આલાપ,
ક્યારેક વિચાર આવે કે દુનિયામાં આપણી એન્ટ્રી અને એક્ઝિટ બેમાંથી કઈજ આપણી ઈચ્છા મુજબ નથી થતું, છતાં આપણે આપણી ઈચ્છા મુજબ જ જીવવા માંગીએ છીએ. સમય, સ્થિતિ અને સંબંધો બધુજ આપણી ઈચ્છા મુજબ હોય. બધું આપણને ગમતું થાય અને એ જ રીતે એક્ઝિટ કરીએ એવી દરેકની તમન્ના હોય છે.
આજે સવારે અરીસા સામે ઊભા રહીને ધ્યાનથી જોતાં ખ્યાલ આવ્યો કે વાળની એક લટ પર સફેદીએ મુકામ કર્યો છે. વધતી ઉંમરની ચાડી ખાતી આ લટ જોઈને અરીસાની સામે પારથી જાણેકે તું મને કહી રહ્યો હતો. “સારું, આ શું? તું ઘરડી થઈ ગઈ? તારા વાળમાં આ સફેદી ક્યાંથી આવી? કોને પૂછીને આવી? અને તું કઈ હજી એટલી મોટી તો નથી કે તને આમ ઘડપણ આંબી જાય. હું હળવા સ્મિત સાથે તારા વાળની ઊડતી સફેદ લટ પર હાથ ફેરવવા હાથ લંબાવું છું ત્યાં તો તું ગાયબ ને હું ઉતરેલા ચહેરે યાદ કરું છું એ દિવસોને.
આપણાં પહેલા પહેલા પ્રેમના એ ભીના ભીના દિવસો હતા. વનવગડાના કેસુડા માફક આપણો પ્રેમ ફૂલી ફાલીને આપણને અલગ જ સૌંદર્ય આપી રહ્યો હતો. ફાગણિયા વૈભવ જેવા કેસૂડાની જેમ આપણો સંબંધ પણ યુવાનીનો વૈભવ હતો. એ જંગલી વિસ્તારમાં ફરતાં ફરતાં મારી ઊડતી લતોને સરખી કરતાં તે કહેલું, “સારું, આ તારા લાંબા કાળા ઘટાદાર કેશ મારુ સુખનું સરનામું છે. ઉંમર તારા વાળમાં સફેદી બનીને મુકામ કરશે ત્યારે એને સૌ પહેલો જોનાર હું હોઈશ. તારા વાળની સફેદી તને કંઈક અલગજ આભા આપશે. તારો ઠસ્સો અલગ જ હશે અને હું એ લટનો એકમાત્ર આશિક હોઈશ.
સાચું કહું તો મને આ તારી લટની લત લાગી ગઈ છે. મને તારી ઢળતી જુવાનીનું આ એંધાણ જોવાનો મોકો આપીશ ને? મારે તારી સાથે વૃદ્ધ થવું છે.” તારી આ દિવાનગીને હું આંખોથી પી રહેલી. પણ, વખત ક્યાં ક્યારેય કોઈનો થયો છે. સમય દગાબાજ છે એવું હું કાયમ તને કહેતી અને આ જો સમયે એની સાબિતી આપી. આપણે અલગ થયા અને સાથે વૃદ્ધ થવાનું સપનું અકાળે મૃત્યુ પામ્યું. પણ આજે પહેલીવાર મારા વાળ પર સફેદી બેઠી છે એ જોઈને મને થાય છે કે…
ધારો કે મારી પહેલી સફેદ લટનો તું સાક્ષી બની શક્યો હોત તો..!!
આલાપ, તો હું ક્યારેય એ સફેદીને ઢાંકવાનો વિચાર ન કરત કારણ કે એ સફેદી ઉંમરની ન હોત. મારી એ લટમાં સતત ફરતા રહેતા તારા હાથને કારણે એ લટનો રંગ ઉતરી ગયો હોત અને એ સફેદી તારા વ્હાલનું પ્રતીક હોત. જો એવું થયું હોત તો જ્યારે જ્યારે તું મારા ખોળામાં માથું રાખીને તારો થાક ઉતારતો હોત ત્યારે હું તને એ સફેદ લટ વડે પ્રેમનો આસવ પીવડાવતી હોત. પહેલવહેલી સફેદ લટ એ વાતનો સંતોષ આપતી હોત કે આપણે સાથે વૃદ્ધ થવાનો કોલ નિભાવી શક્યા.
હું ઊંડા નિઃશ્વાસ સાથે મારી ઊડતી સફેદ લટને બાંધું છું અને અરીસામાં દેખાઈ રહેલા તને ઠપકો આપતા કહું પણ છું, “આલાપ, આવા સપનાં બતાવીને શીદ ચાલ્યો ગયો? કેટકેટલી રૂપાળી ઈચ્છાઓ સેવેલી એ તમામ ઇચ્છાઓનું રૂપ આજે મારી લટમાં આવીને સમાઈ ગયું. ને ત્યાં જ હર્ષદ ત્રિવેદીની એક પંક્તિ હોઠ પર આવી ગઈ. કેટલી ગહન વાત લખી છે…
રેતમાં ચાલ્યા કરે છે એ જ બસ મોંકાણ છે,
આપણી ઇચ્છાનું બાકી તો રૂપાળું વહાણ છે.
–સારંગી.
(નીતા સોજીત્રા)