સિંગાપોરમાં ટ્રમ્પ અને કિમના હમશકલ…

સિંગાપોર – દુનિયામાં અણુશસ્ત્રોનો નાશ કરી વિશ્વશાંતિના ઉદ્દેશ્ય સાથે વ્યક્તિગત શિખર મંત્રણા માટે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉન આજે સાંજે અહીં આવી પહોંચ્યા છે. આ બેઠક 12 જૂનના મંગળવારે સવારે અત્રેની કપેલા હોટેલ ખાતે સવારે 9 વાગ્યાથી શરૂ થશે. આ ઐતિહાસિક શિખર બેઠક આખા વિશ્વની નજર છે ત્યારે સિંગાપોરમાં આ બંને નેતાઓના હમશકલો પણ ન્યૂઝમાં ચમક્યા છે અને લોકોમાં ભારે રોમાંચ જગાવ્યો છે.

કિમ જોંગ-ઉન જેવા દેખાતા માણસનું નામ છે લી હાવર્ડ હો વુન જ્યારે ટ્રમ્પ જેવા દેખાતા માણસનું નામ છે ડેનિસ એલન. હાવર્ડ ઓસ્ટ્રેલિયાનો કોમેડિયન છે.

હાવર્ડ જ્યારે સિંગાપોરના મેર્લિયોન પાર્ક ખાતે ગયો હતો ત્યારે ત્યાં હાજર લોકો એને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

હાવર્ડ જ્યારે ગયા શુક્રવારે સિંગાપોર આવી પહોંચ્યો હતો ત્યારે ચાંગી એરપોર્ટ પર એને સત્તાવાળાઓએ અટકાવ્યો હતો અને કલાકો સુધી પૂછપરછ કરી હતી. અધિકારીઓને સંતોષ થયો એ પછી જ એને સિંગાપોરમાં પ્રવેશવા દીધો હતો.

હાવર્ડે કહ્યું છે કે પોતે આવનારા દિવસોમાં રાજકીય કટાક્ષના કોમેડી કાર્યક્રમો યોજવા ધારે છે. આ વખતે તો એની સાથે ટ્રમ્પ જેવો દેખાતો ડેનિસ એલન પણ છે.

આ બંને જોકે ટ્રમ્પ અને કિમ જોંગ-ઉન વિરુદ્ધ કોઈ પ્રકારના દેખાવો કે વિરોધ-પ્રદર્શન કરવાના નથી.