સંતાનના લગ્ન એ દરેક માતા-પિતા માટે ખૂબ જ ખાસ અને યાદગાર અવસર હોય છે. માટે જ, આ પ્રસંગને વિશેષ બનાવવા માટે લોકો લગ્ન પાછળ લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે.
પરંતુ તમે ક્યારેય એ વિચાર કર્યો છે કે આવા ખર્ચાળ લગ્ન પર્યાવરણ પર નકારાત્મક પ્રભાવ પાડી શકે છે? ના, સામાન્ય રીતે આવો વિચાર ભાગ્યે જ કોઈને આવે, પણ પર્યાવરણનું મહત્વ સમજતા લોકો આ વાત સમજી શકે છે. હા, લગ્નને પણ ઇકો-ફ્રેન્ડલી બનાવી શકાય એનું એક ઉત્તમ ઉદાહરણ હમણાં અમદાવાદમાં જોવા મળ્યું છે. તો, વાત કરીએ કેવી રીતે અમદાવાદના એક દંપતિએ દીકરીના લગ્નને સંપૂર્ણપણે ઇકો-ફ્રેન્ડલી બનાવ્યા એની…
…અને સંકલ્પ કર્યો!
આ વાત છે અમદાવાદના જાણીતા બિઝનેસમેન અને પર્યાવરણ પ્રેમી પંકજ પટેલની, જેમણે દીકરીના લગ્ન પહેલા જ પોતાનું પર્યાવરણ પ્રત્યેનું ઋણ અદા કરી દીધું. એમણે એક વર્ષ પહેલા જ સંકલ્પ કર્યો કે તેઓ 2000 વડનાં વૃક્ષો વાવશે, જેથી દીકરીના લગ્ન માત્ર એક ઉમંગ દાયક પ્રસંગ નહીં, પરંતુ પર્યાવરણ માટે એક દૃષ્ટાંત પણ બની શકે. એટલું જ નહીં લગ્નમાં પણ શક્ય હોય ત્યાં સુધી દરેક વસ્તુ પર્યાવરણને નુકશાન ન થાય અને કુદરતી હોય એ જ ઉપયોગમાં લેશે.
ઉદ્યોગમાં વિશેષ અનુભવ
મિકેનીકલ એન્જીનીયર તરીકે 30 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર પંકજ પટેલે વર્ષ 2008માં એબેલોન ક્લિન એનર્જી નામની કંપની શરૂ કરી, જે પર્યાવરણ માટે કામ કરે છે. એમના પત્ની ડો. બિના પટેલ ગળાથી ઉપરના ભાગના કેન્સરના નિષ્ણાંત છે. વર્ષો સુધી એમણે ગુજરાત કેન્સર ઈન્સ્ટીટ્યૂટમાં સેવા આપ્યા પછી એ પણ પંકજભાઈ સાથે એબેલોનમાં જોડાયા છે.
એમની એક માત્ર દીકરી રૈનાના લગ્ન ડિસેમ્બર 2024માં યોજાયા હતા. આમ તો આ લગ્ન ઘણા જાહોજલાલી ભર્યા હતા, પરંતુ સાથે ખાસ પણ હતા. કારણ કે, સંપૂર્ણ લગ્નમાં પ્લાસ્ટીક અને ધાતુને ક્યાંય સ્થાન નહોતું. એટલું જ નહીં લગ્ન સમારોહમાં સીધી-આડકરતી રીતે જે પણ કાર્બન ડાયોક્સાઈડ (CO2) ઉત્પન્ન થવાનો હતો એના માટે પહેલેથી જ પ્લાન કરીને પર્યાવરણના જતન માટે કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
દીકરીના લગ્ન અને પર્યાવરણનું સંકલન
દીકરીના લગ્નના એકથી દોઢ વર્ષ પહેલા જ પંકજભાઈએ લગ્નમાં કેટલો કાર્બન ડાયોક્સાઈડ ઉત્સર્જિત થશે એની ગણતરી કરી લીધી હતી. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા એ કહે છે કે, “વિશ્વભરના પર્યાવરણ સંકટને ધ્યાનમાં રાખી, મેં ગણતરી કરી કે મારી દીકરીના લગ્ન પ્રસંગે હું લગભગ 210 ટન કાર્બન (CO2) ઉત્સર્જન કરીશ. આમાં વિમાન દ્વારા વિદેશી મહેમાનોનો પ્રવાસ, રોડ ટ્રાવેલ, ભોજન અને વિવિધ વિધિઓમાં થતા ઉત્સર્જનનો સમાવેશ થાય છે. હું આ બધું માપીને, જોઈને સમજ્યો કે એક જવાબદાર નાગરિક તરીકે આ કાર્બન ઉત્સર્જનનું મૂલ્ય ભરપાઇ કરવું એ મારી ફરજ છે.”
