યોગ એ સાર્વત્રિક મૂલ્ય પ્રણાલી સાથેનું વિજ્ઞાન છે…

ઝડપથી જીવી લેવા, વધુ પામવા માટે, બધું હાંસલ કરવા માટે, જીવનને શાંતિનો ભોગ આપવો પડે છે. અહીં એક નાનું દ્રષ્ટાંત આપવું છે. રમેશ બગીચામાં ચાલવા ગયો સુંદર લીલોતરી, સુંદર ફૂલો, પક્ષીઓનો કલરવ અને બગીચાની વચ્ચે નાનું તળાવ. હજુ આ બધું જુએ એ પહેલાં એની નજર એક માણસ પર પડી- અપટુડેટ કપડા, સરસ બૂટ પહેરેલા હતા અને માણસ એનાથી અડધો કિલોમીટર દુર ચાલી રહ્યો હતો. રમેશને થયું આ ચાલે છે એના કરતાં તો વધારે હું સ્પીડમાં ચાલી શકુ છું. અને એને પાછળ પાડી દઈશ. અને રમેશ હવે ઝડપથી ચાલવાનું ચાલુ કર્યું, સ્પીડ વધારી વધારીને થોડી મિનિટમાં જ પેલા માણસ ને પાછો પાડી દીધો.

પોતે આગળ નીકળી ગયો એ વિચારથી રમેશ ખુશ થઈ ગયો. અને આગળ જતાં રમેશે વિચાર્યું કે મેં આ શું કર્યું? પેલા માણસને પાછો પડવામાં મારે બહાર નીકળવાનો ઝાંપો જ ચૂકી ગયો, એને પાછો પડવામાં આ બગીચાના ફૂલો જોવાનું ચૂકી ગયો, એને પાછો પડવામાં પક્ષીઓનો કલરવ અને આ મોસમને માંણવાનું ચૂકી ગયો, એને પાછો પાડવામાં મારી મનની શાંતિ હું ચૂકી ગયો. એને કોઈ નુકસાન ન થયું, નુકસાન તો મને થયું છે. વાર્તા અહીં પૂરી થાય છે.

આપણે ક્યાંક આવું નથી કરતાને? સગાવહાલાની સાથે દેખાદેખી, મિત્રો સાથે હરીફાઈ, હંમેશા બીજાને પાછા પાડવાની દોડમાં આપણે ક્યાંક જીવન જીવવાનું ભૂલી જઈએ છીએ. આ બધામાં યોગ ક્યાં મદદરૂપ થઈ શકે?

યોગની નિયમિત પ્રેક્ટિસ સાતત્યતા જાળવીને કરેલો અભ્યાસ- આરોગ્ય, સુખાકારી,ચારિત્ર્યની શક્તિ, અને માનસિક શક્તિ સામાન્ય વ્યવસાયને પણ આપે છે. તે સાંસારિક જીવનની કસોટીનો સામનો કરવા માટે હિંમત અને મનોબળ આપે છે. અને વધુ યોગનો અભ્યાસ કરનારને આત્મસાક્ષાત્કારનો માર્ગ પણ બતાવે છે.

યોગ એ ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે. એવું માનવામાં આવે છે કે યોગી માનવજાતિ પર સર્જક ભગવાન બ્રહ્મા દ્વારા આપવામાં આવેલી એક સુંદર ભેટ છે. હજારો વર્ષોથી વૈદિક ગ્રંથો દ્વારા જુદા-જુદા વિષયો અને તેના સિદ્ધાંતોનું જ્ઞાન આપણને આપ્યું છે. તેમાં ઋષિ પાંતાજલિ દ્વારા ૨૦૦ B C કાળમાં આપણને યોગશાસ્ત્ર અપાયું છે. યોગશાસ્ત્રમાં 196 યોગસૂત્ર છે. આ વિષય સાથે કામ કરતી અનેક અસંખ્ય કૃતિઓ યોગસૂત્રનું અનુસરણ કરે છે. યોગ ઉપનિષદ, યોગ સંહિતા, હઠયોગ પ્રદીપિકા, ઘેરંડ સંહિતા, શિવ સંહિતા. યોગની પ્રથા યુગોમાં બદલાય છે અને વિકસિત થઈ છે. જીવન ઝડપથી જીવી લેવા યોગ માત્ર વ્યક્તિને શારીરિક બૌધિક નૈતિક અને આધ્યાત્મિક સ્તરમાં પરિવર્તિત કરે છે એવું નથી. પરંતુ તે એક સંપૂર્ણ સંસ્કૃતિને ઉત્થાન કરવાની શક્તિ પણ ધરાવે છે. પ્રાચીન કાળથી આ વિષય પ્રત્યેની રુચિની તુલના કરવામાં આવી હોવા છતાં છેલ્લા ૫૦ કે તેથી વધારે વર્ષોમાં તેની લોકપ્રિયતામાં વધારો થયો છે, પરંતુ અમુક લોકો તણાવ અને અસ્વસ્થતામાંથી અને પીડામાંથી મુક્તિ મેળવવા માટે મુખ્ય એ યોગ તરફ વળે છે.

યોગની વ્યાખ્યા જોકે ઘણીવાર અસ્પષ્ટ હોય છે. કેટલાક લોકો વ્યાયામનું હળવું સ્વરૂપ જે ફક્ત વૃદ્ધ લોકો માટે જ યોગ્ય છે એવું સમજે છે. કે કેટલાક લોકો તે માત્ર ધ્યાનની પ્રકિયા છે તેમ સમજાય છે. યુવાનો તેને વધુ નરમ ખેંચાણની ક્રિયા માને છે.સત્ય એ છે કે, યોગને આવા સુપરફિશિયલ તત્વોમાં ઘટાડી શકાતું નથી. યોગ એ સાર્વત્રિક મૂલ્ય પ્રણાલી સાથેનું એક સંપૂર્ણ વિજ્ઞાન છે.

લેખની શરૂઆતમાં એક નાનું દ્રષ્ટાંત આપ્યું છે. તે ફરી યાદ દેવડાવવું, કે માણસના સ્વભાવમાંથી ઈર્ષા, દ્વેષ,ક્રોધ ઓછા કરવા માટે કોઈ દવા હજુ શોધાઈ નથી. પણ હા દરોજ નિયમિત યોગ આસન, પ્રાણાયામ, ધ્યાન, રિલેક્સેશન અને શુદ્ધિકરણની ક્રિયા કરવાથી ચોક્કસ સ્વભાવ બદલાઈ જાય છે આ અનુભવેલા દાખલા છે કોઈ પુસ્તકીયુ જ્ઞાન નથી કહેતી.

(હેતલ દેસાઇ)

(અમદાવાદસ્થિત હેતલ દેસાઇ એ યોગ અને વેલનેસ ક્ષેત્રે જાણીતું નામ છે. છેલ્લાં વીસ વર્ષથી આયંગાર યોગની તાલીમ આપીને યોગ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં એમનું નોંધપાત્ર યોગદાન છે. ટેલિવિઝન પર એમના 2500 થી વધારે એપિસોડ પ્રસારિત થઇ ચૂક્યા છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન સહિત અને જાહેર પ્લેટફોર્મ પર એ યોગ અંગે લેક્ચર્સ આપી ચૂક્યા છે. અમદાવાદસ્થિત SGVP હોલિસ્ટીક હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]