આલાપ,
ભૂતકાળ સુખદ હોય કે દુઃખદ હોય પણ એ જ્યારે જ્યારે યાદ કરીએ ત્યારે એમાં ભવ્યતા જ અનુભવાતી હોય છે હેં ને? આજે સવારથી તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. વાતાવરણમાં ગરમી અને ઠંડીનો મિશ્ર મિજાજ અનુભવાય છે. અચાનક ઉનો વાયરો વંટોળ બનીને બારીની તિરાડમાંથી રૂમમાં ધસી આવ્યો. ટેબલ પર રહેલા મેગેઝીનના પાનાંઓ ફરફરવા લાગ્યા અને અચાનક એક પાનું ખુલી ગયું. મારી નજર પડે છે એ પાનાં પર અને એનું લખાણ વાંચતા વાંચતા શબ્દો ઝાંખા થવા લાગે છે.
તને જોવાનું જોખમ તો ખેડયું,પણ, જોવામાં જીવ ઉપર આવી છે વાત.
આ એક શે‘રે મારી સ્મૃતિ પરના અનેક પડળો એકસાથે ઉચકાવી નાખ્યા. એક શે‘રની આંગળી પકડી ભૂતકાળ ભણીની આ સફરમાં હું એકાએક સોડષી બની ગઈ. અહાહા..!! કેટલા આહલાદક દિવસો હતા એ. કોલેજ કેમ્પસના પાછળના ગાર્ડનમાં આવેલ ગુલમહોરના ઝાડ નીચે તલ્લીન થઈને કશુંક વાંચી રહેલો તું અને દૂર ઊભીને તને નજરો વડે આત્મસાત કરી રહેલી હું. બસ,આ તને જોવાઇ ગયાનું જોખમ ખેડયા પછી કેટલાય દિવસો આ જ ક્રમ રહ્યો પરંતુ એ પછી ખરેખર જ વાત જીવ પર આવી ગઈ અને વર્ષો પહેલાની એ વરસાદી સાંજે કોલેજ કેમ્પસમાં થોડા થોડા ભીંજાયેલા તને મેં મારી ખુલ્લી છત્રી તરફ ઈશારો કરી એમાં આવી જવા કહેલું. મારા એક ઈશારે તું છત્રીમાં આવ્યો અને ક્યારે દિલમાં ઉતરી ગયો એ જ ન સમજાયું. આલાપ, એ જોવાનું જોખમ- એ ન પામી શકવાની વેદના આજે સમજાય છે. પરંતુ આજે મિશ્ર ભાવો રચાય છે બિલકુલ આ વાતાવરણની માફક.
તને ન પામી શકવાની વેદના અને એ વચગાળાના વર્ષો સાથે જીવ્યા એ યાદોની ઠંડક… ને વિચાર આવે કે…
ધારોકે તને જોવાનું એ જોખમ જ ન ખેડયું હોત તો..!!!
તો તને ન પામી શકવાની આ ઉની ઉની વેદના ન હોત, પણ તો પછી આ યાદોનો વૈભવ પણ ન હોત. સાથે ગાળેલા એ કેટલાય ચોમાસાની ભીનાશ આજે પણ મનને તરબતર ન કરતી હોત, હૈયામાં સંઘરેલા મધુર સ્પર્શઓના મોરલાઓ આમ આજે ય ન ટહુકતાં હોત અને એકમેકને લખેલા એ પત્રો વાંચીને અનુભવાતી પ્રેમની ભીની ભીની ખુશ્બુ પણ ક્યાંથી હોત, હેં ને?
તાપ, બાફ, વરાળ અને પછી વરસાદ અને ઠંડક, ભીનાશ અને લીલોતરી, ખુશ્બુ અને માધુર્ય… આ કુદરતનો ક્રમ છે અને આમ જ આપણી એ વખતની તડપ, એકમેક માટેની લાગણીની તીવ્રતા, મિલનનો વરસાદ, સંબંધોની,સ્પર્શઓની,લાગણીઓની, વાતોની, પત્રોની ભીનાશ,ખુશ્બુ, લીલોતરી અને હવે એ બધીજ યાદોનો વૈભવ એ આપણી નિયતિ છે.
લાગણીની વાદળીના વરસવાના વરતારા નથી હોતા એ તો ક્યાંક તપિશ જોવે અને વરસી પડે છે. વરસીને ખાલી થઈને કોઈની યાદોમાં છલોછલ થવું એ સૌથી મોટો વૈભવ છે.
–સારંગી
(નીતા સોજીત્રા)