કોરોનાએ ઊભાં કરેલા સંકટમાં પ્રેમનું મહત્ત્વ

આજે જનતા કર્ફ્યૂના દિવસમાં કેવી રીતે રહેવું એની દસ શ્રેષ્ઠ ટીપ્સ…

નોવેલ કોરોના વાઈરસને કારણે આપણે સૌ અભૂતપૂર્વ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ ત્યારે આજે સવારે હું આ લેખ લખતી હતી. લોકડાઉન, ક્વોરન્ટીન અને કોરોના જેવા શબ્દો આપણે અગાઉ ક્યારેય સાંભળ્યા નહોતા. મને યાદ નથી કે મેં ક્યારેય દેશવ્યાપી ‘જનતા કર્ફ્યૂ’ વિશે સાંભળ્યું હોય.

હું આ કોલમ સિંગાપોરમાંથી લખી રહી છું, જ્યાં અમે ચાર મહિના કરતાંય વધારે સમયથી આ વાઈરસનો સામનો કરી રહ્યા છીએ. આ સંકટના સમયગાળા દરમિયાન આપણે સૌ માનસિક રીતે દ્રઢ બન્યા છીએ, વધારે સંવેદનશીલ બન્યા છીએ અને વધારે સુસજ્જ બન્યા છીએ. આજે હું એવી આશા સાથે મારાં અનુભવો શેર કરું છું જે તમને અને તમારી આસપાસનાં લોકોને સ્વસ્થ, આનંદિત રહેવામાં તેમજ સેલ્ફ-આઈસોલેશનમાં રહેવામાં મદદરૂપ થશે.


૧. સામાજિક મુલાકાતોથી દૂર રહોઃ

મહેરબાની કરીને આના મહત્ત્વને જરાય ઓછું આંકતા નહીં, કારણ કે આ વાઈરસના ફેલાવાની ચેનને તોડવા માટે આ સૌથી શક્તિશાળી ઉપાય છે. ઘરમાં જ રહો. આ સ્વૈચ્છિક કર્ફ્યૂને હું આધ્યાત્મિક બનવાના એક આમંત્રણ તરીકે ગણું છું.

  • આ દિવસનો ઉપયોગ તમારા માટે એક વિશેષ ભેટ તરીકે કરો
  • દિવસનું વ્યવસ્થિત રીતે આયોજન કરો જેથી તમને એ પ્રમાણે આગળ વધવામાં સહાયતા મળી રહે અને તમને તમારા મિત્રો સાથે ફોન પર વાતચીત કરવાનો સમય પણ મળી રહે.
  • યોગાસન કરો
  • તમારું મનપસંદ પુસ્તક વાંચો
  • ધ્યાન ધરો
  • કોઈના પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરતી નોંધ લખો અથવા તમારા વિચારોને લખો
  • તમારું મનપસંદ સંગીત સાંભળો
  • તમારી આસપાસ સકારાત્મક ઊર્જા અને પ્રેમનું વાતાવરણ બનાવો

૨. સ્વચ્છતા જાળવોઃ તમારા હાથને પાણીથી ધોતા રહીને જંતુમુક્ત રાખો અથવા કોઈ સેનિટાઈઝર્સથી સાફ કરતા રહો, ખાસ કરીને જ્યારે તમે તમે ઈલેક્ટ્રિક સ્વિચીસને, લિફ્ટના બટન્સને અથવા અન્યોએ ઉપયોગમાં લીધેલી ચીજો જેવી કે, હોમ કમ્પ્યુટર, ટોઈલેટ કે દરવાજાના હેન્ડલ્સને અડકવાના હો ત્યારે. ઉધરસ આવે ત્યારે તમારા મોઢાને ઢાંકેલું રાખો, તમારા હાથને સાબુ અને પાણીથી નિયમિત રીતે – લગભગ 20 સેકંડ સુધી ધોતા રહો. તમારા અંગત વપરાશની ખાદ્યચીજો, ક્રોકરી, વાસણો તથા અન્ય ચીજોને બીજાઓ સાથે શેર કરશો નહીં.

