નહેરુએ દેશને બે વખત વહેંચ્યોઃ PM મોદીનો કોંગ્રેસ પર હુમલો

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) ના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનું મંગળવારે સત્તારૂઢ ગઠબંધનના સાંસદોની બેઠકમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અનેક કેન્દ્રીય મંત્રી સહિત ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. PM મોદીએ સી.પી. રાધાકૃષ્ણનને તમામ સાંસદો સાથે પરિચય કરાવ્યો. એ દરમિયાન PM મોદીએ રાધાકૃષ્ણનની પ્રશંસા કરતાં તેમને એક જમીન સાથે જોડાયેલા નેતા તરીકે ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પંડિત જવાહરલાલ નહેરુએ દેશને બે વખત વહેંચ્યો.

NDA સાંસદીય દળની બેઠકમાં PM મોદીએ કહ્યું હતું કે દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ એક વખત દેશનું વિભાજન કર્યું અને બીજી વાર પણ વિભાજન કર્યું. બીજા વિભાજનમાં તેમણે સિંધુ જળ સંધિ હેઠળ 80 ટકા પાણી પાકિસ્તાનને આપી દીધું. નહેરુએ પોતાના સચિવ મારફતે પોતાની આ ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે તેનો કોઈ ફાયદો થયો નહીં. PM મોદીએ કહ્યું કે આ સંધિ ખેડૂતવિરોધી હતી.

કોંગ્રેસ પર કર્યો હતો પ્રહારસ્વતંત્રતા દિવસના અવસરે પણ વડા પ્રધાન મોદીએ સિંધુ જળ સંધિને લઈને નહેરુ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે  દેશવાસીઓને સારી રીતે ખબર પડી ગઈ છે કે સિંધુ સંધિ કેટલી અન્યાયપૂર્ણ છે, કેટલી એકતરફી છે. ભારતમાંથી નીકળતી નદીઓનું પાણી દુશ્મનનાં ખેતરોને સીંચે છે અને મારા દેશના ખેડૂત, મારા દેશની ધરતી પાણી વગર તરસી રહી છે. આ એવી સંધિ હતી, જેણે છેલ્લા સાત દાયકાથી મારા દેશના ખેડૂતોને અકલ્પનીય નુકસાન પહોંચાડ્યું છે. હવે હિંદુસ્તાનના હકનું જે પાણી છે, તેના પર અધિકાર ફક્ત હિંદુસ્તાનનો છે, હિંદુસ્તાનના ખેડૂતોનો છે. ભારત કેટલાય દાયકાઓ સુધી સિંધુ સંધિના આ સ્વરૂપને સહન કરતું આવ્યું છે, પરંતુ હવે એ સ્વરૂપને આગળ સહન કરવામાં નહીં આવે. ખેડૂત હિતમાં, રાષ્ટ્ર હિતમાં, આ સંધિ અમને માન્ય નથી.