દશ વર્ષ પછી સુકન્યા અને અક્રમ એ જ જગ્યાએ ફરી મળ્યા…

સુકન્યાની કોફી શોપ વિથ લાઇબ્રેરી મુંબઈમાં એક ‘મસ્ટ વિઝીટ’ ડેસ્ટિનેશનમાં ગણાતી હતી અને ટુરિસ્ટ ગાઇડમાં પણ તે સ્થાન પામી ચૂકી હતી. રોજ કેટલાય દેશી-વિદેશી કસ્ટમર્સ આવતા અને સુંદર સજાવેલી કોફીશોપ વિથ લાઈબ્રેરીમાં બેસીને વાતો કરતા, હળવે હળવે વાગતું ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક સાંભળતા, ત્યાં રાખવામાં આવેલા પુસ્તકો અને મેગેઝીન વાંચતા. હવે તો સોશ્યિલ મીડિયાનો જમાનો હતો એટલે સૌ ફોટો પણ ખેંચતા અને પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકતા.

એક દિવસ સુકન્યાએ સ્ટાફને બાકીના કસ્ટમર્સ જાય પછી શોપ બંધ કરીને જવાની સૂચના આપી અને પોતે શોપમાંથી બહાર નીકળી. થોડીવાર પહેલા જ વરસાદ ચાલુ થઇ ગયો એટલે તેણે પોતાની છત્રી ખોલી અને દરવાજા બહાર પગ મુક્યો ત્યાં પાછળથી કોઈએ કહ્યું, ‘તમને વાંધો ન હોય તો મને છત્રીમાં સામેની હોટેલ સુધી છોડી દેશો? હું ત્યાં જ રોકાયો છું અને મારી પાસે છત્રી નથી.’

‘સુકન્યાએ પાછળ ફરીને જોયું. લગભગ પોતાની ઉંમરનો એક યુવાન બ્લુ સૂટ અને લેધર સૂઝમાં ઉભો હતો. કલમના વાળ સફેદ થઇ ગયા હતા અને ચેહરા પર રીમલેસ ગ્લાસ હતા.

‘સોરી?’ સુકન્યાએ કહ્યું.

‘મારી પાસે છત્રી નથી.’

થોડીવાર સુકન્યા તેને જોતી રહી પછી તેના મનમાં કૈંક વિચાર આવતા તેણે કહ્યું, ‘ઓફ કોર્સ. પ્લીઝ કમ.’

‘થેન્ક યુ.’

બંને સુકન્યાની છત્રીમાં સાથે સાથે ચાલવા લાગ્યા. હોટેલ નજીક હતી એટલે લગભગ પાંચ-સાત મિનિટમાં પહોંચી ગયા. લોબીમાં પહોંચતા સુકન્યાએ કહ્યું, ‘હેવ એ નાઇસ સ્ટે.’

‘થેન્ક યુ. આઈ હેવ અ ફ્લાઇટ ટુ લંડન ટુનાઇટ.’

‘ફ્લાઇટ ટુ લંડન.’ સુકન્યાથી બોલાઈ જવાયું અને આ શબ્દો તેના કાનમાં કોઈક જૂની યાદો લઈને આવ્યા.

‘હા, યાદ છે દશ વર્ષ પહેલા વરસાદમાં આ જ છત્રીએ આપણને બંનેને સાથ આપેલો?’ તે યુવાને કહ્યું.

‘અક્રમ?’ સુકન્યાની આંખોમાં ચમક આવી.

‘હા, અક્રમ. યુ રિમેમ્બર માઈ નેઈમ?’

‘યસ. આ છત્રી તે દિવસે હું ભૂલથી લઇ ગયેલી અને પછી મને બહુ અફસોસ થયો કે વરસાદમાં તમે કેવી રીતે હોટેલ પહોંચ્યા હશો. ત્યારથી આ છત્રીમાં મેં તમારું નામ લખી રાખ્યું છે અને ક્યારેક પરત કરીશ તેવી આશા સાથે પોતાની સાથે જ રાખું છું.’ સુકન્યાએ કહ્યું.

