જાણકારીનો અભાવ પરિણામ ‘એન્ડોમેટ્રિઓસિસ’

રચિતા ઉદાસ ત્યારે ઓફિસ કલીગ શ્વેતાએ પુછ્યું કે કેમ આમ નીરસ લાગે છે, કઇં થયું છે? રચિતાએ ઉંડો નિસાસો નાખતા કહ્યું કે યાર આ પીરિયડ્સનો સમય એટલો મુશ્કેલી ભરેલો હોય છે કે તારીખ નજીક આવે એટલે શરીરમાં અજીબ પ્રકારની બેચેની થઈ જાય છે. સાથે જ પેઢામાં દુઃખાવો પણ શરૂ થઈ જાય છે. કેટલી દવા કરાવી પણ કોઈ ફરક જ નથી પડતો. બધા તો એમ પણ કહે છે કે આ તો સામાન્ય છે, બધી યુવતિ, મહિલાઓને આવી સમસ્યા થતી જ રહે છે. પરંતુ સાચું કહું મને તો જીવ જાય એટલી હદે દુખાવો થાય છે. રચિતાની વાત સાંભળી શ્વેતાએ કહ્યું યાર..આ સામાન્ય વાત નથી, જો દર મહિને અને સતત દુખાવો રહેતો હોય તો તારે સારા ગાયનેકની સલાહ લેવી જોઈએ. આમ તેમ વગર કારણની દવાથી વધારે મુશ્કેલી થશે. બની શકે કે તને એન્ડોમેટ્રિઓસિસ હોય. મોટાભાગની મહિલાઓ આ વાતથી અજાણ છે. માટે શરૂઆતના તબક્કે દવા નથી કરાવતી અને ઘર ગથ્થુ કે પછી સામાન્ય ડોક્ટર સાથે વાત કરી પોતાની રીતે દવા લે છે. જે યોગ્ય નથી. રચિતા તો વિચારતી જ રહી કે આ વળી એન્ડોમેટ્રિઓસિસ છે શું? રચિતા જેવી અનેક યુવતીઓ હોય છે જે આવી સમસ્યામાંથી પસાર તો થાય છે પરંતુ એમની પાસે આ વિશેનું યોગ્ય જ્ઞાન ન હોવાના કારણે સમસ્યા જટીલ સ્વરૂપ લે છે.

એન્ડોમેટ્રિઓસિસ શું છે?

એન્ડોમેટ્રિયોસિસ મહિલાના ગર્ભાશયને લગતી બીમારી છે. ગર્ભાશયના અસ્તરને એન્ડોમેટ્રિયમ કહેવામાં આવે છે. પિરિયડ્સ દરમિયાન દર મહિને બ્લીડીંગના રૂપમાં એન્ડોમેટ્રિયમ શરીરમાંથી બહાર આવે છે, પરંતુ જો કોઈને એન્ડોમેટ્રિયોસિસ હોય તો આ એન્ડોમેટ્રિયમ અંડાશય, આંતરડાં અને પેલ્વિક પોલાણની પેશીઓમાં વધે છે, જે મહિલાઓ માટે ઘાતક પુરવાર થાય છે. આ કારણથી લોહી બહાર આવવાને બદલે નળીની અંદર જ એકઠું થાય છે, જે ગર્ભાવસ્થામાં મુશ્કેલી પેદા કરી શકે છે. આ વિષય પર અનેક આરોગ્ય અભ્યાસ થયા છે જે દર્શાવે છે કે વિશ્વભરમાં 10માંથી 1 મહિલાને એન્ડોમેટ્રિયોસિસ છે. આ રોગ સ્ત્રીઓમાં વંધ્યત્વનું મુખ્ય કારણ પણ છે. આ સમસ્યાથી પીડિત મહિલાને ગર્ભધારણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

