આલાપ,
એ દિવસે હું તને મળવા આવેલી અને તું રૂમમાં અંધારું કરીને ભરાઈ રહેલો. મેં બૂમ પાડતા રૂમમાં પ્રવેશ કર્યો, પણ આ શું? તું મને ક્યાંય નહોતો દેખાયો. ધીમે ધીમે આંખો અંધકારથી ટેવાઈ ત્યાં ખૂણાની બંધ બારી પાસે તને બેઠેલો જોયો. મેં નજીક આવીને પ્રેમથી તારા માથા પર હાથ ફેરવતા પૂછ્યું હતું, “રાગ, શું વિચારી રહ્યો છે આ અંધારા ઓરડામાં એકલો બેસીને?” ને તેં કહેલું, “ગઝલ, પહેલા આ ઓરડાનું એકાંત મારું પોતીકું હતું -અંગત હતું પણ હવે એ આકાશ સુધી વિસ્તરી ગયું છે”
હું ડરી ગઈ. એ વખતે તો તને આશ્વાસન આપ્યું. શાંત પાડ્યો, પણ રાગ, હું અંદરથી તૂટી ગઈ. મારા આંસુ થીજી ગયા. મને મારી જાત પર, મારી તારા તરફની લાગણી પર ગુસ્સો આવવા લાગ્યો. હું દોડીને ત્યાંથી જતી રહી.

અને મેં તને બંધનમાંથી મુક્ત કર્યો. જીવનની બહુ મોટી શીખ મળી મને આ સંબંધથી કે જ્યારે કોઈ તમને એનું દુઃખ વહેંચે છે ત્યારે તમે એના માટે સૌથી નજીક છો, પણ જ્યારે એ અન્ય સાથે ખુશ દેખાય છે ત્યારે તમે એનો પ્રેમ નહીં, એની મજબૂરી છો.
અને એ પછી આપણે છુટા પડ્યા.
પણ ધારો કે જીવનનો આ સૂર્યાસ્ત આપણે એકમેકની સંગાથે જોતા હોત તો તને સમજાયું હોત કે પ્રેમ એ માત્ર દુઃખ વહેંચવાનું જ નહીં, ખુશ રહેવાનું અને રાખવાનું પણ બંધન છે.
-સારંગી
(નીતા સોજીત્રા)
