આલાપ,
ઉંમરનો આખરી પડાવ સુખ-દુઃખ, સત્ય-ભ્રમ અને મળ્યું-ગુમાવ્યુંનાં લેખા-જોખાનો સમય હોય છે. આ ઉંમર જાત સાથેના સંવાદની હોય છે. સતત બોલ્યા કરતો માણસ પણ આ ઉંમરે મૌન ધારણ કરી લેતો હોય છે. મેં ક્યારેય નહીં વિચારેલું કે મારા જીવનમાં આ સમય ભરજુવાનીમાં આવી જશે.
આમ તો હું શબ્દની ચાહક, ઉપાસક અને સાધક. શબ્દો જ મારું વિશ્વ. સમજણની પાંખો ફૂટી ત્યારથી વાણી કરતાં વધુ મહત્વ લેખનને આપેલું. જીવનના તમામ અનુભવો, વિસ્મયો, નારાજગી, ખુશી – બધું જ શબ્દોમાં ઢાળતી. મને હંમેશ એવું લાગતું કે શબ્દોમાં ગજબની તાકાત હોય છે. મેઘધનુષ્ય વિશે લખતા હોઈએ ત્યારે કાગળ પર જાણે કે મેઘધનુષ્ય ચિતરેલું દેખાય એ શબ્દોની કારીગરી.
આપણાં પ્રણયને શબ્દોની પાંખો વડે જ્યારે આકાશમાં વિહરતો મૂકેલો ત્યારે તેં મને કહેલું, ‘સારું, આટલા વર્ષો તે કાગળ અને કલમથી કામ લીધું પરંતુ હવે તારી જિંદગીમાં હું આવ્યો છું. હવે તારે વાણીથી-વર્તનથી શબ્દોને અભિવ્યક્ત કરવાના છે. મને બોલકી વ્યક્તિ વધુ ગમે છે અને તું તો રૂપાની ઘંટડી જેવા અવાજની માલિક છે, તારે તો સતત બોલતા રહેવું જોઈએ.‘ હું મારી જાતને દુનિયાની સૌથી સુખી વ્યક્તિ સમજવા લાગી હતી એ દિવસે. ધીમે ધીમે મેં બોલવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે આજ સુધી જેને હું શક્તિની વ્યય સમજતી હતી એ બોલવું તો કેટલું ચમત્કારિક છે. મારા જીવનમાં તારા આગમને મને – મારી આંખોને બોલતી કરી દીધી. પછી તો દરરોજ સાંજે કલાકો સુધી કોફી હાઉસ કે દરિયા કિનારે, પબ્લિક ગાર્ડન કે ઘરની બાલ્કની- દરેક જગ્યા મારા અવાજથી જીવંત બનતી રહી.
સમય બદલાયો. અચાનક એક આંધી આવી અને મારું ભાવ વિશ્વ તહસ નહસ કરી ગઈ. લાગણીનો છલકતો દરિયો અચાનક પૂર બનીને મારા કલશોરને તાણી ગયો અને હું ફરીથી એ જ ચુપકીની અવસ્થામાં. જ્યારે બોલકી વ્યક્તિ ચૂપ થઈ જાય છે ત્યારે એનો અવાજ આંખોથી અશ્રુ બનીને વહે છે. મને બોલતી કરનાર તું અગમ્ય કારણોસર મારી વાચા હરીને દૂર દૂર જતો રહ્યો. એટલો દૂર કે જ્યાં મારી કારમી ચીસો પણ તને ન સંભળાઈ. ચીસની વેદનાએ મને હંમેશ માટે ફરી મૌન કરી દીધી.
ધારો કે તેં વાણી સાથે મને પરિચય જ ન કરાવ્યો હોત તો… તો હું આજે હું મારા કાગળ અને કલમના વિશ્વમાં જીવતી હોત. બોલીને અભિવ્યક્ત કરવાની તારી ઘેલછાએ મને મારા શબ્દોથી અભિવ્યક્ત થવાની આવડત છીનવી લીધી. હવે આજે આટલા વર્ષો પછી મન તરફડે છે કશુંક કહેવા. તને કહું? મારા માટે લોકો એવું જ વિચારે છે કે હું ખૂબ જ મિતભાષી છું. મારા મૌનને સમજવાની કે સાંભળવાની આવડત કોઈ પાસે નથી . આજે મને રાડો પાડીને કહેવાનું મન થાય છે કે મારા મૌનને અનુભવો, એને સાંભળો, એને સ્પર્શો, એને પણ ઘણું કહેવું છે.
આલાપ, તું દુનિયાની એ એકમાત્ર વ્યક્તિ છે જેને મારું મૌન સમજાય છે, સંભળાય છે. તું આવ અને કહી દે દુનિયાને ડૉ. મહેશ રાવલના આ શે‘ર જેવું કંઈક…
મૌન પણ બહુ બોલકું છે,સાંભળ્યું છે કોઈએ?
ખોતરો છો શબ્દ એમજ, ખોતર્યું છે કોઈએ?
–સારંગી.
(નીતા સોજીત્રા)