લઘુગ્રહને અપાયું ‘પંડિત જસરાજ’ નામ…

ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ અવકાશમાં મંગળ અને ગુરુ ગ્રહોની કક્ષાઓની વચ્ચે શોધી કાઢેલા એક માઈનર પ્લેનેટ (લઘુગ્રહ)ને સુપ્રસિદ્ધ ભારતીય શાસ્ત્રીગ કંઠ્ય ગાયક પંડિત જસરાજનું નામ આપ્યું છે. એ ગ્રહની શોધ 2006ની 11 નવેંબરે કરવામાં આવી હતી.

આ લઘુગ્રહને અગાઉ ‘2006 વીપી 32’ તરીકે ઓળખવામાં આવતો હતો, પણ હવે એનું ‘પંડિતજસરાજ’ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે. આ સમ્માન મેળવનાર પંડિત જસરાજ સંગીતક્ષેત્રના પહેલા ભારતીય છે.

ઉલ્લેખનીય છે કે માઈનર પ્લેનેટ એ ગ્રહ હોય છે જે ન તો ગ્રહ હોય છે કે ન તો ધૂમકેતુ (ધ્રૂવનો તારો).

89 વર્ષીય પંડિત જસરાજ હાલ અમેરિકામાં રહે છે.

પંડિત જસરાજ લઘુગ્રહને ટેકનિકલ નામ રૂપે આ નંબર આપવામાં આવ્યો છે – 300128, જેને ઊંધેથી વાંચતા પંડિત જસરાજની જન્મતારીખ જાણવા મળે છે – 28/01/30.

IAU સંસ્થાના ખગોળવિજ્ઞાનીઓ અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા NASA (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) સાથે સંકળાયેલા છે.

પંડિત જસરાજના પુત્રી દુર્ગા જસરાજે આ વિશેની જાણકારી આપતાં કહ્યું કે IAU દ્વારા ગઈ 23 સપ્ટેંબરે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી અને બાદમાં એમણે એક પ્રશસ્તિપત્ર પણ આપ્યું હતું.

પ્રશસ્તિપત્ર (પ્રતીક ચિન્હ) IAU સંસ્થાએ પંડિત જસરાજના મુંબઈસ્થિત નિવાસસ્થાને પહોંચાડ્યું હતું.

પંડિત જસરાજનો પરિચય…

એમણે પંડિત મનીરામ, જયવંત સિંહ વાઘેલા, ઉસ્તાદ ગુલામ કાદર ખાન (મેવાત ઘરાના) અને સ્વામી વલ્લભદાસ (આગરા ઘરાના) પાસેથી શાસ્ત્રીય કંઠ્ય સંગીતની તાલીમ લીધી હતી.

એમને વર્ષ 1987માં ‘સંગીત નાટક અકાદમી પુરસ્કાર’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 1990માં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’થી, 2000માં ભારત સરકાર દ્વારા ‘પદ્મવિભૂષણ’થી, 2010માં ‘સંગીત નાટક અકાદમી ફેલોશિપ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

પંડિત જસરાજ મેવાતી ઘરાના સંગીત યુગના ગાયક છે. જેની સ્થાપના ઉસ્તાદ ઘગ્ગે નઝીર ખાન અને ઉસ્તાદ વાહિદ ખાને જોધપુરના દરબારમાં કરી હતી.

હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના પિલી મંડોરી ગામમાં જન્મેલા પંડિત જસરાજ જે મેવાતી ઘરાનાનાં ગાયક છે તે ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રતિ ભક્તિ માટે જાણીતું છે.

તેઓ કૃષ્ણ અને હનુમાનજીના ભક્ત છે. મોટે ભાગે ભગવાન શ્રીકૃષ્ણના ભજન ગાય છે.

શરૂઆતમાં, એમના પિતા મોતીરામે જ એમને ગાયકીનું પ્રશિક્ષણ આપ્યું હતું. બાદમાં એમણે તેમના ભાઈ અને ગુરુ પંડિત મનીરામની સાથે એક તબલાવાદકના રૂપમાં કાર્ય શરૂ કર્યું હતું.