 

બંને હોટેલની લોબીમાં ઉભા હતા. છત્રીમાંથી પાણી નિતારી રહ્યા હતા અને બંનેની આંખોમાં દશ વર્ષ પહેલા બનેલો કિસ્સો તાજો થઇ ગયો:

રવિવારનો દિવસ હતો અને સાંજે ચારેક વાગ્યા હતા. મુંબઈના વરસાદની તાસીર લંડનના વરસાદ જેવી ગણાય છે- ક્યારેય આવી ચડે અને થોડીવારમાં જતો પણ રહે. હજી ચોમાસુ બરાબર બેઠું નહોતું એટલે સુકન્યા છત્રી લઈને નીકળી નહોતી પરંતુ જેવી તે પોતાની નવી શરુ કરેલી કોફી શોપ વિથ લાઇબ્રેરીમાંથી બહાર નીકળી કે વરસાદ શરુ થઇ ગયો. પહેલા ઝરમર અને પછી તરત જ ટપક ટપક વધવા માંડ્યું. સુકન્યાએ પોતાનું પર્સ બગલમાં દબાવ્યું અને આકાશ તરફ નજર કરીને નીશાસો નાખ્યો. વાદળો ઘેરાયેલા હતા અને આજે તો તેને ટ્રેઈન સ્ટેશન સુધી પહોંચતા પહેલા જ ભીંજવી નાખશે એટલો વરસાદ તો ચોક્કસ પડશે તેની ખાતરી સુકન્યાને થઇ ગઈ. તે ઝડપથી પાસેની દુકાનની તાલપટરીની છાપરી નીચે જઈને ઉભી રહી અને ટેક્ષીને હાથ બતાવ્યો. ત્રણ-ચાર ટેક્ષીઓ પસાર થઇ પણ બધી જ ફૂલ. એકેય રોકાઈ નહિ.

‘મારી છત્રી કદાચ બે લોકો માટે પૂરતી છે. જો તમે ઈચ્છો તો આવી શકો.’

સુકન્યાએ અવાજની દિશામાં જોયું. એક યુવાને પોતાનો છત્રી વાળો હાથ તેના તરફ લંબાવેલો હતો અને પોતે ત્યાં સુધીમાં તો છત્રીની નીચે જ હતી.

‘થેન્ક યુ. મને નથી લાગતું કે હવે વરસાદ થોડીવાર સુધી રોકાશે અને ટેક્ષી પણ બધી ફૂલ હશે.’ સુકન્યાએ છત્રીની નીચે આવતા કહ્યું.

‘મારુ નામ અક્રમ છે. તમારું?’

‘સુકન્યા.’

બંને ધીમે ધીમે વરસાદમાં એક છત્રી નીચે ચાલવા લાગ્યા હતા.

‘તમારી કોફી શોપ સરસ છે.’

‘ઓહ, તમે આવ્યા છો મારી શોપ પર? ગયા અઠવાડિયે જ મેં શરુ કરી છે.’ સુકન્યાની આંખમાં ચમક આવી ગઈ. પોતાના નવા કન્સેપ્ટને કોઈએ વખાણ્યો તેનાથી વધારે સારું તેના માટે બીજું શું હોઈ શકે.

‘હા, આજે જ આવેલો. તમે કાઉન્ટર પર હતા. કોઈએ મને કોફી અને કૂકીઝ આપેલા. મને તમારું બુક્સનું કલેક્શન પણ પસંદ આવ્યું. જો કે મેં તો મેગેઝીન જ ઉઠાવેલું.’ અક્રમે સુકન્યા સાથે ચાલતા ચાલતા વાત આગળ ચલાવી.

‘હા, હું કોલેજમાં હતી ત્યારથી જ આ કન્સેપ્ટ પર કામ કરવાની ઈચ્છા હતી. એક બુટિક ટાઈપ કોફીશોપ વિથ લાઈબ્રેરી ખોલવી હતી. પાંચ વર્ષ નીકળી ગયા કોલેજ પછી નોકરી કરતા કરતા ત્યારે કોઈ ઇન્વેસ્ટર મળ્યા. હવે જઈને આ પ્રોજેક્ટ શરુ થયો છે. આઈ હોપ સક્સેસફુલ થશે.’ સુકન્યાએ પોતાના સપનાના પ્રોજેક્ટ અને તેની પાછળની મહેનત અંગે ટૂંકમાં બધું જ કહી દીધું.

‘આઈ એમ સ્યોર સુપરહિટ થઇ જશે.’ અક્રમનાં પોઝિટિવ ટોનથી સુકન્યા પ્રેરિત થઇ.

