લોકલ ટ્રેનોમાં પ્રવાસઃ ધ્યાન રાખજો, નહીં તો દંડાશો

મુંબઈઃ આવતીકાલે, 1 ફેબ્રુઆરીના સોમવારથી મુંબઈમાં સામાન્ય લોકોને પણ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા મળશે, પરંતુ એ માટે સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે. આમજનતાને ધસારાના કલાકો દરમિયાન ઉપનગરીય ટ્રેનોમાં પ્રવાસ કરવા મળવાનો નથી. મનાઈ ફરમાવેલા સમય દરમિયાન જો સામાન્ય નાગરિક લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતો પકડાશે તો એણે 200 રૂપિયાનો દંડ ભરવો પડશે અને એક મહિનાનો જેલવાસ અથવા શિક્ષાનો સામનો કરવો પડશે.

સામાન્ય લોકો સવારે 7થી બપોરે 12 અને સાંજે 4થી રાતે 9 વાગ્યા દરમિયાન પ્રવાસ કરવા નહીં મળે. મતલબ કે સવારે પહેલી ટ્રેન શરૂ થાય ત્યારથી સવારે 7 વાગ્યા સુધી, બપોરે 12થી સાંજે 4 વાગ્યા સુધી અને રાતે 9 વાગ્યાથી દિવસની છેલ્લી ટ્રેન સુધી જ સફર કરવા મળશે. જો સામાન્ય લોકો સવારે 7-12 અને સાંજે 4-9 દરમિયાન પ્રવાસ કરતા પકડાશે તો પોલીસ કાર્યવાહીનો સામનો કરવો પડશે. ધસારાના કલાકો દરમિયાન માત્ર આવશ્યક સેવાઓમાં સંકળાયેલા લોકોને જ લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવી છે.