ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એ માત્ર એક વિધિ નથી, પરંતુ બે પરિવારોનું મિલન અને જીવનભરના બંધનની શરૂઆત છે. એ એક એવી સફર છે જ્યાં બે આત્માઓ અને બે પરિવારો એકબીજામાં ભળી જાય છે.
આ યાદગાર ક્ષણોને કાયમ માટે યાદગાર બનાવવા માટે, યુગલો ‘ડેસ્ટિનેશન વેડિંગ’ ની થીમ પસંદ કરતા હોય છે.
એ ભારતના શાહી મહેલો હોય, થાઇલેન્ડના શાંત દરિયાકિનારા હોય, કે પછી યુરોપના ઐતિહાસિક શહેરો હોય. દરેક યુગલ આ પ્રસંગને એક અનોખો અને અદ્ભુત બનાવવા માંગે છે.
ઘણીવાર ડેસ્ટિનેશન વેડિંગ કરતા પહેલા વિચાર પણ આવે કે, વિદેશમાં લગ્ન તો કરવા છે પણ ક્યાંક એ વધારે મોંઘા તો નહીં પડે? આવો જાણીએ, વિદેશના એ ડેસ્ટિનેશન્સ વિશે જે લોકપ્રિય પણ છે અને બજેટ ફ્રેન્ડલી પણ છે….
મેક્સિકો: કેનકુન અને પ્લેય ડેલ કાર્મેન

મેક્સિકો એના સફેદ રેતાળ બીચ અને જીવંત સંસ્કૃતિ માટે જાણીતું છે. કેનકુન અને પ્લેયા ડેલ કાર્મેન ખાસ કરીને ઓલ-ઇન્ક્લુઝિવ રિસોર્ટ સિસ્ટમ માટે લોકપ્રિય છે, જે રહેઠાણ, ભોજન અને વેડિંગ પેકેજીસ એકસાથે વ્યાજબી ભાવે ઓફર કરે છે. અહીંનું બ્લ્યુ પાણી અને ગરમ હવામાન વર્ષભર લગ્ન માટે આદર્શ વાતાવરણ પૂરું પાડે છે, જે પશ્ચિમી દેશોની સરખામણીમાં બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ છે. 9થી 12 લાખમાં વેડિંગ પેકેજ મળે છે. જેમાં બીચ વેન્યુ સેટઅપ, ફ્લોરલ ડેકોર, બે દિવસનો સ્ટે, કૉક્ટેલ અથવા વેલકમ ડિનર, ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી (બેઝિક),મ્યુઝિ, ઇન્ડિયન અથવા ઇન્ટરનેશનલ મેન્યુ વિકલ્પ, લગ્ન માટેની કાયદાકીય મદદ.
થાઇલેન્ડ: ક્રાબી અને ચિયાંગ માઇ

થાઇલેન્ડ, સુંદરતા અને સસ્તા ખર્ચનું ઉત્તમ મિશ્રણ છે. જો બેંગકોક અને ફૂકેટ મોંઘા લાગે, તો ક્રાબીના આકર્ષક દરિયાકિનારા પર અથવા ચિયાંગ માઇના ઉત્તરીય પહાડી મંદિરો વચ્ચે શાંત અને આધ્યાત્મિક લગ્નનું આયોજન કરી શકાય છે. અહીં ફૂડ, સ્થાનિક મુસાફરી અને રિસોર્ટ ખૂબ જ ઓછા ખર્ચે ઉપલબ્ધ છે, જે એને એશિયામાં એક લોકપ્રિય બજેટ ડેસ્ટિનેશન બનાવે છે. અહીં 8 થી 14 લાખમાં સરસ વેડિંગ પેકેજ મળે છે જેમાં ડેકોરેશન, કૅટરિંગ, ડીજે, સેરેમની અને રૂમ એકોમોડેશન સામેલ હોય છે. ક્રાબી એ કપલ માટે બેસ્ટ છે જેઓ શાંત અને કુદરતી સૌંદર્ય વચ્ચે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.
ઇન્ડોનેશિયા: બાલી