12 વર્ષ સુધી અસહ્ય પીડા ભોગવી

આ બીમારીમાંથી પસાર થયેલા અમદાવાદના અરૂણિતી પટેલ (નામ બદલ્યું છે) ચિત્રલેખા.કોમને કહે છે કે, “મેં 12 વર્ષ સુધી અસહ્ય પીડા ભોગવી. વર્ષ 2003માં મારા લગ્ન થયા, વર્ષ 2005માં સંતાનને જન્મ આપ્યો. પ્રેગનેન્સીના બે વર્ષ બાદ મને પેઢાના ભાગમાં સતત દુખાવો રહેતો.. મેં મારા ગાયનેક ડોક્ટરનો સંપર્ક કર્યો તો દુઃખાવા માટે મને પેઇનકિલર આપવામાં આવતી, પેઇનકિલરના ભારે ડોઝને કારણે પેટની સમસ્યા સર્જાઇ. દર મહિને આ જ સ્થિતિ સર્જાતી હતી. મારી આ સમસ્યાને કારણે મેં અનેક દવાખાનાના પગથિયાં ચડ્યા, વિવિધ પ્રકારના ડોક્ટર પાસે ઈલાજ કરાવ્યો. વર્ષ 2008માં નિદાન થયું કે મને એન્ડોમેટ્રિઓસિસ છે. એ સમયે એક ગાયનેક  હોસ્પિટલમાં મારી સર્જરી થઈ ગાંઠ દૂર કરાઈ પરંતુ ત્યાર બાદ પીડા યથાવત જ હતી.”

“વધુમાં એ કહે છે,સમય સાથે આ પીડા વધી રહી હતી. જેના માટે મેં બેંગ્લોર, દિલ્હી, ચેન્નઈ સહિતના શહેરોમાં તબીબોનો સંપર્ક કર્યો, દરેકનો એક જ અભિપ્રાય હતો કે મારુ ગર્ભાશય અને અંડાશય દૂર કરવા પડશે. ઉંમર નાની હતી માટે આ વિકલ્પ મને યોગ્ય ન લાગ્યો જેથી મેં ફરી મારા ગાયનેક ડોક્ટરનો સંપર્ક કર્યો. એમણે મને એડવાન્સ ગાયનેક લેપ્રોસ્કોપીક અને ઓન્કો-ગાયનેક સર્જનનો સંપર્ક કરવા કહ્યું. વર્ષ 2015માં મારા ગર્ભાશય અને અંડાશયને બચાવીને એડવાન્સ લેપ્રોસ્કોપિક પદ્ધતિથી ઓપરેશન કર્યું અને એન્ટ્રોમેટ્રિઓસિસ દૂર કર્યું. પાંચ વર્ષ સુધી મને રાહત રહી. જોકે ફરી 2020માં એન્ડોમેટ્રિઓસિસની સમસ્યા સર્જાઇ અને સ્થિતિ વધારે પીડાદાયક થઈ ગઈ. એ સમયે મારું ફરી ઓપરેશન થયું, એક એક નસ છૂટી પાડવામાં આવી અને ગર્ભાશય અને અંડાશય દૂર કરવામાં આવ્યા. હાલ હું એન્ડોમેટ્રિઓસિસ ફ્રી છું.”

સમસ્યા દર મહિને થાય તો અવગણશો નહીં

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદની ઈવા વિમેન્સ હોસ્પિટલના એડવાન્સ ગાયનેક લેપ્રોસ્કોપીક અને ઓન્કો-ગાયનેક સર્જન ડૉ. દિપક લિમ્બાચીયા કહે છે કે, “પેઢામાં થતા દુખાવાને ઘણી મહિલાઓ સામાન્ય ગણે છે. પરંતુ જો આ સમસ્યા દર મહિને થતી હોય તો એને અવગણવી જોઈએ નહીં. પેઢામાં દુખાવો, પીડાદાયક માસિક સ્ત્રાવ, જાતીય સંભોગ દરમિયાન દુખાવો, માસિક સ્ત્રાવ દરમિયાન વધુ પડતો રક્તસ્ત્રાવ એન્ડોમેટ્રિઓસિસના લક્ષણો હોઈ શકે છે. જેને અવગણ્યા વગર સ્પેશિયાલિસ્ટ ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરવો જોઇએ. શરૂઆતમાં જ સમસ્યાનું નિદાન થઇ જાય તો આધુનિક લેપ્રોસ્કોપિક પદ્ધતિથી સારવાર કરીને રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે અને ગર્ભાશય સહિતના અંગોને બચાવી શકાય છે.”