પંડિત જસરાજના પત્ની મધુરાએ ગીત-ગોવિંદ, કાન કહાની, સૂરદાસ જેવી અમુક દસ્તાવેજી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. 2009માં મધુરાએ એક ફિલ્મ બનાવી હતી – ‘સંગીત માર્તંડ પંડિત જસરાજ’ જે એમના પતિ પંડિત જસરાજના જીવન પર આધારિત છે.

જાણીતા સંગીતકાર બંધુઓ – જતીન અને લલિત એમના ભત્રીજા છે અને અભિનેત્રી સુલક્ષણા પંડિત અને વિજયતા પંડિત એમની ભત્રીજીઓ છે.

પંડિત જસરાજ મૂળ તબલાવાદક બનવા માગતા હતા. 1946માં એમણે કલકત્તામાં એક ભારતીય શાસ્ત્રીય કાર્યક્રમમાં તબલાવાદન પેશ પણ કર્યું હતું. પરંતુ એ સમયમાં લોકો તબલાવાદકને હીણભાવનાથી જોતા હતા એટલે એમણે સંગીતકાર બનવાનું નક્કી કર્યું હતું. 14 વર્ષની ઉંમરે જ એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે પોતે જ્યાં સુધી પોતે સંગીતકાર નહીં બને ત્યાં સુધી પોતાના માથાના વાળ નહીં કપાવે.

16 વર્ષની ઉંમરે એમણએ ગાયકના રૂપમાં પ્રશિક્ષણ શરૂ કર્યું હતું અને 22 વર્ષની વયે પોતાનો પહેલો લાઈવ સંગીત કાર્યક્રમ આપ્યો હતો.

ગ્રહનું પોતાના નામથી નામકરણ કરાતાં પંડિત જસરાજ હવે મોઝાર્ટ, બીથોવન અને ટેનલ લ્યુસિઆનો પાવારોટ્ટી જેવા અમર બની ગયેલા સંગીતકારોની હરોળમાં આવી ગયા છે.

પંડિત જસરાજે અમેરિકામાંથી પોતાની પ્રતિક્રિયા દર્શાવી છે. એમણે જણાવ્યું કે, મારું અહોભાગ્ય છે… ઈશ્વરની અસીમ કૃપાથી મને સમ્માન મળ્યું છે. ભારત અને ભારતીય સંગીત માટે આ ઈશ્વરના આશીર્વાદ છે.

પ્રશસ્તિપત્રમાં પંડિત જસરાજને સંગીત માર્તંડ તરીકે ગણાવવામાં આવ્યા છે. વધુમાં લખવામાં આવ્યું છે કે ભારતીય શાસ્ત્રીય કંઠ્ય સંગીતના નિષ્ણાત પંડિત જસરાજે સંગીત માટે એમનું જીવન સમર્પિત કરી દીધું છે. એમણે ઘણા એવોર્ડ, સમ્માન, ખિતાબ જીત્યા છે.

અમેરિકાના એરિઝોનામાં ખગોળવિજ્ઞાનની જાણીતી સંસ્થા કેટાલિના સ્કાય સર્વે દ્વારા અનેક ટેલીસ્કોપ્સની મદદથી ઍસ્ટરૉઇડ – નાનકડા ગ્રહને શોધવામાં આવ્યો હતો, જેને હવે ‘પંડિતજસરાજ’ નામ આપવામાં આવ્યું છે.
IAUની સ્થાપના 1919માં કરવામાં આવી હતી. સંસ્થાનો ઉદ્દેશ્ય ખગોળવિજ્ઞાનને ઉત્તેજન આપવા અને તેનું સંરક્ષણ કરવાનો છે.

IAUની મહાસભાની બેઠક ત્રણ વર્ષમાં એકવાર યોજાય છે. છેલ્લે તેની બેઠક 2018માં ઓસ્ટ્રિયાના વિએનામાં યોજાઈ હતી. હવે 2021માં સાઉથ કોરિયાના બુસનમાં યોજાશે.

નવા પંડિત જસરાજ ગ્રહની તસવીર તથા એ વિશેની માહિતી ટૂંક સમયમાં IAUની વેબસાઈટ પર જોવા મળશે.