પ્રકૃતિની તરફ પ્રેમનો સંદેશો મોકલો

મિત્રતા અને પ્રેમનું જે બિંદુ આપણી અંદર છે, તેને વિકસીત કરવું પડશે, સમગ્ર પ્રકૃતિની વિરુદ્ધમાં તેનો વિકાસ કરવો પડશે. કારણ કે પ્રકૃતિ તેને વિકસીત થવાની તક નથી આપતી. તમને જે જીવન મળે છે તે તેને તક આપતું નથી. તેમાં માત્ર શત્રુતા જ વિકસે છે અને જેને આપણે મિત્રતા કહીએ છીએ, તે મિત્રતા માત્ર એક ઔપચારિકતા અને શિષ્ટાચાર જ હોય છે. એ મિત્રતા માત્ર દુશ્મનાવટથી બચવાની એક વ્યવસ્થા હોય છે શત્રુતા ઉદભવે નહીં તે માટેની. પણ એ મિત્રતા નથી. મિત્રતા એ ઘણી અલગ વાત છે.

તે બિંદુનો વિકાસ કેવી રીતે કરવો? આપણી અંદર મિત્રતાની લાગણી કેવી રીતે ઉત્પન્ન થવા લાગે? તેનો ભાવ કરવો પડશે. મિત્રતાનો ભાવ સતત હોવો જોઈએ. જે કોઈ પણ લોકો આપણી આસપાસ છે, તેમના પ્રત્યે મિત્રતાનો સંદેશ મોકલવાનો રહેશે, મિત્રતાની કિરણો મોકલવાની રહેશે અને આપણી અંદર રહેલા મિત્રતાના એ બિંદુને સતત સજાગ અને સક્રિય કરવાનું રહેશે.

જ્યારે તમે નદી કિનારે બેઠા હોવ ત્યારે નદી તરફ પ્રેમ મોકલો. તેથી જ હું નદીનું નામ લઈ રહ્યો છું કારણ કે માણસ તરફ પ્રેમ મોકલવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. એક વૃક્ષ તરફ પ્રેમ મોકલો. એટલા માટે હું કહી રહ્યો છું કે તેને કોઈ વ્યક્તિ તરફ મોકલવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. સૌપ્રથમ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ મોકલો. પ્રેમનું બિંદુ સૌપ્રથમ પ્રકૃતિની તરફ વિકસી શકે છે. શા માટે? કારણ કે કુદરત તમને કોઈ હાની કરી રહી નથી.

જૂના જમાનામાં અદભુત લોકો હતા, જેઓ આખી દુનિયાને પ્રેમનો સંદેશો મોકલતા હતા. સવારે સૂર્ય ઊગે ત્યારે તેને હાથ જોડીને નમસ્કાર કરી લેતા હતા. તેઓ કહેતા, ‘ધન્ય છે.’ અને તમારી કરુણા અપાર છે કે તમે અમને પ્રકાશ આપો છો અને તમે અમને ઉજાસ આપો છો.’

આ પૂજા મૂર્તિ પૂજા નહોતી, આ પૂજા નાસમજ નહોતી. એમાં અર્થ હતો, વિશાળ અર્થ હતો. જે વ્યક્તિ સૂર્ય પ્રત્યે પ્રેમથી ભરાઈ જતો હતો, જે વ્યક્તિ નદીને મા કહીને પ્રેમથી ભરાઈ જતો હતો, જે વ્યક્તિ ભૂમિને માતા કહીને તેનું સ્મરણ કરીને પ્રેમથી ભરાઈ જતો હતો, તેના માટે લાંબા સમય સુધી મનુષ્ય પ્રત્યે અરુચિથી ભરેલું રહેવું અશક્ય હતું. આ અશક્ય છે. તેઓ અદભૂત લોકો હતા, તેઓએ તમામ પ્રકૃતિ પ્રત્યે પ્રેમનો સંદેશો મોકલ્યો હતો અને સર્વત્ર પૂજા, પ્રેમ અને ભક્તિનો વિકાસ કર્યો હતો.

