જાણકારો કહે છે.
સ્ટુડન્ટ્સ વીઝામાં ભારત ત્રીજા સ્થાને છે, તે જ રીતે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સમાં પણ સૌથી વધુ ભારતીયો છે. યુકે સરકારના અંદાજ પ્રમાણે 70 હજારથી એક લાખ જેટલા ગેરકાયદે ભારતીય વસાહતીઓ છે, તેમાંથી 70થી 75 ટકા માત્ર પંજાબના છે. બીજા નંબરે નાઇજિરિયન અને પાકિસ્તાનીઓ આવે છે, જેમની સંખ્યા 30 હજારથી 40 હજારની છે. ભારત કહે છે કે આટલા બધા ગેરકાયદે ભારતીય નાગરિકો યુકેમાં હોય તેવું માની શકાય તેમ નથી. ભારત આ આંકડો સ્વીકારવા તૈયાર નથી. ભારતમાંથી વિદ્યાર્થી તરીકે ગયા પછી ઘણા બધા ત્યાં જ કામ કરવા માટે રહી જાય છે. કાયદેસર કે ગેરકાયદે રીતે વિઝા લંબાવતા જાય છે અથવા વિઝા પૂરા થયા પછી પણ પરત ભારત જતા નથી. તેથી ગેરકાયદે વસાહતીઓના મુદ્દા સાથે ભારતીય સ્ટુડન્ટ્સના વિઝાનો મુદ્દો આડકતરી રીતે સંકળાયેલો છે.
જોકે સત્તાવાર રીતે આવું કોઈ કારણ અપાતું નથી. ભારત પણ સત્તાવાર રીતે આ બે મુદ્દાને જોડી શકે તેમ નથી. બીજું ભારતીયો વિદ્યાર્થીઓને બ્રિટન જવું હોય તો જવા મળે છે તે પણ હકીકત છે. લગભગ 10 ટકા અરજીઓ જ રિજેક્ટ થાય છે. પહેલાં કરતાં ઓછી સંખ્યામાં ભારતીય સ્ટુડન્ટ્સ યુકે જવા માગે છે તે વાત પણ સાચી. આ બધી વાત સાચી, પણ લો રિસ્ક સ્ટુડન્ટ્સ માટેની કેટેગરીમાં બ્રિટન 11 દેશોને ઉમેરે, તેમાં બહેરીન અને સર્બિયાને પણ ઉમેરે, પણ ભારતને ન ઉમેરે તો ભારતીયોમાં ગણગણાટ તો થવાનો જ.