થોડા મહિના પૂર્વે મુંબઈની કલ્પના સાઠેનો ફોન આવ્યો. `મારો વિઝા રિજેક્ટ થયો, કશું કરી શકાશે?’ તેઓ નોર્ધર્ન લાઈટ્સ જોવા માટે આઈસલેન્ડ્સમાં નીકળ્યાં હતાં. દાદર શિવાજી પાર્ક ઓફિસમાંથી તેમણે બુકિંગ કર્યું હતું. તેમનો વિઝા રિજેક્ટ થવાનું કારણ બહુ નાનું હતું, પરંતુ નજીવું નહોતું.
એટલે કે, જેઓ હવે પછી યુરોપ જવાના છે તેમણે તે ધ્યાનમાં રાખવું જોઈએ. વિઝા એપ્લિકેશન આપ્યા પછી ઘણી વાર કોન્સ્યુલેટ્સમાંથી તમને ફોન આવે છે ડાયરેક્ટ તમારા પર્સનલ ફોન નંબર પર અને ખાતરી કરી લેવાય છે કે ખરેખર તમે તેમના દેશમાં જવાના છો કે કેમ. આ જ રીતે આ ફોન કલ્પનાને પણ આવ્યો હતો અને તેણે ઉપાડ્યો નહીં, જેમાં તેમની ભૂલ છે એમ નહીં કહી શકાય, કારણ કે આજકાલ એટલા સ્પૅમ ફોન્સ આવે છે, લોન જોઈએ? એસી સમારકામ કરવાનું છે? ઈન્શ્યુરન્સ જોઈએ… એકથી એક. કોઈક કાંઈક વેચતા હોય છે જે આપણને નથી જોઈતું હોતું અને અમુક ફ્રોડ્યુલન્ટ કોલની કથા આપણે એટલી સાંભળી હોય છે કે તે ઝંઝટ જ નહીં જોઈએ, અજ્ઞાત નંબર્સ નહીં ઉપાડેલા જ સારા.અને તે જ વિચારને લીધે આ ફોન ઉપાડાયો નહીં હોય. રિજેકશનનો મેસેજ આવ્યો ત્યારે રિજેકશનનું કારણ સમજાયું અને તે હતું ફોન ઉપાડાયો નહીં, જેથી કોન્સ્યુલેટ ખાતરી કરી શકી નહીં અને વિઝા રિજેક્ટ થઈ ગયો.
રિજેકશન બહુ પીડાદાયક હોય છે અને કલ્પના સાઠેની ઘણાં વર્ષથી નોર્ધર્ન લાઈટ્સ જોવાની ઈચ્છા હતી. આવા સમયે આંખોમાંથી પાણી નહીં આવે તો જ નવાઈ. તેમણે તે વચ્ચેના સમયમાં સર્વ મિસ્ડ કોલ્સ ચેક કર્યા અને તેમને દેખાયું કે આ ઈન્ટરનેશનલ કોલ જે તેમણે ચેટ જીપીટી પર ચેક કર્યો તે આઈસલેન્ડનો હતો. એટલે કે, કોન્સ્યુલેટનો કોલ આવ્યો હતો અને તેમના તરફથી મિસ થઈ ગયો હતો. હવે બેજ વિકલ્પ હતા. વિઝા રિજેકશન સ્વીકારવાનું, કેન્સલેશન પેટે જે કાંઈ પૈસાનું નુકસાન થાય તે થવા દેવાનું અને નોર્ધર્ન લાઈટ્સ જોવાની ઈચ્છા હાલ તુરંત પ્રચંડ નુકસાન ભોગવીને છોડી દેવાની. બીજો વિકલ્પ હતો વિઝા માટે રિ-એપ્લાય કરવાનો. આમાં વધુ જોખમ હતું. તે એટલે દરેક કોન્સ્યુલેટ એપ્લિકેશન કર્યા પછી અમુક દિવસ વિઝા ગ્રાન્ટ કરવા માટે લે છે, તેટલા દિવસો હાથમાં નહોતા તે પ્રથમ રિસ્ક. બીજું, તે સમયે ટુર કેન્સલ કરાઈ હોત તો કમ સે કમ અમુક પૈસા પાછા મળવાના હતા, પરંતુ જો વિઝા માટે થોભ્યા હોત તો ફરી વિઝા રિજેક્ટ થયો હોત, જેને લીધે સર્વ પૈસા કેન્સલેશન પેટે વેડફાઈ જવાના હતા. બંને બાજુ મોકાણ હતી. અને આ પૈસા થોડા નહોતા, પરંતુ પાંચ લાખનો પ્રશ્ન હતો. અહીં કલ્પનાના યજમાન વસંત સાઠેએ તેમને કોન્ફિડેન્સ આપ્યો, `જુઓ, તમારી ઈચ્છા છે ને, તો પછી રિ-એપ્લાય કરો, વધુમાં વધુ ક્યા હો જાયેગા?… રિ-એપ્લાય બિન્ધાસ્ત.’