બાલી, જેને “દેવતાઓનું દ્વીપ” કહેવામાં આવે છે, એ એના લીલાછમ ખેતરો, પ્રાચીન મંદિરો અને અદ્ભુત સૂર્યાસ્ત માટે વિશ્વભરમાં જાણીતું છે. આ સ્થળ રોમેન્ટિક વેડિંગ માટે આદર્શ છે, જ્યાં વૈભવી વિલા અને રિસોર્ટ પણ પશ્ચિમી ધોરણોની તુલનામાં ઘણા ઓછા ભાવે ઉપલબ્ધ છે. અહીંની શાંત સંસ્કૃતિ અને સુંદર કુદરતી બેકડ્રોપ તમારા લગ્નને જાદુઈ બનાવી દેશે. 6થી 15 લાખનું પેકેજ મળી જાય છે, જેમાં વેન્યુ સજાવટ, બે દિવસનો સ્ટે, બીચ સેરેમની, ફોટોગ્રાફી અને ડિનર સામેલ હોય છે. બાલી ભારતીય કપલ માટે બેસ્ટ છે કારણ કે અહીં ઇન્ડિયન ફૂડ વિકલ્પ સરળતાથી મળે છે.
વિયેતનામ: હોઇ આન

વિયેતનામનું ઐતિહાસિક શહેર હોઇ આન એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જે એની નદીઓ પર તરતા રંગીન ફાનસ અને શાંત નદી કિનારા માટે પ્રખ્યાત છે. આ સ્થળ એક અનોખું અને ઐતિહાસિક વાતાવરણ પૂરું પાડે છે. એ દક્ષિણપૂર્વ એશિયામાં સૌથી ઓછા ખર્ચે પ્રવાસ અને લગ્ન કરી શકાય એવા સ્થળો પૈકીનું એક છે, જે સાંસ્કૃતિક અને બજેટ-ફ્રેન્ડલી વિકલ્પ શોધતા યુગલો માટે ઉત્તમ છે. સામાન્ય રીતે 40 થી 80 મહેમાનોના વેડિંગ માટે અહીંનો કુલ ખર્ચ 10 લાખથી 22 લાખ વચ્ચે રહે છે, જે દક્ષિણપૂર્વ એશિયામાં સૌથી કિફાયતી બજેટ ગણાય છે. વેડિંગ પેકેજમાં બે થી ત્રણ દિવસનું રોકાણ, ડિનર, નદીકિનારે અથવા વિયેતનામીઝ હેરિટેજ કોર્ટયાર્ડમાં સેરેમની સેટઅપ, ફૂલોથી કરવામાં આવેલ સિમ્પલ પણ એલીગન્ટ ડેકોર, ફોટોગ્રાફીનું બેઝિક પેકેજ, સાઉન્ડ અને લાઇટિંગ, તેમજ બે દિવસના લંચ અને ડિનરનો સમાવેશ થાય છે. અહીંના લોકલ વેન્ડર્સ ઓછા ખર્ચે ગુણવત્તાસભર સેવા આપે છે, અને બીચસાઇડ સેરેમની માટે જરૂરી તમામ વ્યવસ્થા ઝડપથી અને સરળતાથી મળી રહે છે.
પોર્ટુગલ: લિસ્બન અને પોર્ટો

યુરોપમાં ડેસ્ટિનેશન વેડિંગનું સપનું પોર્ટુગલ દ્વારા વ્યાજબી ખર્ચે પૂરું થઈ શકે છે. લિસ્બનના ટેરેસ અને પોર્ટોના ઐતિહાસિક આકર્ષણો એક શાનદાર યુરોપિયન અનુભવ આપે છે. ફ્રાન્સ અથવા ઇટાલી જેવા મોંઘા દેશોની સરખામણીમાં અહીં રહેઠાણ, ભોજન, અને ખાસ કરીને ફેમસ પોર્ટ વાઇન ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ છે, જે બજેટ-સભાન યુગલો માટે ઉત્તમ યુરોપિયન ગેટવે છે. બજેટની વાત કરીએ તો 18 લાખથી 30 લાખ વચ્ચે રહે છે. જેમાં હેરિટેજ ટેરેસ, જૂના કિલ્લા જેવા વેન્યુ અને ડૌરો નદીકિનારે આવેલા વિન્ટેજ વાઇન, રહેવું, ટ્રાન્સપોર્ટ, ખાવા-પીવાનું બધું જ પેકેજમાં સામેલ હોય છે.
ગ્રીસ: ક્રેટ

