જીવનનો હેતુ શું છે તે પૂછવાનું બંધ કરો

જીવનનો હેતુ શું છે? જે દિવસે તમે ખુશીથી છલકાતા હતા, આ પ્રશ્ન તમે કર્યો હતો? ના. માત્ર જ્યારે જીવન ગંભીર કે નિરાશાજનક જણાવા લાગે ત્યારે તમે પૂછો છો. જીવંત હોવાનું જ્યારે પૂરતું ન લાગે ત્યારે જીવન માટે તમને કોઇ હેતુની જરૂર પડે છે. અત્યારે, તમારી જીંદગીની મોટામાં મોટી બાબત છે તમારું જીવંત હોવું. શેર બજારની ચડ ઉતર એ મોટામાં મોટી બાબત નથી,સૌથી મોટી બાબત છે તમારું આ ક્ષણે જીવંત હોવું. બીજું બધું ગૌણ છે. પરંતુ, મોટા ભાગના લોકોને તેની જાણ નથી. કંઇક ન થયું અથવા કંઇક થયું – તેમના માટે આ બધા મોટામાં મોટા પ્રશ્નો છે.

લોકોએ જીવનને પૂર્ણ રીતે અનુભવેલ ન હોવાથી મગજ હંમેશા હેતુ શોધ્યા કરે છે. જો તમારો જીવન અંગેનો અનુભવ ઊંડો થાય, તો તમારો પ્રશ્ન અદ્રશ્ય થઇ જશે. જીવનની પધ્ધતિ જ્યારે સંપૂર્ણ પણે ઉલ્લાસિત બની જાય,ત્યારે તેને કોઇ હેતુની જરૂર રહેતી નથી. તમે કામ કરવા જાઓ છો ત્યારે તમારો હેતુ પૈસા કમાવાનો અથવા આ કે તે સાચવવા માટેનો હોઇ શકે. પણ જો તમે કોઇ પાર્ટીમાં જાવ, તો શું હેતુ હોય છે? કોઇ હેતુ નહીં – તમને બસ ત્યાં રહેવું ગમે છે. જો જીવન એક મોટી પાર્ટી બની જાય, તો તમે વિચારશો નહી કે તેનો હેતુ શું છે.

તમને બસ ત્યાં રહેવું ગમશે. જીવનને કોઇ હેતુની જરૂર નથી, તે પોતે જ પોતાની રીતે એક હેતુ છે. તેણે તમને કોઇપણ તરફ લઇ જવાની જરૂર નથી. ઉલ્લાસિત રીતે જીવતાં હોવું એ જ પૂરતું છે. જીવનને કશેક પહોંચવા માટે કોઇ હેતુની જરૂર નથી.

રચનાની આ જ સુંદરતા છે. હાલમાં, તમારી જ્ઞાનેન્દ્રીયો થકી તમારી પાસે જીવનને ચાવીના કાણામાંથી જોવા જેટલી દ્રષ્ટી છે. જ્ઞાનેન્દ્રીયોની સમજણ જુદા જુદા પ્રાણીઓમાં જુદી જુદી રીતે કામ કરે છે કેમકે તે અસ્તિત્વ ટકાવવા માટે જરૂરી છે. થોડા સમય પછી તમને વિસ્મય થશે કે જીવનનો હેતુ શું છે કારણ કે, તમે કશું પણ સંપૂર્ણ જોતા નથી; આ જ્ઞાનેન્દ્રીયોની સમજણનો ગુણધર્મ છે.

જો હું તમને મારા હાથની આ બાજુ બતાવીશ, તેની બીજી બાજુ તમે જોઇ નહી શકો. આવું બધા માટે છે. તમે હંમેશા બધું ભાગોમાં જુઓ છો. તમે માટીના એક કણ ને પણ જોતા હો તો તમે તેના એક ભાગને જ જોશો. હમણાં તમારા મગજમાં જે કંઇ માહિતી છે તે બધી પાંચ જ્ઞાનેન્દ્રીયો થકી ટુકડે ટુકડે પ્રવેશેલી છે. તે એક માટીના કણને શુદ્ધા તેની સંપૂર્ણતામાં સમજી નહી શકે. તે બધું ટુકડાઓમાં સમજશે. તમે આ ટુકડાઓ જોડશો તો તે પૂર્ણ નહીં મળે. તમારી પાસે માત્ર ટુકડાઓ જ હશે. તમે ગમે તેટલાં ટુકડા ભેગા કરી લો, તે ક્યારેય આખા નહીં બને.

આથી જ શીવને ત્રણ નેત્રો વાળા તરીકે ઓળખાવાયા છે. જ્યારે આપણે “ત્રીજી આંખ” કહીએ છીએ, આપણે તમારા કપાળ ખુલી જવાની વાત નથી કરતા. તે નરી આંખની પાર જોવા અંગે છે. એનો અર્થ છે કે જોવાની તમારી ક્ષમતા જ્ઞાનેન્દ્રીયોની સમજની મર્યાદાને વટી ગઇ છે. અત્યારે જ્ઞાનેન્દ્રીયોની સમજણ એવી છે કે જો મારા હાથ થી આ આંખોને ઢાંકી દઉં તો તે તેને પાર જોઇ નહી શકે. અને ભૌતિક દુનિયામાં સમજણને અટકાવવા માટે કંઇ ને કંઇ હોય છે. એટલે જ્યારે આપણે “ત્રીજી આંખ” કહીએ છીએ, એનો અર્થ એ થાય છે કે, જીવનને તેના સંપૂર્ણ ઉંડાણ અને આયામોમાં ઓળખવું.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્કટાઇમ્સના બેસ્ટસેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]