લગ્નની તૈયારી અને વ્યાવસાયિક જવાબદારીઓ વચ્ચે, એમણે પર્યાવરણ અંગેની આ સમસ્યાઓ પર સંશોધન કર્યુ અને નિર્ણય લીધો કે આ કાર્બન ઉત્સર્જન માટેનું સમાધાન શું હોઈ શકે. છેવટે એમણે એક નિર્ણય કર્યો અને પોતાના સામાજિક દાયિત્વને પૂરું કરવા એમણે સૌ પ્રથમ તો 2000 વડના રોપા મેળવી યોગ્ય જગ્યાએ વાવી દીધા. એને નામ આપ્યું ‘બાબુલ વડ’, જેનો અર્થ થાય છે દીકરીના પિતાનું ઘર.
આ રીતે પૂર્ણ થશે પર્યાવરણનું દેવું!
આ કાર્બન ઉત્સર્જન અને એની ભરપાઇની ગણતરી પણ રસપ્રદ છે. ઉદાહરણ તરીકે, લગ્નપ્રસંગ સમયે એમના પર પર્યાવરણનું દેવું ૨૧૦ ટન હતું. પણ વડ મોટા થશે એટલે પ્રતિ વર્ષ કાર્બન(CO2) ચૂસવાનું પ્રમાણ વધશે. ૨૦૨૫-૨૬માં એમનું દેવું -૨૧૦ હશે, પછી -૧૮૬, -૧૬૧, -૧૨૨, -૫૪. થશે.
ત્યાર બાદ જમા પાસુ આવશે જે ૨૦૨૯-૩૦માં +૪૨ અને ૨૦૩૫-૩૬ના વર્ષમાં +૧૬૩૫ હશે. આ ઉપરાંત, વડ ઉપર ૪૦૦ જેટલી પ્રજાતિઓના પક્ષીઓ નિવાસ કરી શકે છે, માનવી અને પશુ એની છાયામાં નિરાંતે બેસી શકે છે. પાણીની પરબો બંધાઈ શકે છે, બાળકો રમી શકે છે. સરવાળે, અહીં એક અદભૂત વાતાવરણ સર્જાશે.
એક હજાર વૃક્ષ ધોળકા તાલુકાના ચંડીસર ગામની ગૌચર જમીન પર વાવ્યા અને બીજા વડના રોપા ખનન કરવામાં આવેલી જમીન પર રોપવામાં આવ્યા. એટલું જ નહીં વડના રોપા 9 મીટર બાય 9 મીટર ગ્રીડમાં વાવ્યા જેથી મોટા થઈ જાય એટલે એની વચ્ચે ઓપન સ્કૂલ, વેડિંગ જેવા પ્રસંગ પણ કરી શકાય.