એન્ડોમેટ્રિયોસિસના ચાર તબક્કા

ન્યૂનતમઃ પેટ અથવા પેલ્વિસના ઉપરના ભાગની પેશીઓમાં નાના ઘા થાય છે.

હળવાઃ એન્ડોમેટ્રિયોસિસના બીજા તબક્કામાં, ન્યૂનતમ તબક્કા કરતાં વધુ પ્રત્યારોપણ થાય છે. આ પેશીઓની અંદર પણ ઊંડે સુધી જાય છે અને ઘા બનાવે છે.

મધ્યમઃ આ તબક્કામાં નાના પ્રત્યારોપણ સાથે ઊંડા ઘા થાય છે. અંડાશયમાં કોથળીઓ રચાય જેમાં ઘા સાથે દુખાવો વધારે થાય છે.

ગંભીરઃ આમાં એક અથવા બંને અંડાશયમાં મોટી કોથળીઓ વિકસે છે. આ સૌથી પીડાદાયક તબક્કો છે.

કૌટુંબિક ઇતિહાસ પણ એન્ડોમેટ્રિયોસિસનું કારણ હોઈ શકે છે. જો કે એન્ડોમેટ્રિયોસિસ એ શહેરી રોગ છે. એના મોટા ભાગના કેસો ફક્ત શહેરોમાં જ જોવા મળે છે.

આ ઉંમરની મહિલાઓનું પ્રમાણ વધુ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ પ્રમાણે, વર્તમાન સમયની વાત કરીએ તો ભારતમાં લગભગ 4.2 કરોડ મહિલા એન્ડોમેટ્રિયોસિસથી પીડિત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, સમગ્ર વિશ્વમાં 10%, એટલે કે લગભગ 19 કરોડ પ્રજનન વયની મહિલાને એનો સામનો કરવો પડે છે. જ્યારે એન્ડોમેટ્રિયોસિસ સોસાયટી ઓફ ઈન્ડિયા અનુસાર, અંદાજે 25 મિલિયન ભારતીય મહિલાઓને એન્ડોમેટ્રિયોસિસ છે. આ મોટે ભાગે 30થી 45 વર્ષની વયની સ્ત્રીઓમાં થાય છે. ઘણી વખત મહિલાઓને ખબર પણ હોતી નથી કે એના શરીરમાં આ રોગ વધી રહ્યો છે. જ્યારે સ્ત્રી હેવી બ્લીડિંગ, પેટમાં અસહ્ય દુખાવો, ખેંચાણ, પેલ્વિક પીડાને કારણે ડોક્ટર પાસે જાય છે, ત્યારે તપાસ પછી આ રોગ શોધી શકાય છે.

એન્ડોમેટ્રિયોસિસને અટકાવી શકાય?

એન્ડોમેટ્રિયોસિસ પણ આપણી લાઈફસ્ટાઈલ કેવી છે એના પર નિર્ભર છે. આરોગ્ય વર્ધક ખોરાક, એક્સેસાઈઝ, આપણે કેવી રીતે વિચારીએ છીએ અને અનુભવીએ છીએ એની સાથે સીધો સંબંધ છે. એટલે કે એકંદરે આપણે આપણા જીવનમાં કેટલા ખુશ અને તણાવમુક્ત રહીએ છીએ એ મહત્વનું છે. આ રોગથી બચવાનો સૌથી સરળ અને મૂળભૂત ઉપાય તમારી લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવાથી થાય છે. પોતાની જાતને બચાવવા અને સ્વસ્થ રહેવા માટે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ મહત્વનું છે. નિયમિત વ્યાયમ કરવો, ડાયેટમાં તાજા ફળ અને શાકભાજીનો ઉપયોગ કરવો, નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું, ફાઇબર અને આર્યનથી ભરપૂર ખોરાક ખાવા જોઈએ. તો વળી આલ્કોહોલથી દૂર રહો, ડોક્ટરની સલાહ વગર કોઈ પણ દવા લેવી જોઈએ નહીં. જેવી કાળજી રાખવી.

હેતલ રાવ