વિપક્ષના વોકઆઉટ વચ્ચે ઉદ્ધવ જૂથે શપથ લેવાથી કર્યો ઇનકાર

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાના ત્રિદિવસીય વિશેષ સત્રનો આજથી પ્રારંભ થયો છે. વિશેષ સત્રનું આયોજન નવા વિધાનસભ્યોના શપથગ્રહણ અને સ્પીકરની પસંદગી માટે કરવામાં આવ્યું હતું. આજે બધા 288 વિધાનસભ્યોએ શપથ લેવાના હતા, પરંતુ વિપક્ષે સેશનનો વોકઆઉટ કર્યો હતો.

અમે નિર્ણય લીધો છે કે અમારા વિધાનસભ્યો આજે શપથ નહીં લે. જો જનતાનો આદેશ હોત તો લોકો ખુશ હોત અને ઉજવણી કરત, પરંતુ આ જીતની ક્યાંય લોકોએ ઉજવણી નહોતી કરી, અમને EVM પર શંકા છે, એમ શિવસેનાના UBTના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું.

બીજી બાજુ, શિવસેના UBTના વડા ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને MVAની બેઠક થવાની છે. આ બેઠકમાં નાના પટોલે માતોશ્રી પહોંચી ગયા છે. આ બેઠકમાં EVMથી મતદાનના મુદ્દે ચર્ચા થશે. આ બેઠકમાં વિપક્ષની આગળની વ્યૂહરચના નક્કી થવાની શક્યતા છે.

કોંગ્રેસ વિધાનસભ્ય વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે પરિણામોએ સવાલો ઊભા કર્યા છે. એવું લાગે છે કે પૂરી પ્રક્રિયા ભ્રષ્ટ છે. જનતા નાખુશ છે અને કંઈક ખોટું થયું છે. વિપક્ષના વોકઆઉટ પર ડેપ્યુટી CM અજિત પવારે કહ્યું હતું કે વિપક્ષે વોકઆઉટ કર્યું છે, પણ ચૂંટણી થઈ છે અને લોકોએ અમને જિતાડ્યા છે. હવે વોકઆઉટ કરવાથી કંઈ નહીં થાય. જો તેમણે કંઈક કરવું હશે તો ચૂંટણી પંચની પાસે જવું જોઈએ, એમ ડેપ્યુટી CM અજિત પવારે કહ્યું છે.