 


૩. રોગપ્રતિકારક શક્તિ વધારતી કસરત કરોઃ

ઘરમાં જ કસરત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. સ્નાયૂઓને મજબૂત કરવા તેમજ શ્વાસોચ્છવાસની કસરત કરતા શીખો. આ માટે મારી આ વેબસાઈટની મુલાકાત લોઃ  www.pragyayoga.com અથવા મને તમારા ઈમેલ એડ્રેસ સાથે અહીં ઈમેલ કરોઃ yogawithsujata@gmail.com – તમે મારી સાથે અડધો કલાકના મોડ્યૂલમાં જોડાઈ શકો છો જેમાં હું શારીરિક શક્તિ, માનસિક દ્રઢતા કેમ વધારવી તથા શરીરમાં લવચીકતા કેમ લાવવી એ શીખવું છું. આ આખા અઠવાડિયા માટે તમામ લોકો માટે આ ક્લાસ ખુલ્લા છે.


૪. અલગ રહેવાનો મતલબ એકાંત નથીઃ

આ વાઈરસ યુવા વ્યક્તિઓ કરતાં મોટી ઉંમરના લોકોને વધારે અસર કરે છે. તમારે તમારા પરિવારમાં મોટી ઉંમરની વ્યક્તિઓને મદદ કરવી જોઈએ – રસોઈ બનાવીને અને એમની સંભાળ લઈને, એમને લાગણીપૂર્વક ભેટીને અથવા એમની બાજુમાં બેસીને. પ્રેમ અને દયાળુપણું બતાવવાના ઘણા રસ્તા છે.


૫. ઉત્તમ આહાર અને પૂરકઆહારઃ

તુલસી, મોરિંગા, લેમનગ્રાસ કે આમળા જેવી વનસ્પતિઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉત્તમ છે. તાજા લીંબુ, આમળા કે સંતરા જેવા સાઈટ્રસ ફળો અથવા સંતરાના સ્વાદવાળા પાવડર કે ગોળીઓના રૂપમાં વિટામીન-C લેવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધી શકશે. શરીરને વધારે આલ્કલાઈન કરવા માટે જેઠીમધનો ઉપયોગ કરવો તેમજ ઝીંક અને D3 પણ પૂરક આહાર તરીકે સરસ રહેશે. જો તાજા ખાદ્યપદાર્થો આસાનીથી ઉપલબ્ધ ન હોય તો રસોડામાં એવી ચીજ બનાવો અને ચોખા, મસૂર, કઠોળ, લોટ જેવી તાત્કાલિક બગડે નહીં એવી ચીજવસ્તુઓ સાથે રાંધો, જેમ કે ખીચડી મિક્સ. દાળ કે શાકભાજી વધારે પ્રમાણમાં બનાવી રાખો અને પછી એને ફ્રીઝમાં મૂકી રાખો. મમરા, સીંગદાણા, ખજૂર જેવી ચીજવસ્તુઓ નાસ્તાની જેમ ખાઈ શકાય. હાઈડ્રેટેડ રહેવું. પાણી પીતાં રહેવું તથા અન્ય પ્રવાહી લેતા રહેવું. ઘરમાં બનાવેલી ચીજવસ્તુઓ ખાવાનો અને તંદુરસ્ત રહેવાનો આ સરસ સમય છે.


