(સદગુરુ જગ્ગી વાસુદેવ)
તાર્કિક વિચારસરણી એક પ્રકારની સૂઝ છે, અંતર્જ્ઞાનની (ઇંટ્યૂશન) સમજ બીજા પ્રકારની સૂઝ છે. શિક્ષણની આધુનિક રીતના આગમનથી આપણે તાર્કિક વિચારસરણીનો ઘણો વિકાસ કર્યો છે અને અંતર્જ્ઞાનના પરિમાણને સંપૂર્ણપણે અવગણ્યું છે અથવા મારી નાખ્યું છે. તમે જેમ જેમ અંતર્જ્ઞાનનો નાશ કરશો અને વધુ તાર્કિક બનશો, તેમ તેમ તમારા જીવનની દરેક નાની વસ્તુનો તમારે વિચાર કરવો પડશે કારણ કે તમે ખરેખર કંઈપણ જાણતા નથી. શિક્ષિત વર્ગને જીવન વિશે ઘણી સરળ બાબતોનો વિચાર કરવો પડે છે જે પ્રત્યેક પ્રાણી સહજ જાણે છે, જેને આદિજાતિની સંસ્કૃતિઓ અને ગ્રામીણ સમુદાયોના લોકો પણ જાણે છે. આ જ કારણે તમે જોશો કે લોકો ફક્ત તેમની દૈનિક પ્રવૃત્તિઓ સંભાળવા માટે બીનજરૂરી તાણમાં છે.
થોડા સમય પહેલાં, હું અમેરિકામાં એક પુસ્તકની દુકાનમાં પુસ્તકો જોઈ રહ્યો હતો, તો ત્યાં મને નવી માતાઓ માટે એક પુસ્તક મળ્યું. હું આ પુસ્તક પલટાવી રહ્યો હતો જેમાં લેખક નવી માતાને કહેવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે બાળકને તેમના શારીરિક સંપર્કની જરૂર હોય છે. પુસ્તકમાં લખ્યું હતું કે દિવસમાં કેટલી વખત માતાએ બાળકને ગળે લગાવવું જોઈએ, દિવસમાં કેટલી વખત તેમને બાળકને ચુંબન કરવું જોઈએ—દિવસમાં 124 ચુંબન આરોગ્યપ્રદ છે. હવે, ધારો કે તમે સવારમાં વ્યસ્ત હતા અને તમે સાંજે બધા 124 ચુંબન આપવા ઇચ્છતા હોવ, તો તમે અને તમારું બાળક બંને, શારીરિક અને માનસિક રીતે બીમાર થઈ જશો. તાર્કિક વિચારસરણી તમારી સાથે આ કરી શકે છે. તમારે થોડી સમજની જરૂર છે, ફક્ત વસ્તુઓને એ જેવી છે એ રીતે જાણીને તે અંતર્જ્ઞાન છે.
ખાસ કરીને જ્યારે તમે એવા પરિમાણોમાં જાઓ જે તાર્કિક સમજ નથી બનાવતા, અંતર્જ્ઞાન ચોક્કસપણે સહાયક નીવડશે. આપણે અંતર્જ્ઞાન વિશે વધુ વાત કરતા નથી કારણ કે લોકો અંતર્જ્ઞાનના નામ પર ખૂબ જ સરળતાથી ભ્રમણા ફેલાવી શકે છે. તેથી જ આપણે દરેક વસ્તુને શક્ય તેટલું તાર્કિક બનાવવાનો પ્રયાસ કરીએ છીએ, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે અંતર્જ્ઞાનનો નાશ કરવાની ઇચ્છા રાખીએ છીએ. અંતર્જ્ઞાન હંમેશાં સંપૂર્ણપણે અલગ રીતે વિકસાવવામાં આવે છે – તેના માટે ઇચ્છા કરીને નહીં, પરંતુ ફક્ત તેના માટે જરૂરી નિખાલસતા રાખીને જેથી તમારે તમારા જીવનના દરેક પાસા વિશે તાર્કિક રીતે વિચાર કરવો ન પડે, તમે કેટલીક બાબતોને સરળતાથી જાણી લો.
(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેમની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)