નોર્ધર્ન લાઈટ્સ જોવાની કલ્પનાની ઈચ્છાશક્તિ એટલી જબરદસ્ત હતી કે તેમણે રિ-એપ્લાય કર્યું અને મને મેસેજ મોકલ્યો, `લેટ્સ સી! રિ- એપ્લાઈડ.’ તેમના મેસેજનો મેં એટલો જ ઉત્તર આપ્યો કે આપણે બધાએ સર્વ પ્રયાસ કર્યા છે. હવે વિઝા મળવા માટે `પ્રાર્થના’ કરતા રહેવાનું એટલું જ આપણા હાથોમાં છે. આથી લેટ્સ પ્રે. અને તે પછી ત્રણ દિવસે કલ્પનાનો મેસેજ આવ્યો. તે વાંચ્યો અને ખુશીનો કોઈ પાર નહીં રહ્યો. વિઝા મળી ગયા હતા. કલ્પનાને નક્કી થયેલા સમયે તેમના ડ્રીમ ડેસ્ટિનેશન તરફ કૂચ કરી અને ચાર-પાંચ દિવસમાં ટુર પરથી ફોટો આવ્યા નોર્ધર્ન લાઈટ્સ સાથેના. `નેચરલ ફિનોમેના’ તેથી દેખાયું તો દેખાયું. પણ છેલ્લાં બે વર્ષ અમે જોઈ રહ્યા છીએ કે બધી ટુર્સમાં અમારા પર્યટકોને નોર્ધર્ન લાઈટ્સ જોવા મળ્યું. અહીં કલ્પનાની ખુશી તે નોર્ધર્ન લાઈટ્સના આસમાનમાં સમાય નહીં તેટલી હતી. ત્યાંથી તેમણે અમને તેમની ખુશી જણાવી અને પાછા આવ્યા પછી વિદ્યાવિહારની કોર્પોરેટ ઓફિસમાં આવીને તેઓ અમારી આખી ટીમને મળ્યાં. તેમના ચહેરા પરની ખુશી શબ્દમાં વર્ણવી શકાય એમ નહોતી. પર્યટકોના ચહેરા પરની આ ખુશી જ અમારો ધ્યેય અને ફરજ હોય છે.
જે વિઝાને પંદર દિવસ લાગે છે તે વિઝા રિ-એપ્લાય કર્યા પછી ત્રણ દિવસમાં આવી જવો તે `જબરદસ્ત ઈચ્છાશક્તિ, પ્રયત્ન અને પ્રાર્થના’નું ફળ હતું. આ બાબતો પર મારો વિશ્વાસ હતો જ, તે આ ઘટનાને લીધે વધુ વધી ગયો. મને કાયમ લાગતું કે પ્રયત્ન અને પ્રાર્થનાનો સંગમ એ જ જીવનનું અસલ ગણિત છે. ફક્ત પ્રયત્ન કરવામાં આવે અને પ્રાર્થના ભૂલી જવાય તો તેમાં ભાવનાનું સંતુલન રહેતું નથી, તે પ્રયત્ન યંત્રવત બની જાય છે, તેમાંથી જીવંતપણું નીકળી જાય છે. અને ફક્ત પ્રાર્થના કરાય, કૃતિ નહીં કરાય તો ફક્ત કલ્પનાવિલાસ થાય છે. કાળ, પરિસ્થિતિ, નિયતિ આ બધું જ આ બંનેના બેલેન્સ પર ચાલે છે. કલ્પનાનું ઉદાહરણ તે જ શીખવે છે. નોર્ધર્ન લાઈટ્સ જોવાનું સપનું, તે પૂર્ણ થવા પૂર્વે નકાર ભય નુકસાન આ ભાવનાઓનો કરવો પડેલો સામનો, પણ ભીતર પ્રબળ ઈચ્છા, પ્રામાણિક પ્રયત્ન અને એકધારી પ્રાર્થનાને લીધે નિયતિએ પણ સાથ આપ્યો. આ બધું ફક્ત એક પ્રોસેસ નહોતી, પરંતુ તે એક આધ્યાત્મિક ઘટના હતી, જ્યાં પ્રયત્નોએ દ્વાર ખખડાવ્યાં અને પ્રાર્થનાએ દ્વાર ખોલી નાખ્યાં. આપણા જીવનમાં આવુંજ બનતું રહે છે. ક્યારેક આપણે ફક્ત મહેનત કરતા રહીએ છીએ, પરંતુ કોઈક ઓછપ હોય છે એવું લાગતું રહે છે. ક્યારેક પ્રાર્થના કરતા રહીએ છીએ, પરંતુ કૃતિ થતી નથી. જીવન એટલે બંનેનું સંતુલન. આમ પણ કહી શકાય કે પ્રયત્ન એટલે કર્મ અને પ્રાર્થના એટલે શ્રદ્ધા. કર્મ સિવાય શ્રદ્ધા એટલે નિષ્ક્રિયતા અને શ્રદ્ધા સિવાય કર્મ એટલે અહંકાર, જે મહા ડેંન્જરસ હોય છે. જો કે કર્મ અને શ્રદ્ધા હકારાત્મક રીતે એકત્ર આવે તો તે બને છે ગોલ્ડન મોમેન્ટ.
