આંતરિક સંચાલન જરૂરી છે

વેપાર એવી વસ્તુ છે જે આપણે માનીએ છીએ કે માનવીય જીવનને ઘણી બધી રીતે નક્કી કરશે. આ 50% હકીકત છે, કેમ કે જ્યારે એક માણસ ગરીબીમાં હોય છે, ત્યારે તમે તેની સાથે ભોજન સિવાય બીજી કશી વાત કરી શકતા નથી. જ્યારે તમે ભૂખ્યા હોવ છો, ત્યારે તમારી સંપૂર્ણ ચેતના અન્ન તરફ હોય છે. જો તમે એક ભિક્ષુક પાસે જાવ છો અને પૂછો છો કે 2+2 કેટલા થાય, તો તે ચાર રોટલી કહી શકે છે. જ્યારે ભોજન ના હોય ત્યારે આખી વસ્તુ અન્ન વિષે હશે.

જ્યારે કોઈ માનવીની મૂળભૂત જરૂરિયાતોની કાળજી ના રખાઇ હોય, ત્યારે તેના જીવનમાં કોઈ ઉચ્ચ વસ્તુની વાત કરવી શક્ય બનશે નહીં. પણ આપણે સમજવું જોઈએ કે ગરીબીથી સમૃધ્ધિની આ યાત્રા એક કઠણ યાત્રા છે. ચાહે તે એક વ્યક્તિ માટે કે એક સમાજ માટે કે દેશ કે વિશ્વની મોટી એવી વસ્તી માટે હોય, તે એક કઠણ યાત્રા છે. તે સરળતાથી થતી નથી, તેની સાથે એક ઘણી ઊંચી કિમત જોડાયેલી હોય છે. પણ મોટા ભાગે જ્યારે લોકો ત્યાં પહોંચે છે, ત્યારે તેઓ તેમની સમૃધ્ધિને માણી શકતા નથી.

મોટા ભાગના સમાજ તેમની સમૃધ્ધિથી પીડાતા હોય છે. દા.ત. અમેરિકા, જે ગ્રહ પરનો સૌથી ધનિક દેશ છે, ત્યાં સામાન્ય નાગરિકો જોડે એટલી સુવિધા અને સગવડો હોય છે જે કદાચ સો વર્ષ અગાઉ રજવાડાઓ પણ ભોગવી શક્યા નહોતા. તેમ છતાં, અમેરિકની નોંધપાત્ર વસ્તી કોઈ પ્રકારના એન્ટીડિપ્રેસન્ટ પર છે. જો તમે માત્ર એક ખાસ દવા બજારમાંથી પછી ખેંચી લો છો, તો અડધો દેશ પાગલ થઈ જશે. તે સુખાકારી નથી. તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે ક્યાં રહો છો, કેવી રીતે રહો છો, તમે શું ખાવ છો, તમે શું પહેરો છો, તમે કઈ ગાડી ચલાવો છો, જો તમે ખૂશ નથી તો તમે તેને સુખાકારી ના કહી શકો.

જો તમે પોતાને કેવી રીતે સંચાલિત કરવું તે જાણતા ના હોવ તો તમારી ખૂશી માત્ર આકસ્મિક છે. બાહ્ય પરિસ્થિતિઓ હંમેશા તમારા નિયત્રણમાં નહીં રહે, કેમ કે બાહ્ય પરિસ્થિતિમાં લાખો જુદા-જુદા તત્વો હોય છે. મોટા ભાગના લોકો તેઓ શું છે તે ખરેખર જાણતા નથી હોતા. ફક્ત કેટલાક ને તમે સમજો છો અને તેને તમે નિયંત્રિત રાખવાનો પ્રયત્ન કરો છો. બાકીનાને તમે સમજી પણ શકતા નથી, તેથી ત્યાં નિયંત્રણનો તો સવાલ જ નથી. તમે માત્ર આશા રાખો છો કે તે બધા ગોઠવાઈ જશે.

પણ વાત જ્યારે આંતરિક પરિસ્થિતીની આવે છે, તો ત્યાં ફક્ત તમે જ છો, માત્ર તમે. ઓછામાં ઓછું આ આંતરિક સ્થિતિ તમારા અનુસાર થવી જ જોઈએ. જો આ એક તમારા અનુસાર નથી થતી તો તમે એક તક ગુમાવી ચૂકેલ વ્યક્તિ છો. તેથી જો તમારે ખૂશ રહેવું હોય તો તમારે પોતાને યોગ્ય રીતે સંચાલિત કરવી પડશે. સંચાલનનો અર્થ છે તમારે જોઈએ છે તે અનુસાર પરિસ્થિતિઓ બનાવવી. જેવી રીતે તમે તમારું કુટુંબ,ધન, ઉધ્યોગ, ધંધા સંચાલિત કરો છો, તે જ રીતે તમે તમારું, મન, ભાવના, ઊર્જા અને શરીર સંચાલિત કરો તે અગત્યનું છે. અને બાહ્ય પરિસ્થિતિઓને સંચાલિત કરવાની શક્તિ તમારામાં ત્યારે જ આવશે ફક્ત જ્યારે તમે આંતરિક સ્થિતિ સારી રીતે સંચાલિત કરી હશે.

કમનસીબે આપણે એક વ્યક્તિ તરીકે, એક સમાજ તરીકે, એક દેશ તરીકે, એક વિશ્વ તરીકે, આપણે આંતરિક સુખાકારી માટે કોઈ વસ્તુમાં રોકાણ નથી કર્યું. હવે સમય આવી ગયો છે કે આપણે આપણી આંતરિક સુખાકારીમાં રોકાણ કરીએ.

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

(ભારતના 50 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વ્પ્નદ્રષ્ટા અને ન્યુયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ – પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે.)