બેન્ક ઓફ ઇન્ડિયામાં ક્લાર્ક તરીકે જોડાઈ બ્રાન્ચ-મેનેજર તરીકે વટભેર નોકરી પૂરી કરી એવા કર્તવ્યનિષ્ઠ, શિસ્તના આગ્રહી અને દૂરંદેશી વડીલ રસિકલાલ પરીખની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ આતરસુંબામાં થયો. એક નાનો ભાઈ, એક નાની બહેન. પ્રાથમિક અભ્યાસ આતરસુંબામાં કર્યો. મેટ્રિક સુધીનો અભ્યાસ પિતરાઇ ભાઈને ઘેર રહી વડોદરામાં કર્યો. કર્મભૂમિ અમદાવાદ. રેશનિંગની દુકાનમાં નોકરી શરૂ કરી. નાના ભાઈને મુંબઈથી અમદાવાદ બોલાવી, દુકાન, ઘર વગેરે કરાવી સેટ કર્યા. વિલાસતારાબહેન સાથે લગ્ન થયા. તેમને ત્રણ દીકરા: હર્ષદ, જયેશ અને જયપ્રકાશ. બાળકો સારો અભ્યાસ કરે તે તેમનું સ્વપ્ન હતું. તેને માટે જરૂરી દરેક ફરજ તેમણે બજાવી. તેમને ઉચ્ચ-શિક્ષણ અપાવ્યું. તેમનો આગ્રહ કે દીકરાઓ જુદા-જુદા ક્ષેત્રમાં ઉચ્ચ-ડિગ્રી પ્રાપ્ત કરે. ત્રણે દીકરાઓ સરસ ભણ્યા. મોટા દીકરા હર્ષદભાઈએ એન્જિનિયર થઈ પરદેશમાં PhD કર્યું. વચેટ દીકરા જયેશભાઈ ડોક્ટર થયા અને આગળ MD સુધી અભ્યાસ કર્યો. નાના દીકરા જયપ્રકાશભાઈએ અહીં કોમર્સમાં CA, ICWAનો અભ્યાસ કર્યો અને અમેરિકા જઈ CPA કર્યું.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
8:00 વાગે ઊઠે, રાતથી તાંબાના લોટામાં રાખેલું પાણી સવારે પીએ, નાહી-ધોઈ ચા-નાસ્તો કરે. ઘરમાં આવતાં બધાં છાપાં અક્ષરેઅક્ષર વાંચે! દોઢ-બે કલાક થાય. જમીને આરામ કરે. 4:30 વાગે ઊઠી ચા પીએ. ફિઝિયોથેરેપીસ્ટ આવે તેની સાથે કસરત કરે. સાંજે કુટુંબના સભ્યો અને મહેમાનો સાથે વાતચીત કરી રાતના 8:00 વાગે જમે. આજે પણ ચમચી અને ફોર્કથી જમે છે! જમતાં-જમતાં હાથ બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખે. ઢોકળા પણ ફોર્કથી ખાય! અને હાંડવો, મુઠીયા વગેરે ફરસાણ સાથે કોકો-કોલા તો જોઈએ જ! કપડાં ઇસ્ત્રીવાળાં જ પહેરવાનાં, પણ જાતે ઇસ્ત્રી કરવાની! ટીવી જોતાં-જોતાં દસેક વાગે સુઈ જાય.
શોખના વિષયો:
ચાલવાનો ખૂબ શોખ. રોજ પાંચ કિલોમીટર ચાલતા. મિત્રો સાથે ગપાટા મારવા ગમે. ટીવી જોવું ગમે. શેર-બજારમાં રસ, પણ ક્યારેય સટ્ટો કરતા નહીં. ક્રિકેટ-મેચ જોવી ગમે, નાની સ્ક્રીન પર નહીં, મોટા ટીવી પર! હંમેશા ઊંચી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખતા. અક્ષરો એકદમ સરસ, લખાણમાં વ્યાકરણ કે સ્પેલિંગની કોઈ ભૂલ નહીં.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
ચાલવાના શોખને લીધે તબિયત ઘણી સારી છે. કોઈ રોગ નથી. થોડું ઓછું સંભળાય છે અને પાર્કિંસનની શરૂઆત હોય તેવું લાગે છે. દીકરો જ ડોક્ટર, પછી શું તકલીફ હોય?
યાદગાર પ્રસંગ:
બેંકમાં ક્લોઝિંગ ચાલતું હતું. તેઓ રીલીફ-રોડ બ્રાન્ચમાં. રાતના ઘણું મોડું થઈ ગયું. એ વખતે ઘેરઘેર ફોન તો હતા નહીં! પાડોશીને ઘેરથી તેમને બેંકમાં ફોન કર્યો તો કહે: “હજી તો રાતના ત્રણ જ વાગ્યા છે! મને મારું કામ શાંતિથી કરવા દો!” કામની ચિવટ અને કર્તવ્યનિષ્ઠાને કારણે તેઓ બેંકમાં “CP લગડી” તરીકે જાણીતા! ઉપરી-અધિકારીઓને માન આપતા પણ તેમની ખુશામત ક્યારેય ન કરતા. તેમના બા-બાપુજીનું બહુ ધ્યાન રાખતા. બાપુજીના અવસાન પછી બા તેમની સાથે જ રહેતાં. આજે તેમનાં બાળકો તેમનું બહુ ધ્યાન રાખે છે. વહુઓ તો દીકરીની જેમ સેવા કરે છે!
પોતે માત્ર મેટ્રિક સુધી જ ભણેલા પણ બાળકો વધુ ભણે તેવું તેમનું સ્વપ્ન. બાળકોને સારામાં સારી સ્કૂલ અને કોલેજમાં મૂક્યા. દર મહિને 100 રૂપિયાની FD કરતા, જેથી મોટો દીકરો ભણતર માટે સહેલાઈથી અમેરિકા જઈ શક્યો.
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
સમયની સાથે ચાલે છે! નવી ટેકનોલોજી વાપરી જાણે છે. અમેરિકા હતા ત્યારે કોમ્પ્યુટર ઉપર ગુજરાત સમાચાર વાંચતા અને અહીંના બધા સમાચાર મેળવતા! ‘બેસણા’ના સમાચાર વાંચી યોગ્ય માણસોને ફોન પણ કરતા!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
20 રૂપિયાના પગારથી શરૂઆત કરી છે એટલે આજના ખર્ચા તેમને બિનજરૂરી લાગે છે. ‘બાળકો ખોટા ખર્ચા કરે છે’ તેવું તેમને ઘણી વાર લાગે છે. જરૂરિયાતવાળા માણસોને મદદ કરે. મંદિરમાં ભેટ ન આપે પણ NGOમાં મદદ ચોક્કસ કરે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
બાળકો અને યુવાનો સાથે વાતો કરવી ગમે. પુત્રો, વહુઓ, પૌત્રો-પૌત્રીઓ, પ્રપૌત્રો-પ્રપૌત્રીઓ અને કુટુંબનાં બધાં સભ્યો સાથે વાતો કરવી ગમે. કુટુંબના દરેક માણસને વાર-તહેવારે રોકડ રકમની ગિફ્ટ આપે! બાળકો સાથે ડિઝની-વર્લ્ડની દરેક રાઈડ એન્જોય કરે. જાતજાતનું ખાવાનું ભાવે. પીઝા અને મેક્સિકન-ફૂડ પણ ભાવે!
સંદેશો :
કર્તવ્યનિષ્ઠ બનો, શિસ્ત જાળવો, ભણતર ઉપર ધ્યાન આપો. ચાલતા રહો તો જીવન પણ ચાલતું રહેશે!