મમ્મી, મને ડાન્સ શીખવો છે. અનન્યા ખુશ થતાં સરયુબહેન સાથે વાત કરવા લાગી. હા..હા..બેટા કેમ નહીં, શીખજે તુ તારે, જે શીખવું હોય એ. અંદરથી શૈલેષભાઈ દીકરીને પ્રોત્સાહિત કરતા બોલ્યા. અનન્યા ત્રણ ભાઈઓની એક માત્ર બહેન હતી માટે ઘરમાં બધાની લાડકી. આમ તો એની કોઈ પણ ઇચ્છા પુરી થઈ જ જતી, પણ ડાન્સનું નામ સાંભળી સરલાબહેન તાડુક્યા. આ ડાન્સ, બાન્સની વાતો આપણા ઘરમાં ના શોભે, દીકરીને ઘરકામ કરતા શીખવો, આમ મા-બાપ બેય જણા એની હા માં હા કરો છો, એ સારુ નથી લાગતું.
અનન્યાએ સરલાબહેનનો હાથ પકડતા કહ્યું, પણ દાદી મારી બધી બહેનપણીઓ શીખે છે. તમે કેમ ના કહો છો? એકવાર કહ્યું ને કે, આ નાચવાની વાતો નહીં કરવાની ઘરમાં, સમજાતું નથી તને? સરલાબહેન અનન્યા પર ગુસ્સો કરતા બોલ્યા. થોડીવાર ઘરમાં એકદમ શાંતિ ફેલાઈ ગઈ. ટાંકણી પડે તોય અવાજ આવે. આમેય ઘરમાં સરલાબહેન કહે એ એટલુ જ થાય, માટે એમની ઉપરવટ જવાની કોઈ હિંમત ન કરે.
પણ આ વખતે અનન્યાના ભાઈ આરવે દાદીની વાતનો વિરોધ કર્યો. કેમ દાદી તમે ડાન્સને કેમ ખરાબ સમજો છો? ડાન્સ એ કલા છે અને એ શીખવું પણ એક ધન્યતાની વાત છે. મારી બહેનને ભરતનાટ્યમ શીખવું છે તો એ શીખીને જ રહેશે. તમારી બધી વાત અમે માનીએ છીએ, પરંતુ તમે આ રીતે દીદી પર જોહુકમી નહીં કરી શકો.
આરવને વચ્ચે જ અટકાવતા શૈલેષભાઈ બોલ્યા, તુ આ બધી વાતોમાં માથુ ન માર. દાદી કહે એ જ થશે. અનન્યાએ પણ દાદીની વાત સ્વીકારી પોતાનું મન મનાવી લીધું.
આજના સમયમાં સુખી સંપન્ન પરીવારમાં ઉછળેલી આધુનિક યુવતીને ક્લાસીકલ ડાન્સ શીખવો હતો. પરંતુ જૂના વિચારધારા ધરાવતા દાદીમાએ પરવાનગી ન આપી, જેના કારણે એણે પોતાની ઇચ્છાને મનમાં જ માંડીવાળી.
સવાલ એ થાય કે એક તરફ આપણે નૃત્યને કળા ગણીને ડાન્સ ડે ઉજવીએ છીએ, સ્ટેજ પર ગરિમામય રજૂઆતો થાય છે, નૃત્યને કલા માનવામાં આવે છે. તો બીજી તરફ દુઃખની વાત એ છે કે આજના સમયમાં પણ અનેક જગ્યાએ જ્યારે કોઈ મહિલ, યુવતી નૃત્ય કરે ત્યારે એને કલા નહીં, પણ અશ્લીલતા સાથે જોડીને જોવામાં આવે છે. આજે પણ ઘણા પરિવારોમાં દીકરીને ડાન્સ શીખવાની છૂટ નથી. સમાજની ખોટી દૃષ્ટિ અને સૂત્રવાક્ય જેવી માન્યતાઓ ‘સ્ત્રી શોભે નમ્રતામાં’ એવી શીખવણી આપવા લાગી છે. પરંતુ નૃત્ય એ સ્ત્રીની આત્માભિવ્યક્તિ છે, પોતાની લાગણીઓ, સંસ્કૃતિ અને આત્મવિશ્વાસ વ્યક્ત કરવાનો શાંત, પણ શક્તિશાળી માર્ગ છે.