વૃક્ષના રોપાની જ વાવણી કરવાની હતી તો પછી વડના રોપા પર જ કેમ પસંદગી કરવામાં આવી એની પાછળનું કારણ પણ રસપ્રદ છે. હકીકતમાં વડ સાથે હિન્દુ ધાર્મિક માન્યતા રહેલી છે. વડમાં ત્રણેય દેવોનો વાસ છે. એના મૂળિયા એટલે બ્રહ્મા, છાલ અને ડાળીઓ એટલે વિષ્ણુ અને વડવાઈઓ એટલે ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. વળી, આદિનાથ ભગવાન અને બુદ્ધ ભગવાનને વડ નીચે જ જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
બધા જ રોપા લગ્ન પહેલા જ સપ્ટેમ્બર 2024માં પ્લાન્ટેશન કરી દેવામાં આવ્યા હતા. પાંચ વર્ષ સુધી આ બધા જ રોપાનું ધ્યાન રાખીને એની સારી રીતે ઉછેરવામાં આવશે.
નો પ્લાસ્ટિક નો ધાતુ!
વડ તો વાવી દીધા, પણ લગ્નપ્રસંગને એમણે પર્યાવરણ ફ્રેન્ડલી કેવી રીતે બનાવ્યો? લગ્નના ડેકોરેશનની જ વાત કરીએ તો પાંચ દિવસના ફંક્શન દરમિયાન ‘નો પ્લાસ્ટિક નો સ્ટીલ’ નો કન્સેપ્ટ અપનાવવામાં આવ્યો હતો. લગ્નની દરેક ઇવેન્ટમાં રફ ગોદડી, રેડીમેડ કપડાના સ્ટીચીંગ કરતા જે કાપડ વધ્યું હોય એમાંથી બેસવા માટેની ગાદીઓ તૈયાર કરવામાં આવી હતી. એના પર પાથરવાની ચાદર માટે માદરપાટના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો, જે બ્લીચીંગ અને ડાઈ કર્યા વગરનું હતું. એમાં બ્લોક પ્રિન્ટીંગ કરીને એનો ઉપયોગ કર્યો અને પ્રસંગ પૂર્ણ થયા પછી એમાંથી બેગ (થેલી) બનાવવામાં આવી, જેથી એનો ઉપયોગ પણ થઇ શકે.
પ્રસંગમાં ઉજાસ માટે લાઈટના બદલે પાંચ હજાર જેટલા દિવડાનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાં યુઝ થયેલા કુકિંગ ઓઈલનો વપરાશ થયો. આ ઉપરાંત, કલાકારોને પ્રોત્સાહન આપવાનો પણ અહીં પ્રયાસ કરવામાં આવ્યો અને આદિવાસી વિસ્તારના યુવાનો પાસે વાદી પેઈન્ટીંગ કરાવ્યું. પ્રસંગના દરેક તબક્કે શક્ય એટલી કાળજી રાખવામાં આવી કે, વાહનોનો વપરાશ ઓછો થાય, કાર્બન પેદા કરે એવી રીતરસમો ટળે અને પરંપરાગત રીતે પર્યાવરણનો ખ્યાલ રાખીને પ્રસંગ ઉજવાય.
તમે ધામધૂમથી થતા અનેક લગ્નો જાયે હશે. પંકજભાઇ એમની દીકરીના લગ્ન પણ ધામધૂમથી જ કર્યા, પરંતુ અન્ય લગ્ન અને એમની દીકરીના આ લગ્ન વચ્ચે લાખ ગાડાનો ફરક હતા. ફરક એ હતો કે, આ લગ્ન કાર્બન ન્યૂટ્રલ લગ્ન હતા. એના દ્વારા પંકજભાઇના પરિવારે પર્યાવરણ પ્રત્યે તો પોતાની ફરજ અદા કરી જ હતી, પણ સાથે સાથે સમાજ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું કે, લગ્નમાં ખર્ચો કરીને પણ પર્યાવરણનું જતન કરી શકાય છે!
View this post on Instagram
લોકો લગ્નમાં ખર્ચ અને ચાંદલાની ગણતરી કરે, પણ પંકજભાઇએ તો કાર્બન ઉત્સર્જનની ગણતરી હતી!
(હેતલ રાવ)
