જીવન પ્રત્યે સંવેદનશીલ બનો

એક વસ્તુ દરેક વ્યક્તિએ ધ્યાનમાં રાખવી જોઇએ: ચોવીસ કલાકમાં કેટલા ક્ષણોમાં તમે જીવનના એક ભાગ રૂપે કર્યો કરો છો? મોટાભાગે તમે કાં તો વિચાર, ભાવના, અભિપ્રાય, ફિલસૂફી, માન્યતા પ્રણાલી, સંબંધ અથવા આવું કંઈક છો. સૌથી મોટી સમસ્યા એ છે કે મોટાભાગના લોકો જીવન સિવાય બીજું બધું બનવાનો પ્રયત્ન કરે છે. તમે એક વિચાર, ભાવના, કોઈ નિષ્કર્ષ, અભિપ્રાય, ફિલસૂફી, એક વિચારધારા અને બીજું બધુ, બનવાનો પ્રયાસ કરી રહ્યાં છો.

જો તમે તમારા શરીર અને મનની પ્રક્રિયાને થોડો અંતર રાખીને ચલાવશો, તો તમે જોશો, તમે જીવન પ્રત્યે સંવેદનશીલ બન્યા. આપણે યોગના નામે જે પણ કર્યું છે તે જીવન પ્રત્યેની સંવેદનશીલતા લાવવા માટે જ છે. જીવન પ્રત્યેની સંવેદનશીલતા ત્યારે જ આવશે, જ્યારે તમે વાસ્તવિકતા સાથે ચાલશો. અત્યારે તમે ફક્ત અહંકારને લઈને સંવેદનશીલ છો. તમે કહો છો કે, “હું સંવેદનશીલ વ્યક્તિ છું.” ત્યારે તમે કહેવા માંગો છો કે, તમારી પાસે ખૂબ મોટો, મજબૂત અહંકાર છે.

સંવેદનશીલ હોવાનો અર્થ એ નથી કે તમે દરેક વસ્તુથી દુઃખી થાઓ, ગુસ્સે થાઓ અથવા ચિડાઈ જાઓ. જો તમે જીવન પ્રત્યે સંવેદનશીલ છો, તો તમે દરેક બીજા જીવનને તમારી જેમ અનુભવો છો કારણ કે તમે પણ જીવન છો. તમારી આસપાસ જે છે એ પણ એટલું જ જીવન છે, જેટલા તમે છો. જો તમે અહીં જીવન તરીકે બેસશો, તો આંતરિક રીતે તમે તે જાણી શકશો. જો તમે અહીં કોઈ વિચાર તરીકે બેસો છો, તો તમે બાકીના અસ્તિત્વથી સંપૂર્ણપણે અલગ છો. જો તમે અહીં જીવન સિવાય બીજી કોઈ પણ વસ્તુ તરીકે બેસો છો, તો તમે બનાવટી છો; તમે વાસ્તવિક નથી.

જો તમે જીવન પ્રત્યે સંવેદનશીલ બનવા માંગતા હો, તો તમે જાતે જીવન બનો. એક સરળ પ્રક્રિયા જે તમે કરી શકો છો તે છે: તમે જે કાંઈ વિચારો અને અનુભવ કરો એને ઓછું મહત્વ આપો. એક દિવસ માટે પ્રયત્ન કરો અને જુઓ. અચાનક તમને પવન, વરસાદ, ફૂલો અને લોકો, બધું એકદમ જુદું લાગશે. અચાનક તમારામાંનું જીવન તમારા અનુભવમાં વધુ સક્રિય અને જીવંત બની જશે. પછી, તમે જીવન પ્રત્યે સંવેદનશીલ બનશો. એકવાર તમે આ જીવન પ્રત્યે સંવેદનશીલ થઈ જાઓ, તો તમે અન્ય જીવન પ્રત્યે પણ સંવેદનશીલ થઈ જ જશો. કારણ કે તમે હવે “હું” ને ફક્ત શરીરની જેમ નહીં જુઓ. જો તમે આસપાસ જોશો, તો આ “હું” સંપૂર્ણ સમાપ્ત થઈ ગયું હશે. પછી તમે દરેક વસ્તુ માટે કુદરતી રીતે સંવેદનશીલ છો.

જીવન પ્રત્યે સંવેદનશીલ બનવું એ કોઈ અભ્યાસ, વિચારધારા કે ફિલસૂફી નથી. જો તમે જીવન છો, તો તમે જીવન પ્રત્યે સંવેદનશીલ હશો. જો તમે ફક્ત જુઓ, કે તમારું શરીર, મન અને ભાવનાઓ જે કંઈ બોલી રહ્યાં છે તે મહત્વપૂર્ણ નથી, તમે અચાનક જીવન પ્રત્યે ઘણા સંવેદનશીલ બની જશો.

(સદગુરુ જગ્ગી વાસુદેવ)

(ભારતના પચાસ પ્રભાવશાળી લોકોમાં સ્થાન ધરાવનાર, સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદગુરુને તેની અસાધારણ અને વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા 2017 માં સર્વોચ્ચ વાર્ષિક નાગરિક એવોર્ડ- પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.)