કર્ણ્યેવાધિકારસ્તે… શિક્ષક, ખેડૂત અને નાવિકની બાબતમાં આપણે અગાઉથી સાંભળતા આવ્યા છીએ તે પ્રયત્ન અને પ્રાર્થનાનો એક ઉત્તમ દાખલો મને લાગે છે. શિક્ષક તેના વિદ્યાર્થીને મનઃપૂર્વક શીખવે છે, પરિણામ તેના હાથમાં નથી હોતા, પરંતુ પ્રયત્ન કરતો રહે છે. નાવિકને સમુદ્રમાં નૌકા લઈ જતી વખતે પવનની દિશાની સો ટકા ખાતરી નથી હોતી, છતાં તે યોગ્ય દિશામાં હલેસા મારવાનો પ્રયત્ન કરતો રહે છે. ખેડૂત રોજ ખેતરમાં જઈને ખેતી કરે છે. બીજ વાવે છે, રોપણી કરે છે, વરસાદ પડવો તે તેના હાથોમાં હોતું નથી, પરંતુ પ્રયત્ન ચાલુ રાખે છે અને આકાશ તરફ જોઈને પ્રાર્થના કરતો રહે છે. આ બધા જીવનના રૂપક જ છે, જ્યાં કૃતિ એ જ પ્રાર્થનાનો ભાગ બને છે. મને અનેકવાર એવું લાગે છે કે પ્રાર્થના એટલે ગૂઢ એવું કશું નથી. તે છે અંતર્મનની નિર્મળતા, જેને આપણે `બધું સારું થઈ જશે’ એવું વિશ્વાસથી કહીએ છીએ અને તે વિશ્વાસ જ આગળ આપણી વાસ્તવિકતા બદલે છે. અમે વીણા વર્લ્ડની અનેક મિટિંગ્સમાં તેની પર ચર્ચા કરી છે. `પ્રયત્ન કરતાં રહીશું, પ્રાર્થના કરતા રહીશું, રિઝલ્ટ નક્કી આવશે, કારણ કે જ્યારે પ્રયત્ન અને પ્રાર્થના એકત્ર આવે છે ત્યારે અવરોધ એ અવરોધ રહેતા નથી. તે પગથિયાં બની જાય છે.’ થોમસ અલ્વા એડિસનની બે હજાર વાર નિષ્ફળતા જોઈને એક પત્રકારે પૂછ્યું, `આ રીતસર નિષ્ફળતા નથી લાગતી?’ તેની પર એડિસનનો ઉત્તર હતો, `વીજનો દીવો બનાવવું તે બે હજાર પગથિયાંની પદ્ધતિ છે.’ તેમનો પ્રયત્ન એક ટેક્નિકલ બાબત હતી, પરંતુ તેની પાછળ દુનિયાને પ્રકાશમાં લાવવાની પ્રાર્થના હતી. આ જ તો શ્રદ્ધા હોય છે પ્રયત્નની પાછળ. આપણા ઈસ્રોના સાયન્ટિસ્ટ્સ પણ આવા જ છે. ચંદ્રયાન 2 નિષ્ફળ નીવડ્યું ત્યારે આખો દેશ દુઃખી થયો, અફસોસ થયો, પરંતુ ઈસ્રોના વૈજ્ઞાનિક નાસીપાસ નહીં થતાં બીજા દિવસે નવી આશા સાથે કામે લાગી ગયા. ચંદ્રયાન 3 સફળ થયું કારણ કે તેમના પ્રયત્નમાં વિજ્ઞાન હતું અને પ્રાર્થનામાં આપણો ભારત દેશ હતો.