થોડીવાર સુધી બંને ચાલતા રહ્યા. વરસાદ હજી ટપકતો હતો પરંતુ ધોધમાર ન વરસવાને કારણે છત્રી બન્નેને ભીંજાવાથી બચાવી રહી હતી. વાતોવાતોમાં અક્રમે છત્રી સુકન્યાને આપી દીધી હતી જેથી તે ભીંજાય નહિ અને સુકન્યા જે તરફ ચાલતી તે તરફ પોતે પણ સાથે સાથે ચાલી રહ્યો હતો.

વીસેક મિનિટમાં બંને સ્ટેશન પર પહોંચ્યા, સુકન્યાએ સ્ટેશનની છત નીચે પહોંચ્યા એટલે ‘થેન્ક યુ’ કહીને પૂછ્યું, ‘તમારે પણ ટ્રેઈન લેવાની છે?’

‘ના, મારે તો ફ્લાઇટ લેવાની છે. હું આજે પાછો જાઉં છું લંડન.’ સુકન્યાએ છત્રી બંધ કરી.

‘ફ્લાઇટ? લંડન?’ સુકન્યાને સમજાયું નહિ.

‘હું લંડન રહું છું. અહીં બિઝનેસ મિટિંગ માટે આવેલો. તમારા બુટિક કૉફીશોપની પાસે જ એક હોટેલમાં રોકાયો છું. આજ રાતની ફ્લાઇટ છે મારી.’ અક્રમે વધારે ખુલાસો કર્યો.

‘તો પછી તમે અહીં સ્ટેશન પર?’ સુકન્યાએ પૂછ્યું.

‘તમને મુકવા માટે.’

‘ઓહ માઇ ગોડ. મને લાગ્યું તમારે પણ ટ્રેઈન લેવાની છે તો હું તમારી સાથે સાથે ચાલી રહી છું.’

‘ના, એક્ચુલી હું તમારી સાથે સાથે ચાલી રહ્યો હતો.’

‘થેન્ક યુ સો મચ.’ સુકન્યાએ કહ્યું.

બંને થોડીવાર એકબીજા સાથે પ્લેટફોર્મ પર ઉભા રહ્યા અને વચ્ચે વચ્ચે કોઈ વાત થઇ જતી હતી એવામાં ટ્રેન આવી એટલે સુકન્યાએ કહ્યું, ‘થેન્ક યુ અગેઇન, મારી ટ્રેઈન આવી ગઈ.’

‘ઓલ ધ બેસ્ટ.’ અક્રમે ટ્રેઈનમાં ચડી ગયેલી સુકન્યાને હાથ હલાવી વિદાય કરતા કહ્યું અને ટ્રેઈન જતી રહી પછી પોતે છત્રી વિના સ્ટેશનની બહાર નીકળી હોટેલ માટે ટેક્ષીની રાહ જોવા લાગ્યો.

‘સર, મેડમ, મેય આઈ હેલ્પ યુ?’ હોટેલના દરવાને અક્રમ અને સુકન્યાને પૂછ્યું અને બંને ભૂતકાળની યાદોમાંથી બહાર આવ્યા.

‘ઓહ, નો થેન્ક યુ.’ અક્રમે કહ્યું એટલે દરવાન માથું નમાવીને જતો રહ્યો.

‘આ વખતે ભૂલું તે પહેલા આ લો તમારી છત્રી.’ સુકન્યાએ અક્રમને છત્રી પછી આપી.

‘ઇટ્સ માઇ ગિફ્ટ ટુ યોર ડ્રિમ કોફીશૉપ કમ લાઈબ્રેરી પ્રોજેક્ટ.’ અક્રમે છત્રી ન લીધી.

‘સાચું કહું તો આ છત્રી અને તમારી શુભેચ્છા મારા માટે ખુબ લકી છે.’ સુકન્યાએ કહ્યું અને સ્મિત સાથે અક્રમની વિદાઈ લઈને પોતાના રસ્તે ચાલી નીકળી. એક મુલાકાત અને નામ કે અપેક્ષા વિનાના આ સંબંધના તાંતણાને અનુભવતા અક્રમ તેને જતી જોઈ રહ્યો.

(યુવાન લેખક રોહિત વઢવાણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારી છે અને હાલ લંડનસ્થિત ભારતીય હાઇ કમિશનની કચેરીમાં ફરજ બજાવે છે. વિચારો લેખકના અંગત છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]