ગીત ગાવું, ચિત્ર બનાવવું કે કવિતા લખવી યોગ્ય માનવામાં આવે છે, તો નૃત્ય કેમ અયોગ્ય ગણાય?
નૃત્ય એ દેખાડો નથી , એ તો અભિવ્યક્તિ છે
દર વર્ષે 29 એપ્રિલના રોજ મહાન કોરિયોગ્રાફર જીન-જ્યોર્જ નોવેરના જન્મદિન પર આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ઉજવવામાં આવે છે. નૃત્ય અભિવ્યક્તિ, સંસ્કૃતિ અને આનંદનો અનુભવ કરવાની મંજૂરી આપે છે. જીન-જ્યોર્જ નોવેર 18મી સદીના અગ્રણી બેલે કલાકાર અને નૃત્ય સુધારક હતા. એમણે નૃત્યને અભિનય અને પોતાની વાત રજૂ કરવાનું માધ્યમ બનાવ્યું. ડાન્સ, નૃત્ય, નાચવું આ બધા શબ્દો હકીકતમાં તો એક જ કલાનો આધાર છે.
આ વિશે ભરતનાટ્યમ વિશારદ, શાસ્ત્રીય નૃત્યાંગના સુહાની જોષી, ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કે, “સામાન્ય રીતે ડાન્સની વાત આવે એટલે લોકો તરત ફિલ્મોના આઇટમ સોંગ યાદ કરે છે. ચમકધમકથી ભરેલા કપડાં, નાટકિય હાવભાવ અને અશ્લીલતા સાથે જોડાયેલા દ્રશ્યોને જોઈને સમાજે નૃત્યને એક ખોટી દૃષ્ટિથી જોવાનું શરુ કરી દીધું છે. પણ એ માન્યતા સંપૂર્ણ રીતે ખોટી છે. નૃત્ય એ માત્ર આંગળીઓ કે પગની હલચાલ નથી, એ તો આત્માની ભાષા છે. નૃત્યના મૂળમાં આપણા શાસ્ત્રીય સ્વરૂપો છે. ભરતનાટ્યમ, કુચિપુડી, ઓડિસી, મણિપુરી જેવા નૃત્ય ભગવાનને સમર્પિત છે. મેં ભરતનાટ્યમ શીખ્યું છે જે નૃત્ય નટરાજ ભગવાને જાતે રજૂ કર્યું છે. એ નૃત્યમાં ભક્તિ છે, શાંતિ છે, સ્ત્રીની શક્તિ છે અને એક અદ્વિતીય સંસ્કાર છે. ડાન્સ એ દેખાડો નથી , એ તો અભિવ્યક્તિ છે. ‘We dance to express, not to impress’ આ ડાયલોગ માત્ર ફિલ્મનો નથી, એ તો દરેક સાચા નૃત્યકારના મનનો અવાજ છે.”
નૃત્ય એ અભ્યાસ નથી, સાધના છે
જે બાળકનું મન નૃત્યથી ખીલતું હોય, અની પરત આવે એ રીતે અને અટકાવવી એ માનવીયતા નહિ, સંકુચિતતાની નિશાની છે. દુઃખદ વાત એ છે કે આજે પણ ઘણાં પરિવારોમાં દીકરીઓને નૃત્ય શીખવાની રજા લેવી પડે છે. શબ્દો લખવા, ગીત ગાવા, ચિત્ર દોરવા માટે કોઈને રોકવામાં આવતા નથી. તો પછી નૃત્ય કેમ વાંધાજનક ગણાય? શું માત્ર એટલા માટે કે એ શરીરથી અભિવ્યક્તિ કરે છે? શું સમાજની નજરે નૃત્ય નમ્રતાની વિરુદ્ધ છે?
આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડાન્સ એજ્યુકેટર સજની કાપડિયા કહે છે, “મારે માટે નૃત્ય એ માત્ર અભ્યાસ નથી, એ સાધના છે. નૃત્ય એ માત્ર નવલકથા નથી, એ આત્માકથા છે. હકીકત તો એ છે કે નૃત્ય એ સ્ત્રીના અંતરનાદની ભાષા છે. એના પગરવમાં લાગણીઓ છલકે છે, એક અદૃશ્ય સંઘર્ષ ઝીલતી વ્યક્તિત્વની વાચાં છુપાયેલી હોય છે. સ્ત્રી નાચે છે ત્યારે એ કીર્તિ માગતી નથી, પણ ઓળખ ઈચ્છે છે. નૃત્ય એ અશ્લીલતા નહિ, ઊંડા ભાવો અને શક્તિની અભિવ્યક્તિ છે. જે દિવસે સમાજ આ જ્ઞાનને સ્વીકારી લેશે, એ દિવસે દરેક દીકરી નિર્ભય બનીને પોતાની ઓળખ ઊભી કરી શકશે. પગરવ સાથે, પરિપક્વતા સાથે. મારી પોતાની શિક્ષિકા તરીકેની યાત્રામાં, મેં નૃત્યના માધ્યમથી અનેક દીકરીઓને પોતાની અંદરની તકલીફો, શંકાઓ અને સંકોચોથી મુક્ત થતી જોઈ છે. અને ત્યારે મને વિશ્વાસ થયો કે નૃત્ય એ પણ એક ઉપાસના છે. આજે તો નૃત્યાંગના તરીકે અનેક યુવતીઓ કરીયર બનાવી રહી છે. માટે નૃત્યને ભગવાનની પૂજા તરીકે જોવી વધુ યોગ્ય ગણાશે.”
નૃત્ય શીખવું એ સરળ નથી
પ્રાચીન સમયથી નૃત્યને ભારતીય સંસ્કૃતિમાં દૈવી કલા તરીકે માન મળ્યું છે. ભરતનાટ્યમ, કથક, ઓડિસી જેવી શાસ્ત્રીય શૈલીઓ દ્વારા જીવનના વિવિધ પાસાઓ, ભાવનાઓ અને આધ્યાત્મિક અનુભવોને અભિવ્યક્ત કરવામાં આવે છે. નૃત્ય મનની શાંતિ, શરીરની લવચીકતા અને આત્મવિશ્વાસ વધારતું એક સાહિત્ય છે, જે સ્વ-અભિવ્યક્તિના માધ્યમ રૂપે વ્યક્તિને પોતાને ઓળખવાની નવી દિશા આપે છે. સાચું નૃત્ય એ છે જ્યાં આત્મા પણ સંગીતની લયમાં સ્ફૂરીત થાય છે.
ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ડાન્સર, કોરિયોગ્રાફર અને ગાયિકા ઇશા નાયર કહે છે કે, “હું નૃત્ય, સંગીત અને અભિવ્યક્તિને માત્ર એક ટેલેન્ટ કે શોખ તરીકે નહીં, પરંતુ એક ઊંડા આધ્યાત્મિક અનુભવ તરીકે માણું છું. આ એવી સરળ વસ્તુ નથી કે દરેકના મનમાં તરત ઊતરી જાય. આજના સમયમાં જયાં મોટા ભાગે સંબંધો, લોકપ્રિયતા કે આર્થિક સફળતા ક્ષણિક છે, ત્યાં કલા એ એકમાત્ર એવો સાથ છે, જે સમય, સ્થિતિ અને સંજોગોથી પર છે. આપણને ઓછામાં ઓછી એટલી તો સ્વતંત્રતા હોવી જોઈએ કે પોતાનું મન પસંદ કશું કરી શકીએ. હું ભરતનાટ્યમ શીખી છું, સંગીતકાર છું, ડાન્સ કરું છું અને ગીત પણ ગાઉં છું. આ બધું મળીને મારા માટે જીવનનો સાચો શ્વાસ બની ગયું છે. નૃત્ય શીખવું એ સરળ નથી, એ માટે નિષ્ઠા, સમય અને શ્રદ્ધા જોઈએ. પણ જ્યારે તમે એની અંદર ઊંડાઈથી પ્રવેશો છો, ત્યારે એ કલા જીવનની દરેક સમસ્યાનો ઉત્તર બની જાય છે. ડાન્સ શીખવવું, કરવું એ માત્ર અભ્યાસ નહીં, પણ સકારાત્મકતાની સાથે જીવન જીવવાનો એક અનોખો દૃષ્ટિકોણ છે.
હેતલ રાવ