આની જરૂરિયાત છે. જો પ્રેમનું બીજ અંદર ઉગાડવું હોય તો સૌથી પહેલા તેનો સંદેશ પ્રકૃતિ તરફ મોકલવો પડશે. આપણે એવા વિચિત્ર લોકો છીએ કે ચંદ્ર આખી રાત માથે ઉભો હશે અને આપણે તેની નીચે બેસીને પત્તા અને રમી રમતા રહીશું. આપણે ગણતરી કરતા રહીશું કે એક રૂપિયો હારી ગયા કે એક રૂપિયો જીતી ગયા! અને ચંદ્ર ત્યાં ઉપર જ હશે અને પ્રેમની આવી અદભૂત તક વ્યર્થ જ વેડફાઈ જશે. ચંદ્ર તમારા કેન્દ્રને જાગૃત કરી શકતો હતો. જો તમે ચંદ્રની પાસે બે ક્ષણ મંત્રમુગ્ધ બેસીને પ્રેમનો સંદેશો મોકલ્યો હોત, તો તેના કિરણો એ તમારી અંદર કોઈ બિંદુ, કોઈ તત્વ સક્રિય કરી દીધા હોત અને તમે પ્રેમથી ભરાઈ ગયા હોત.

ચારે બાજુ તકો છે, આ સમગ્ર પ્રકૃતિ અદ્ભૂત વસ્તુઓથી ભરેલી છે. તેમના પ્રત્યે પ્રેમાળ બનો. પ્રેમની જે કોઈ પણ તક આવે તેને વેડફવા ન દો, તેનો ઉપયોગ કરો. તેનો ઉપયોગ એટલા માટે કે જો તમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હોય અને ત્યાં કોઈ પથ્થર પડેલો હોય તો તેને હટાવી દો. આ ઉપયોગ કરવા માટે એકદમ મફત છે જે તમારું જીવન બદલી નાખશે. આ બહુ સસ્તું કામ છે. આનાથી સસ્તી અને આધ્યાત્મિક સાધના કઈ હોઈ શકે કે તમે રસ્તા ઉપર નીકળ્યા અને ત્યાં એક પથ્થર પડેલો હતો અને તમે તેને ઉપાડીને ખૂણામાં મૂકી દીધો. કોણ જાણે ત્યાંથી કઈ અજાણી વ્યક્તિ નીકળશે! અને કોણ જાણે એ પથ્થરથી કોઈ અજાણ્યાને ઈજા થશે! તમે પ્રેમનું એક કૃત્ય કર્યું.

આ માટે હું તમને કહી રહ્યો છું કે ઘણી નાની-નાની વાતો જીવનમાં પ્રેમના તત્વને વિકસીત કરે છે. અબ્રાહમ લિંકન એક સેનેટની બેઠકમાં જઈ રહ્યા હતા, ત્યારે એક ડુક્કર ગટરમાં ફસાઈ ગયું. તે ભાગતા ગયા અને કહ્યું, ‘થોડી વાર માટે સેનેટ ને રોકો.’ હું હમણાં આવ્યો.’ આ ખૂબ જ વિચિત્ર બાબત હતી. અમેરિકાની સંસદ આ રીતે ભાગ્યે જ અટકી હશે. તે પાછા ગયા અને ડુક્કરને બહાર કાઢ્યો. તેમના તમામ કપડાં કાદવવાળા થઈ ગયા હતા. તેમણે તેને ગટરમાંથી બહાર કાઢીને મૂકયો, ત્યારબાદ તે અંદર ગયા. લોકોએ પૂછ્યું, ‘શું વાત હતી?’ તમે આટલા ગભરાઈને કામ રોકીને બહાર કેમ ગયા?’ તો તેમણે કહ્યું, ‘એકનો જીવ જોખમમાં હતો.’ આ પ્રેમનું કેટલું સરળ જેવુ કૃત્ય હતું, પરતું કેટલું અદભૂત હતું.

(ઓશો)

(ધ્યાન સૂત્ર પુસ્તકમાંથી/સૌજન્ય ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન)