કાન્તિ ભટ્ટઃ આવા હતા આ અલગારી પત્રકારઋષિ…

હું એમનો હનુમાન હતો? ના… હું એમનો ચેલો હતો? ના… એ તો ન હતા મારા માનસપિતા કે ન હતો હું એમનો માનસપુત્ર. આમ છતાં…

ભરત ઘેલાણીના શબ્દોમાં એક વિશેષ સ્મૃતિલેખ.


બોલો, એડિટરજી… આજે આ ભટ્ટ તમને શું પીવડાવે… મીઠી ગુલાબી-બાદશાહી કે કડક મીઠી?

સામેથી આવો સવાલ ફંગોળાય એટલે મારી સામે એક દ્રશ્ય ઊપસી આવે:

મુંબઈ-કાલબાદેવીના ભીડભાડવાળા વિસ્તારમાં કોઈ ભટ્ટના ચાના ભઠ્ઠા પર પોતિયું પહેરેલા, ખુલ્લા બદનના ખભા પર ગમછો નાખેલા ને હાથમાં સાણસીથી પકડેલી મોટી તપેલીમાં ગરમાગરમ ખુશબૂદાર ચા ઉકાળતા કાન્તિભાઈ મને પૂછી રહ્યા છે:

એક ઉષ્માભર્યું આલિંગન ને એક અ-નોખા દ્રોણાચાર્યની સૂચક સલાહઃ ‘તું આ કાન્તિની ઝેરોક્સ ન થતો… ભરત થજે!’

ગુલાબી-બાદશાહી કે કડક મીઠી…?

ટૂંકમાં, બહુ મૂડમાં હોય તો કાન્તિભાઈ આવા મજાકિયા સ્વરે પૂછે: આજે લખવા માટે કયો વિષય પસંદ કરીએ?

હું પણ એ જ ટોનમાં વરદી આપું:

ભટ્ટજી, આજે તો ‘કડક બાદશાહી’ આવવા દો!

– ને પછી અમે બન્ને ખડખડાટ હસી પડીએ!

એમનું એ અલગારી હાસ્ય ને આવો સંવાદ હવે હંમેશને માટે વિરમી ગયાં છે.

હું કાન્તિભાઈને ક્યારથી ઓળખું?

આજે હું ચિત્રલેખા સાથે ચાલીસ વર્ષથી સંકળાયેલો છું, પણ કાન્તિભાઈને ઓળખું ૪૨-૪૩ વર્ષથી. પહેલાં કાન્તિભાઈને ‘ચિત્રલેખા’ના વાચક તરીકે… પછી કાન્તિભાઈને ચાહક તરીકે… પછી એ મારા માનીતા પત્રકાર બન્યા અન્ય હજારો વાચકોની જેમ… પછી દૂર કલકત્તામાં બેસીને પહેલાં એકલવ્યની જેમ એમના લેખ-શૈલીનું અધ્યયન કરતો. એમની જેમ માહિતી એકઠી કરવાનો પ્રયત્ન કરતો. ત્યારે કલકત્તાથી ફ્રીલાન્સ પત્રકાર તરીકે મારા લેખ ‘ચિત્રલેખા’માં પ્રગટ થવા લાગ્યા હતા એટલે કાન્તિભાઈને ક્યારેક પત્ર લખતો. હક્કથી ફોન પણ કરતો. લેખો વિશે વાતો થતી.

આ દરમિયાન મેં કલકત્તાની બહુ વિવાદાસ્પદ પિયરલેસ કંપની પર સવિસ્તર લખ્યું. ‘ચિત્રલેખા’માં એ લેખ કવર સ્ટોરી તરીકે પ્રગટ થયો: ‘પિયરલેસનો પરપોટો ફૂટી જશે?’

એ સંશોધનાત્મક લેખને સારો પ્રતિસાદ મળ્યો. મેં હોંશે હોંશે કાન્તિભાઈને ફો કર્યો એમનો અભિપ્રાય જાણવા.

એ કહે: દોસ્ત, તારો લેખ વાંચ્યો. માહિતી સરસ છે, પણ વાચકો તો મને અભિનંદન આપે છે. કહે છે-માને છે કે ‘પિયરલેસ’ લેખનો આ અહેવાલ મેં-‘કાન્તિ ભટ્ટે’ લખ્યો છે. ‘ભરત ઘેલાણી’ તો મારું બીજું ઉપનામ છે!

આ સાંભળીને હું તો રાજીનો રેડમ્મ રેડ… ખુશાલીથી હું બોલી ઊઠ્યો: અરે વાહ, મજાની વાત કે’વાય આ તો…!

પછી તો કવિ-ડૉ. સુરેશ દલાલના શબ્દોમાં કહું તો આપણે તો ગાલીચો પાથરીને ગુલાંટ મારી!

જો કે કાન્તિભાઈએ મને પેલી કાલ્પનિક ગુલાંટ મારતાં અટકાવ્યો. કહે:

‘દોસ્ત, આમાં રાજી થવા જેવું નથી. જો, આવતી કાલે મારા-કાન્તિ ભટ્ટ જેવા ત્રણ-ચાર કાન્તિ ભટ્ટ પેદા થઈ જશે… તારે મારી ચોથી-પાંચમી ઝેરોક્સ થવાની જરૂર નથી… તું કાન્તિ ભટ્ટ નહીં, ભરત ઘેલાણી જ થાય તો મને વધુ ગમશે!’

એમની આ ટકોર મને સોંસરવી વીંધી ગઈ. સમજાયું: આ કંઈ પેલા મહાભારતના દ્રોણાચાર્ય નથી, જે એકલવ્યનો અંગૂઠો માગી લે-કપાવી નખાવે! આ દ્રોણાચાર્યએ તો મારા માથા પર પોતાની પાંચેય આંગળી પ્રસારીને જાણે આશીર્વાદ આપ્યા:

તું કાન્તિ નહીં, ભરત થજે!

એ પછી ન તો હું એમનો હનુમાન બન્યો-ન તો ચેલો-ન તો એ મારા માનસપિતા હતા કે ન તો હું એમનો માનસપુત્ર…

એમની પેલી સલાહ-ટકોર હૃદયમાં સંઘરી રાખ્યા પછી પત્રકાર તરીકેના મારા જીવનનો પ્રવાહ હંમેશને માટે પલટાઈ ગયો…

પાછળથી હું મુંબઈ આવ્યો. વિધિવત્ ‘ચિત્રલેખા’માં જોડાયો. ત્યારે એ મારા સિનિયર ને બીજાની જેમ હું નવોદિત પત્રકાર-એમનો જુનિયર. સમય જતાં અમે (એ-શીલા ભટ્ટ તથા હું) સહયોગી થયાં. એ બન્ને સાથે ઘણાં એસાઈન્મેન્ટ કર્યા પછી કાળક્રમે હું ‘ચિત્રલેખા’નો તંત્રી બન્યો…

હું એમનાથી વય-અનુભવમાં ઘણો નાનો, પણ એક વાર તંત્રી થયા પછી પણ એ એક તંત્રીને અપાય એવું જ માન-સમ્માન આપે ને અક્ષરશ: પાલન પણ કરે.

એમણે લખેલા લેખમાં મેં સૂચવેલા મુદ્દા ન હોય અને હું કહું કે લેખ લખીને ફરી મોકલો તો કેટલીક વાર તો એક જ વિષય પર એમણે દિવસમાં ત્રણ-ત્રણ વાર લેખ ફરી ફરીને લખીને મોકલ્યા છે. ક્યારેય કંટાળો નહીં-ક્યારેય અણગમાનો ઉફ્ફ… સુદ્ધાં પણ નહીં!

એ કહેતા: ‘તંત્રી એટલે તંત્રી. સૈન્યનો સેનાપતિ. એ જે માગે એની ટીમના પત્રકારોએ આપવું જ રહ્યું. ન ફાવે તો પ્રકાશન છોડી દો, પણ તંત્રીની વાત ક્યારેય ન ઉથાપો!’

જો કે સહયોગી તરીકે કાન્તિભાઈ સાથે ઢગલાબંધ સ્મૃતિઓ સચવાયેલી છે-કેટકેટલાંય ઘટનાસ્થળોએ જઈને કેટલાય અહેવાલ સાથે લખ્યા: કોને યાદ કરું… કોને ભૂલું?

અહીં એક આડવાત: કાન્તિભાઈની પ્રાર્થનાસભા પછી શીલાબહે મને કહે: ‘ભરત, મને ખરેખર તારી ઈર્ષા આવે છે. મારા કરતાં તેં વધુ કલાકો-વધુ વર્ષો કાન્તિ સાથે ગાળ્યાં છે!

વાત એમની સાચી… ઉદાહરણ તરીકે:

માધવસિંહભાઈ સોલંકી ગુજરાતના સત્તાસ્થાને હતા ત્યારે જાગેલા ઝંઝાવાતી અનામત આંદોલન વખતે અમે દર અઠવાડિયે સરેરાશ બે વાર અમદાવાદ જઈને રિપોર્ટિંગ કરતા. ક્યારેક કાન્તિ ભટ્ટ મારી સાથે હોય તો ક્યારેક શીલા ભટ્ટ… કલાકો સુધી કરફ્યૂમાં બાવડે પ્રેસ લખેલા બિલ્લા બાંધી ફોટોગ્રાફર કલ્પેશ દુધિયા સાથે રઝળપાટ કરતા. પોલીસની લાઠીઓ ખાધી. તોફાનીઓનાં સ્ટેબિંગના પ્રયાસ ચૂકવ્યા… દૈનિક ગુજરાત સમાચારની ઈમારત સળગી ત્યારે કાન્તિભાઈ અને હું સાથે ત્યાં.

એ વખતનાં તોફાનોને લીધે માધવસિંહભાઈની સરકાર સત્તા ગુમાવવાના ભયમાં હતી. અમે મુખ્ય પ્રધાનશ્રી માધવસિંહભાઈની મુલાકાત માગી હતી. સાંજનું નક્કી થયું. એ પતાવી અમારે મુંબઈની રિટર્ન ફ્લાઈટ પકડવાની હતી. નિયત સમયે અમે સચિવાલય પહોંચ્યા. અનેક પત્રકારો એમને મળવા બેઠા હતા. સીએમ કોઈ વિદેશી પત્રકાર (રોઈટર ન્યૂઝ એજન્સી)ને ઈન્ટરવ્યૂ આપી રહ્યા હતા. થોડો સમય અમે બેઠા. પછી કાન્તિભાઈ ગિન્નાયા. મારો હાથ પકડીને સીએમની કૅબિન તરફ ધસડી ગયા. હું આનાકાની કરતો રહ્યો ત્યાં એમની કૅબિનમાં ધસી જઈને કાન્તિભાઈએ રોષ ઉછાળ્યો:

‘માધવસિંહભાઈ, આ બરાબર ન કહેવાય… તમે અમને ટાઈમ આપેલો, પણ તમે આ વિદેશીને પહેલો બોલાવ્યો… અમે જઈએ છીએ. ફ્લાઈટ પકડવી છે… આવજો… ફરી મળીશું-હવે તમે બોલાવશો તો જ!’

કાન્તિભાઈના આવા અચાનક આક્રમણથી માધવસિંહભાઈ અવાક. એ ઊભા થઈ ગયા. કહે:

‘અરે કાન્તિભાઈ, પ્લીઝ… પાંચ મિનિટ થોભો, પછી તમને જ બોલાવું છું. ફ્લાઈટની ચિંતા ન કરો!’

– ને પાંચમી મિનિટે અમે અંદર હતા. ફટાફટ એમનો ઈન્ટરવ્યૂ પતાવ્યો, છતાંય આમાં વીસ-પચ્ચીસ મિનિટ ગઈ. ઝડપભેર અમે ઍરપોર્ટ પહોંચ્યા હતા. અમને ભય હતો: અમારી છેલ્લી ફ્લાઈટ ગઈ… પણ ગુજરાતના મુખ્ય મંત્રી માધવસિંહભાઈના આદેશથી ફ્લાઈટ અમારી રાહ જોઈને ખાસ મોડી ઊપડી…!

આવી હતી પત્રકાર તરીકે કાન્તિભાઈની ખુમારી… આવો હતો એમનો રુઆબ!

આવી તો કેટલીય ઘટના છે, જેનો હું સાક્ષી રહ્યો છું. સ્થળસંકોચને કારણે બધી અહીં રજૂ ન થાય, પરંતુ ભોપાલ ગૅસકાંડ તો ખાસ રજૂ કરવો જ પડે…

૧૯૮૪ની ૨-૩ ડિસેમ્બરની રાતે ભોપાલની કારમી ગૅસદુર્ઘટના થઈ. રાતે એ સમાચાર ટીવી પર જોઈને હ.ભાઈ (‘ચિત્રલેખા’ના તંત્રી-પથદર્શક હરકિસનભાઈ મહેતા) મને કહે:

‘ઘેલાણી, કાલે જ સવારે ઊપડો ભોપાલ.’

મેં થોડાં ગલ્લાંતલ્લાં કર્યાં: છેલ્લી મિનિટે ફ્લાઈટની ટિકિટ નહીં મળે… જો કે મારી એક પણ દલીલ સાંભળ્યા વગર હરકિસનભાઈ દ્રઢતાથી કહે: વિમાનની પાંખ પર બેસીનેય પહોંચો!

એ વખતે કાન્તિભાઈની તબિયત નાદુરસ્ત. આમેય હું આવા પ્રકારની દુર્ઘટનાઓનો અહેવાલ બધા કરતાં ઝડપભેર લખી શકતો એટલે મને ભોપાલ મોકલવામાં આવ્યો. પહોંચીને મારી સૂઝ-અનુભવ મુજબ માહિતી એકઠી કરવાની શરૂ કરી. એ રાતે હરકિસનભાઈનો ફોન આવ્યો:

‘ભોપાલકાંડના જે રીતે મૃત્યાંકના અહેવાલ આવી રહ્યા છે એ જોઈને કાન્તિને ત્યાં આવવું છે… કાલ સવારે ઍરપોર્ટ પર લેવા જજો!’ ને એ પછી કાન્તિ ભટ્ટના સંગાથે પછીના બે દિવસ અમે ભોપાલ ગૅસ ટ્રેજેડીનું જે કવરેજ કર્યું એ માત્ર ગુજરાતી જ નહીં, બધી જ ભાષાના પત્રકારત્વમાં શ્રેષ્ઠ નીવડ્યું. અહીં માત્ર એ લેખની અમારી શરૂઆતની આ ઝલક વાંચો…

ભોપાલમાં મૈયતની વણજાર વચ્ચે…

ભોપાલ ઝેરી ગેસદુર્ઘટનાઃ મૈયતના ટ્રાફિક જામની હચમચાવી દેતી સચોટ રજૂઆત…

ભોપાલમાં અમે એક નવી જ જાતનો ટ્રાફિક જામ જોયો. મુંબઈના ફોર્ટ વિસ્તારમાં મોટરોનો ટ્રાફિક જામ જોયો છે… બાન્દ્રામાં રિક્ષાએ ઊભો કરેલો ટ્રાફિક જામ જોયો છે… ભુલેશ્ર્વરમાં બૈરાંઓએ સર્જેલો ટ્રાફિક જામ જોયો છે અને કલકત્તાની કલાકાર સ્ટ્રીટમાં તો ગાય-બળદોએ ઊભો કરેલો ટ્રાફિક જામ પણ જોયો છે, પરંતુ એ દિવસે ભોપાલની સડકના એક ચોરસ્તા પર અમે જુદી જ જાતનો ટ્રાફિક જામ જોયો. ચાર દિશામાંથી આવતી મૈયતો, મડદાંઓ અને બેહોશ બનેલા માનવોનાં સ્ટ્રેચરોના ટ્રાફિક જામને ઉકેલવા પોલીસ ઊભો ઊભો સાઈડ આપતો હતો.

સોમવાર તારીખ ત્રીજી ડિસેમ્બરે ભોપાલમાં ૨૧ જેટલા વરરાજાઓની બારાતો નીકળવાની હતી એેને બદલે યુનિયન કાર્બાઈડથી કતલેખ્વાહીશ ગૅસ નીકળ્યો ને…

(ભોપાલ ગૅસકાંડ દરમિયાન કાન્તિભાઈ સાથેના બીજા કેટલાક અનુભવો વિશે વિગતવાર ફરી ક્યારેક…)

કાન્તિભાઈ સાવ અલગારી ને મનમોજી. એ બાળક જેવા લાડ ઈચ્છે, સાસુજીની જેમ રોષે ભરાય ને નવી વહુની જેમ કેટલીય વાર રિસાઈ પણ જાય!

કાન્તિભાઈ સંનિષ્ઠ પત્રકાર હતા. પત્રકારત્વ એમના માટે માત્ર પૅશન-લગન નહોતી. ધૂનકી હતી-ઝનૂન હતું…

પોતાની છબિ પર ઘણી વાર જાતે જ સુખડનો હાર ચડાવી દેતા. મૃત્યુ તરફ એમને જાણે કોઈ અદમ્ય ખેંચાણ રહેતું… એકમાત્ર પુત્રી શક્તિના અકાલ મરણ પછી ગણતરીના કલાકોમાં લખ્યો કાન્તિભાઈએ આ લેખ..!

– પણ આવા પત્રકારના દેહમાં કો’ક અજાણ્યા ખૂણે પિતાનું હૃદય પણ ધબકતું હતું. પત્રકાર પત્ની શીલા-કાન્તિ ભટ્ટનું એક માત્ર સંતાન શક્તિ (શીલા + કાન્તિ = શક્તિ). ખરા અર્થમાં બન્નેના જીવનની એ શક્તિ હતી-એ બન્નેના પત્રકારત્વની વારસદાર પણ ખરી…

જર્નલિઝમ-એડિટિંગનું શક્તિ અમેરિકામાં ભણી. પત્રકારત્વનો અનુભવ લીધો. પસંદગીનાં લગ્ન કર્યાં ને દિલ્હીમાં જાણીતી પુસ્તક પ્રકાશન કંપની રેન્ડમ પબ્લિશિંગ હાઉસ (ઈન્ડિયા)ની તંત્રી બની. પાછળથી એણે બ્રેકેટ બુક્સ પ્રકાશન કંપની શરૂ કરી, પણ એના ત્રણ મહિનામાં જ અનેક સપનાં આંખમાં આંજીને બેઠેલી ૨૭ વર્ષની શક્તિ સાથે કુદરત કપટ ખેલી ગઈ. એનું અ-કાળ અવસાન થયું.

શક્તિને જન્મથી મેં ઊછરતી જોઈ છે. એની કારકિર્દીના પ્રત્યેક તબક્કાથી માહિતગાર એટલે એનું આકસ્મિક અવસાન અમને બધાને દિગ્મૂઢ કરી મૂકે એવું હતું ત્યારે શીલા-કાન્તિ ભટ્ટ પર શું વીત્યું હશે એ કલ્પના જ આજે પણ ધ્રુજાવી દે એવી છે…

મધરાતે અમને દિલ્હીથી આ અ-શુભ સમાચાર મળ્યા. શીલાબહે ત્યારે ત્યાં દિલ્હી હતાં. વહેલી સવારે કોટક પરિવાર-‘ચિત્રલેખા’ ટીમ, વગેરે અમે બધા કાન્તિભાઈના ઘરે પહોંચી ગયા. શક્તિના સમાચાર મળ્યા પછી આખી રાત પોતાનો રૂમ બંધ કરી અંદર એકલા બેસી રહેલા કાન્તિભાઈ વહેલી સવારે ઘરથી ગુમ હતા. અમે બધા ચિંતામાં:

આવા વખતે ક્યાં હશે એ? એ મોબાઈલ રાખતા નહીં. ક્યાં શોધવા એમને?

અમે બધા વિહવળ. અચાનક કાન્તિભાઈ પ્રગટ્યા. હાથમાં એક પૅકેટ. પ્રવેશદ્વાર પર ઊભા રહ્યા. અમને બધાને જોઈને તરડાયેલા સ્મિત સાથે એ બોલ્યા:

આ પેંડા ખાવ… મંદિરે ગયો હતો. ગરીબોને મીઠાઈ ખવડાવી… શક્તિએ અહીંથી વિદાય લીધી, પણ અમારી એ શક્તિનો આજે બીજે ક્યાંક તો હૅપી બર્થ-ડે હશે ને?!

બસ, આટલું કહેતાં જ એ ઉંબરા પર ફસડાઈ પડ્યા…

એ દ્રશ્ય જોઈને અમે બધા અવાક-સ્તબ્ધ!

થોડી જ મિનિટમાં સ્વસ્થ થઈને એ એમની બેઠક પર ગોઠવાયા. પછી મારી તરફ ઈશારો કરી કહે:

‘સામેના બુક શેલ્ફમાં ડેથ વિશે બે-ત્રણ પુસ્તક છે એમાંથી ફલાણું લાવ!

મેં આપ્યું. એમણે એમાંથી ડેથ-મૃત્યુ-મોત વિશેનાં ચાર-પાંચ અવતરણ વાંચીને અમને સંભળાવ્યાં… અમારે તો આ વખતે શું બોલવું-કહેવું એ જ સમજાતું નહોતું. બધા ડઘાઈ ગયા હતા. પછી એ મારી તરફ ફર્યા. કહે:

ભરત, આ અંકમાં મારા માટે ત્રણ પાનાં રાખ. આ વખતે ‘અવસાન’ પર હું લખીશ!

– અને અમે તો નહીં, તમે પણ નહીં માનો, પાંચ કલાક પછી ઢળતી સાંજે મારા ટેબલ પર મૃત્યુ વિશે એમના લેખની કૉપી પહોંચી ગઈ હતી!

દીકરીના અવસાનની આવી અચાનક ત્રાટકી પડેલી આફતથી અહીં એક પિતા ભાંગી પડ્યો હતો… પણ એક પત્રકાર અડગ ખડો રહ્યો હતો!

આ લેખ લખતી વખતે સહેજ આંખો મીંચું છું ત્યારે આજે આ બધી ને બીજી અનેક યાદ તાજી થતી જાય છે. ત્યારે મને જાણે સંભળાય છે એમનો પેલો ચિર-પરિચિત મજાકિયો સ્વર. જાણે પૂછે છે:

એઈ એડિટરજી, બોલો… આજે આ ભટ્ટ અહીંથી-સ્વર્ગથી તમને શું પીવડાવે… મીઠી ગુલાબી કે કડક બાદશાહી?!

હજુ હું કંઈ જવાબ આપું ત્યાં જાણે આંખ મીંચકારતા હોય એમ કાન્તિભાઈનો રમતિયાળ સ્વર પડઘાય:

આજે તો હું તને અહીંથી ગરમાગરમ ગુલાબી એવી પેલી નખરાળી અપ્સરા મેકાનો જ ઈન્ટરવ્યૂ મોકલું છું!