ગ્રીસનો ક્રેટ ટાપુ, જે ઘણો ઓછો ખર્ચાળ છે, ભૂમધ્ય સમુદ્રની સુંદરતા, સમૃદ્ધ ઇતિહાસ અને અદ્ભુત ભોજનનો અનુભવ આપે છે. અહીં શાંત દરિયા કિનારા, પૌરાણિક સ્થળો અને વ્યાજબી ભાવે મળતી હોટેલો અને વેડિંગ પેકેજીસ તમારા લગ્નને સ્વપ્ન જેવું બનાવી શકે છે. ખાસ કરીને ઑફ-સિઝનમાં તો બિલકુલ વ્યાજબી ભાવે ડેસ્ટિનેશન વેડિંગની મજા માણી શકાય છે. જો સિઝનની વાત કરીએ તો બજેટ લભગગ 15થી 25 લાખ રૂપિયા છે. જેમાં લગ્નનો તમામ ખર્ચ સામેલ છે.
શ્રીલંકાઃ બેન્ટોટા

બેન્ટોટા ભારતની નજીક હોવાથી પહેલેથી જ બજેટ ફ્રેન્ડલી છે. શિયાળામાં અહીંનું હવામાન ખૂબ સ્થિર રહે છે અને સમુદ્રકાંઠે સૂર્યાસ્ત લગ્નને સોનેરી તેજ આપી દે છે. 6 થી 11 લાખના પેકેજમાં બીચ વેડિંગ, ડેકોર, ફોટોગ્રાફી, ફૂડ અને સ્ટે સરળતાથી સામેલ થઈ જાય છે. પામના વૃક્ષોની હરોળ વચ્ચે, શાંત લહેરોની પૃષ્ઠભૂમિમાં અને નરમ રેતી પર લગ્ન કરવાનું જે કુદરતી સૌભાગ્ય મળે છે એ બેન્ટોટા ખાસ બનાવે છે. નેચરલ બીચ અને શાંતિ આ બંને મળીને બેન્ટોટાને શિયાળાનું ઉત્તમ વેડિંગ ડેસ્ટિનેશન બનાવે છે.
તુર્કીઃકાપાડોસિયા

શિયાળામાં કાપાડોસિયા પરીકથાના રાજ્યમાં ફેરવાઈ જાય છે. હિમથી ઢંકાયેલા રોક ફોર્મેશન્સ, સવારના આકાશમાં ઉડતા રંગબેરંગી હોટ એર બેલુન્સ અને કેવ હોટેલનો અનોખું સૌંદર્ય લગ્નને અદભૂત બનાવે છે. 14 થી 22 લાખના પેકેજમાં પ્રીમિયમ સેરેમની, શિયાળાનું ડેકોર, ફોટોશૂટ, સ્ટે અને ડિનર સામેલ હોય છે. કાપાડોસિયા એ કપલ માટે બેસ્ટ છે જેઓ અનોખા, રોયલ અને અવિસ્મરણીય લગ્ન ઇચ્છે છે. અહીંનું હિમવર્ષાનું વાતાવરણ અને પ્રાચીન કેવ આર્કિટેક્ચર વેડિંગને ઐતિહાસિક સુંદરતા આપે છે.
મલેશિયાઃ લેંગકાવી

લેંગકાવી શિયાળામાં ખૂબ શાંત, ખુલ્લું અને આહલાદક રહે છે. જેથી સમુદ્રકાંઠે લગ્નની દરેક ક્ષણ આનંદથી ભરેલી હોય છે. 7 થી 13 લાખના પેકેજમાં બીચ સેરેમની, ઇન્ડિયન મેન્યુ, ડેકોર અને ફોટોગ્રાફી મળે છે. વિશેષતા એ છે કે ટાપુના પાણી ખૂબ સ્વચ્છ છે, પર્વતોનું વ્યૂ મળે છે અને હોટેલોના દર સસ્તા છે. આ ટાપુ એ કપલ માટે ઉત્તમ છે જે બજેટમાં રહીને પણ એક સુંદર ટાપુવાળા લગ્ન ઇચ્છે છે.
યુએઈઃરાસ અલ ખૈમાહ

રાસ અલ ખૈમાહ શિયાળામાં એના રણ અને બીચ બંને સાથે એક અનોખો વેડિંગ માહોલ આપે છે. ઠંડક, સોનેરી રણ અને ઝગમતી રાત્રિ, ત્રણેય મળીને લગ્નને રાજાશાહી સુંદરતા આપે છે. 9 થી 16 લાખના પેકેજમાં રણ સેરેમની, બીચફ્રન્ટ વેડિંગ, લાઈટિંગ, ડેકોર અને ફૂડ સામેલ હોય છે. દુબઈ કરતાં સસ્તું હોવાથી બજેટમાં રહેવું સરળ બને છે. રણનું સૂર્યાસ્ત દ્રશ્ય અને રોયલ સ્ટાઈલના રિસોર્ટ્સ લગ્નને ભવ્યતા આપે છે.
હેતલ રાવ