ક્યારેક ક્યારેક જો કે રિઝલ્ટ્સ મળતા નથી. તે સમયે આપણે નિરાશ થઈએ છીએ, ત્રાગા કરીએ છીએ, કંટાળો આવે છે આ બધાનો. પણ તે સમયે પ્રાર્થના આપણને સ્થિર રાખે છે. તે આપણને કહે છે, `આ બાબત હવે થવી નહીં જોઈએ, જેથી તે થતી નથી.’ અને થોડાં દિવસ પછી આપણને સમજાય છે કે તે નકાર એ આગળની સારી બાબતનો પાયો હતો. ભગવાનના ગઘ શબ્દનો અર્થ કદાચ ગજ્ઞ ગજ્ઞૂ હોવો જોઈએ. આથી ગમે તે થાય તો પણ પ્રયત્ન અને પ્રાર્થનાનો સાથ છોડવો નહીં જોઈએ. વ્યક્તિગત જીવનમાં પણ એવું જ હોય છે. આરોગ્યની બાબતમાં કહીએ તો આહાર, કસરત, શિસ્ત આ બધું એટલે પ્રયત્ન અને મનઃશાંતિ, બનતી બાબતોનો સ્વીકાર અને આત્મવિશ્વાસ એટલે પ્રાર્થના. સંબંધોનો વિચાર કરવામાં આવે તો એકબીજામાં સંવાદ એટલે પ્રયત્ન અને એકબીજાને સમજી લેવા એટલે પ્રાર્થના. આપણા કરિયરનો અથવા વ્યવસાયનો વિચાર કરવામાં આવે તો આપણો પરિશ્રમ એટલે પ્રયત્ન અને આપણો દ્રષ્ટિકોણ એટલે પ્રાર્થના એમ કહી શકાય.
સ્ટીવ જોબ્ઝે એપલ કંપની બનાવતી વખતે અનેક વાર બધું જ ગુમાવ્યું. તેને પોતાની જ કંપનીમાંથી બહાર કરવામાં આવ્યો, પરંતુ તેણે પ્રયત્ન છોડ્યા નહીં. તે કહેતો, `હેવ ધ કરેજ ટુ ફોલો યોર હાર્ટ એન્ડ ઈન્ટ્યુશન. તે જ તો તેની પ્રાર્થના હતી. તેના પ્રયત્ન ટેકનોલોજીના હતા, પરંતુ તેનો વિશ્વાસ પોતાની પર હતો, વિચારોની શ્રદ્ધા પર હતો, જે તેની પ્રાર્થના હતી અને તેથી જ આજે પણ `એપલ’ દુનિયામાં અવ્વલ નંબર પર છે. એ.પી.જે. અબ્દુલ કલામ કહેતા, `માણસના માર્ગમાં અડચણો આવવી જ જોઈએ,તો જ તે વધુ પ્રયત્ન કરે છે અને સફળતા વધુ સારી રીતે એન્જોય કરી શકે છે.’ તેમના પણ પ્રયત્ન વિજ્ઞાનમાં હતા અને તેની પાછળ પ્રાર્થના હતી. આપણા દેશ માટે કશું સારું નિર્માણ કરવાની. હાલનો જ દાખલો લઈએ તો અલીબાબા કંપનીના સંસ્થાપક `જેક મા’ને ત્રીસથી વધુ વખત નોકરી નકારાઈ હતી, પરંતુ તેણે પ્રયત્ન છોડ્યા નહીં અને `ગિવ અપ’ પણ કર્યું નહીં. તેનો તે `ગિવ અપ’ નહીં કરવાનો દ્રષ્ટિકોણ એ જ મને લાગે છે કે આધુનિક દુનિયાના વ્યવસાયની પ્રાર્થના છે.
આપણી માતાનું અથવા મોડર્ન જમાનામાં 50:50 જવાબદારી સંભાળતા પિતાનો દાખલો મને સૌથી બોલકણો લાગે છે. આ બંને બાળકોની ભલાઈ માટે બધા પ્રકારના પ્રયત્ન કરે છે, તે માટે તેમને કોઈ પણ પુરસ્કાર અથવા કૌતુક નથી હોતું. તેમની દરેક કૃતિમાં એક નિઃસ્વાર્થ ભાવના હોય છે. તે જ તેમની પ્રાર્થના હોય છે. પ્રયત્ન અને પ્રાર્થનાનું આ સૌથી સુંદર રૂપ મને લાગે છે. કલ્પના સાઠેનું નોર્ધર્ન લાઈટ્સ જોવાનું સપનું સાકાર થયું અને તે દિવસે તેમની આંખોમાં જે સંતોષ હતો તે કોઈ પણ ટુર રિપોર્ટ અથવા ફીડબેક કરતાં મૂલ્યવાન હતો. તે જોઈને લાગ્યું, ભગવાન પ્રાર્થનાનો ઉત્તર આપે છે, પરંતુ ફક્ત જે પ્રયત્ન કરે છે તેમને જ. પ્રયત્ન કર્યા વિના પ્રાર્થનાનો કોઈ અર્થ નથી અને પ્રાર્થના વિના પ્રયત્નોને દિશા નથી. અને આ બે રેખા જ્યારે એકત્ર આવે છે ત્યારે તૈયાર થાય છે પ્રકાશની એક કમાન. તે જ હોય છે આપણી પોતાની નોર્ધર્ન લાઈટ.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)