૬. સ્વસ્થ માનસિક આદતો પાડોઃ

આ મુક્ત મળેલા સમયનો ઉપયોગ શરીરને ફરી જોમવંતુ કરવા, એને આરામ આપવા માટે કરો. કંઈક નવું શીખો અથવા તમારા મનપસંદ શોખ માટે સમય ફાળવો. ઘણા ફ્રી શૈક્ષણિક સ્રોતો છે, તેમજ ઓનલાઈન મફત કોર્સ છે જે દ્વારા તમે પોતાને રસ પડે એવું કંઈક જાણી શકો છો. એમાંના અમુક આ છેઃ www.khanacademy.com અથવા www.terc.edu/free-educational-resources. મેડિટેશનના માર્ગદર્શન માટે આનો ઉપયોગ કરી શકો છોઃ www.pragyayoga.com, www.headspace.com, www.calm.comwww.insighttimer.com


૭. ઘરની કાળજી

પેપર ટીશ્યૂ, પેરાસીટામોલ, મધ, લીંબુ, વિક્સ વેપોરબ, હ્યુમિડીફાયર રાખો, ઈન્ડોર વેન્ટિલેશનને સરસ રીતે જાળવી રાખો. બાલ્કનીમાં કે ખુલ્લી બારીઓ પાસે બેસો. એરકન્ડિશનવાળી ઠંડી જગ્યામાં રહેવાનું ટાળો. તમારા ઘરને વારંવાર સ્વચ્છ કરતા રહો. તમારા રહેઠાણને વધારે આરામદાયક બનાવવા ફરસને કપૂરનો ઉપયોગ કરીને સ્વચ્છ રાખો. ટી ટ્રી, યુકેલિપ્ટસ અને લેમનગ્રાસ જેવી તૈલી ચીજવસ્તુઓ વાતાવરણને તંદુરસ્તી સુધારે છે.


૮. સંવેદનશીલ, દયાળુ બનો

જરાય પૈસા ખર્ચ્યા વિના કે તમારી સીટ પરથી ઉઠ્યા વિના તમે આ સાવ સરળ કામ કરી શકો છો. તમારા હૃદયમાં બીજાઓ માટે આ ચાર ગુણનું નિર્માણ કરો – મૈત્રી અથવા પ્રેમાળપણું, કરુણા અથવા દયા, આનંદીપણું અથવા સકારાત્મક વલણ અને શાંતિ.


૯. શાંતિ જાળવો અને માહિતગાર રહોઃ

આ વાઈરસને પરાસ્ત કરવાની આપણી વ્યક્તિગત તેમજ સહિયારી જવાબદારી બને છે. ગભરાવાથી, ચીજવસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ કરવાથી કંઈ નહીં વળે. એને બદલે આપણા આરોગ્યની કાળજી લેનાર વ્યાવસાયિકો, સરકાર અને સમાજને ટેકો આપવાથી આ વાઈરસને ભગાડવામાં ઘણી મદદ મળશે.  www.mohfw.gov.in ભારતનું કોરોના ડેશબોર્ડ છે.


૧૦. વિશ્વાસ રાખોઃ

‘કપરો સમય લાંબો ટકતો નથી, દ્રઢ મનોબળવાળા લોકો ટકે છે’

સાથે મળીને આ વાઈરસને હરાવી દઈએ અને સકારાત્મક ઊર્જાનું નિર્માણ કરીએ અને પ્રેમને વાઈરલ કરીએ.

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः,

सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःख भाग्भवेत्।

ॐ शांतिः शांतिः शांतिः

અર્થાત્ – સૌ સુખી થાવ, સૌ રોગમુક્ત રહો, સૌ મંગળકારી ઘટનાઓના સાક્ષી બનો અને કોઈને પણ દુઃખના ભાગી બનવું ન પડે.

યોગ, વેલનેસ અને આરોગ્ય સંબંધિત લેખોની શ્રેણીમાં આ મારી છેલ્લી કોલમ છે. મને આશા છે કે તમે આપણી આ સફરમાં મારી જેટલો જ આનંદ માણ્યો હશે. આશા રાખું છું કે તમારી સાથે સંકળાયેલી રહીશ. જો રહી ન શકાય તોઃ આપને આનંદમય, આરોગ્યમય જીવન પ્રાપ્ત થાય એવી શુભેચ્છા. નમસ્તે!

(સુજાતા કૌલગી)