હોટેલ-બાંધકામ મામલે સોનૂ સૂદને મહાપાલિકાની નવી નોટિસ

મુંબઈઃ વિલે પારલે (વેસ્ટ) ઉપનગરના જુહૂ વિસ્તારમાં એક રહેણાંક મકાનને હોટેલમાં પરિવર્તિત કરવાના મામલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)એ બોલીવુડ અભિનેતા સોનૂ સૂદને ફરી એક નોટિસ મોકલી છે. મહાપાલિકા તંત્રએ સોનૂને કહ્યું છે કે એ છ-માળની હોટેલને અગાઉ હતું એ રહેણાંક મકાનમાં ફરી બદલી નાખે.

ઉલ્લેખનીય છે કે, ગયા જુલાઈ મહિનામાં, સોનૂ સૂદે બીએમસીને ખાતરી આપી હતી કે પોતે મકાનને ફરી રહેણાંક અવસ્થામાં બદલી નાખશે. પરંતુ, ગઈ 20 ઓક્ટોબરે પાલિકા અધિકારીઓએ નિરીક્ષણ કરતાં એમને માલૂમ પડ્યું હતું કે સૂદે મકાનને જે માટે મંજૂરી અપાઈ હતી એ અવસ્થામાં પાછું પરિવર્તિત હજી કર્યું નથી. સૂદે K-વેસ્ટ વોર્ડ (જૂહૂ, અંધેરી, વિલે પારલે-વેસ્ટ)ના વિભાગને 2018ના જૂનમાં અરજી કરી હતી કે છ-માળવાળા રહેણાંક મકાનને લોજિંગ માટેની હોટેલમાં પરિવર્તિત કરવાની મંજૂરી આપવામાં આવે. 2018ના સપ્ટેમ્બરમાં બીએમસીએ તેની અરજીને નકારી કાઢી હતી. તે છતાં 2020માં તે મકાનને હોટેલમાં ફેરવી નાખ્યું હતું. આ વર્ષના આરંભમાં, મુંબઈ હાઈકોર્ટે પણ સૂદને આ બાબતમાં ઠપકો આપ્યો હતો. ત્યારે સૂદ મકાનને તેની મૂળ અવસ્થામાં ફેરવી દેવા કબૂલ થયો હતો.